ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/મેળો

મેળો

કિશોરસિંહ સોલંકી

ચોમાહું રેલમછેલ. ચોમાહું લીલુંછમ્મ. પોષણ છે ચોમાસું તો ભૂંખીડાંસ ધરતી પ્હેલા વરહાદને ચસચસ ધાવતી હોય, ખોબલે ખોબલે ખાઈએ એવી આવતી હોય માટીની મહેક!

આંખોમાંથી આંસુ ટપકે એમ ઝરતાં હોય વગડાનાં ઝાડવાં અને એકાદના થડમાં લપાઈ રહ્યાં હોય અમે ટેણિયાં; અથવા વહેતા પાણીમાં છબછબિયાં ખાતાં હોઈએ અમે બધાં. પહેલા વરસાદે ધરતીના શરીર ઉપરનો મેલ ધાવતો જોવાનો પણ એક લહાવો હતો. અતારે તો એ બધુંય ખૂંચે છે પગમાં કાંટો વાગ્યો હોય એમ અને પછી બોલાઈ જવાય છે: ‘ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ગામડે.’

સગર્ભા સ્ત્રીનું સૌંદર્ય જેમ ખીલતું રહે છે એમ ધરતી પર બદલાઈ જાય વરસાદ પછીના એકાદ દાડામાં તો. ગઈ કાલે જ્યાં બાવા બાથોડે આવતા હતા ત્યાં વહેતું હોય લીલમલીલું ઝરણું! બદલાઈ જાય આખો વગડો! જ્યાં સામે વાગીને નજર પાછી પડતી હોય ત્યાં અત્યારે તો એવી ચોંટી જાય કે ન પૂછો વાત. ચોમાહું તો અમારું જીવન સે ભૈ. અરે! અહાડ હેંડતાં જો વરહાદ ના પડે તો બચારાં ગામડાંવાળાંના જીવ અધ્ધર થૈ જાય. ભગવાંનને વેંનવે, માંનતાઓ માંને, ભજનો કરાવે, જોશીડા બોલાવે કે ભૂવા ધુણાવે તોય આભલામાં ન દેખાય એકાદ વાદળું તો લોકો કપાળે હાથ દઈને નેંહાકા નાંખે. ઢોર અને માંણ ચેવી રીતે જીવશી — એવા બળાપા કાઢે. આખરે માંણહ કરી શકે પણ શું?

જ્યારે ભર્યું ભર્યું ચોમાહું આવે. હળોતરા થૈ જાંય. શેઢા ઉપર ઊભા રહીએ તો મન ઠરે એવું હોય એટલે તો આનંદ આનંદ રેલાવા માંડે. તમે નૈ માંનો પણ અમારા બધા જ તે’વારો વોય ચોમાહાના ચાર મઈનામાં. માંણસ કે ઢોરને કાંઈ ચંતા તો ના વોય તો ના વોય ને, એટલે તો તેવા’રો કરનારનું ભલું થજો. ઓહોહો! જેણે આ તે’વાર કર્યા અશી ઈયાંની ચેટલી લાંબી ચાલતી હશે? ધન સે એવા પુરુષોને.

તમોને શું કરું વાત? અમે તો રાહ જોતા વોઈએ મેળાની. અમારા ગાંમમાં પણ આહે મઈનાના અજવાળિયાની પાંચમે વીરદાદાનો મેળો ભરાય.

મેળાના બેચાર દાડા અગાઉ દુકાંનોનું માપ અલાય. દુકાંનદારો વ્હેલા વ્હેલા આઈને પોતાની જગા નક્કી કરી લે. ગાંમપંચાયતની દુકાંનોનાં. અમે નૅહાળ જાતાં ટાબરિયાં ટોળે વળીએ બધાં ત્યાં જ. પેલોય કંટાળી જાય અમારાથી. એકાદ હાકોટો કરે અને અમે ચકલાંની જ્યમ હુરુરુરુ ખસી જૈએ દૂર. ફરી પાછો એનો એ જ ક્રમ! અગિયાર વાગ્યે ઘંટ ખખડે! એ ઘંટનો અવાજ અમોને ભાલાની અણીની જ્યમ છાતીમાં વાગે. અમારું તોફાન, અમારી રમતો, અમારા ગોંદરાની રેતને ઊપણવાનો ઉમંગ — બધું જ ગળી જાય એ ઘંટ પેલા અજગરની જેમ જ સ્તો! અમારે કચવાતા મને જાવું પડે નૅહાળમાં.

જાતાં તો મોડા પડીએ. પ્રાર્થના શરૂ થઈ ગઈ વોય. અમોને ઊભા રાખે સાયેબ. પ્રાર્થના પછી એક એક લાફો ખાવાનો અમારે અને પછી લેંમડી નેંચે જૈને બેહી જાવાનું ભણવા.

મેળાની તો રાહ જોઈએ. અમારે તો તૈણ-ચાર દાડાની રજા! કરો મજા! નૅહાળ તો ચાલુ વોય પણ એકલા સાયેબો તો બગાહાં જ ખાતા વોય સે ને? ચ્યાં ભણવાનું વોય સે ઈમને કાંઈ? છોકરાંને ભણવું વોય તો ભણે નઈતર જાય એરંડિયાનો ભાવ પૂછવા.

અમે તો ભેગા થૈને આખું ગોંદરું માથે કરીએ. તિયાર થાતી દુકાંને દુકાંને રખડીએ ચીઈ દુકાંનમાં શું મળવાનું સે એ નક્કી કરી લઈએ. ચીઈ ચગડોળ ચ્યાં અશે તે જોઈ લઈએ. આખી રાત ગોંદરે રમ્યા કરીએ એવો તો અમારો ચહકો!

ગોંદરું પણ ચેટલું મોટું… અધધધ…! જેટલી દુકાંનો કરવી વોય એટલી થાંય. પિપૂડાવાળા. શેરડીવાળા, ઈમાંય ચોપડીઓવાળા પાહણથી અમે લેતા ‘સદેવંત-સાવળિયા’ કે ‘ભોજા ભગતના ચાબખા’ કે ‘ભજનાવલિ’ અથવા ‘બત્રીસ પૂતળીની વારતા’ કે ‘રાંમાયણ’ — એ પણ અમારો ચહકો અતો વાંચવાનો-ગાવાનો! એ બધું જ અતારે તો ત્યાં મેલીને આયા છીએ આંય હુધી.

મેળાના દા’ડે તો હકડેઠઠ લોકો! લોકોમાં પિલાતા પિલાતા ઈયાંના પગ વચ્ચેથી નેંકળી જાતા હૂહરા! ફુગ્ગા ને પિપૂડા લૈને ફૂંક્યા કરતા, શેરડીઓ ચૂહ્યા કરતા.

આસો સુદ-પાંચમની રાતે તો મગરવાડાના ગોંદરે ભજવાય ભવાઈ. રાતે વ્હેલા વ્હેલા જમીને આગળ બેહવા માટે ચપોચપ આઈને ગોઠવાઈ જાતા. મોડી રાત હુધી જોઈએ ભવાઈ અને પછી જૈએ ઘેર તે આવજો હવાર વ્હેલું. હવારે ઊઠીએ તડકાને ઓઢીને! આંખો ચોળતા ચોળતા તિયાર થૈએ પછી ફરવા પ્હોંચી જૈએ — ઘેરથી બધાં ના…ના… પાડે તોય. નૅહાળમાં જાવાનું તો નાંમ જ નંઈ. ઊઘલતી દુકાંનો જોવાની પણ મજા આવતી વોય સે.

પણ અતારે તો અમારું ગોંદરું પણ સંકડાઈ જ્યું સે. ગોંદરાની વચોવચ ડાંમરનો રસ્તો આયો સે. એટલે ઈના બે ભાગલા જ્યા સે. ગોંદરે ઊભેલો વડલો પણ મરવાના વાંકે જીવે સે. પેપેરી પણ ઘરડી થૈ જૈ સે. લોકોને હવે ચ્યાં રસ રહ્યો સે મેળાનો? એ વખતે તો મેળામાં પોતાનાં બધાં સગાં-વહાલાંને પણ તેડાવતા. જલસો રે’તો બે-તૈણ દાડા તો. પણ અતારે તો નથી આવતા સગાં કે નથી આવતાં સ્વજનો! અતારે તો મેળાનો આનંદ પણ હુકાઈ જ્યો સે મારા ગામનો. હવે તો માંહણને માંણહની ગંધ આવે સે. અતારે તો હેત ને પ્રેમ તો નથી રહ્યાં માંણહમાં. માંણહની આંસ્યમાંથી અમી ખૂટી જ્યું સે પછી મેળો માણવા આવે કુણ? જ્યાં જુઓ ત્યાં કૂડ કૂડ હોય પછી શું? એ તો ભલું થજો આ ધરતીમાનું કે, આપણને ઈના ઉપર હેંડવા દે સે નહીંતર આપણને ભાળીને ચ્યારની તૂટી પડી વોત એવો તો આયો સે આજનો વખત!

અમારા ગાંમના મેળા પ્હેલાં તો મજારદનો રાંમાપીરનો મેળો, રૂપાલનો શીતળા સાતમનો મેળો ઈના પછી તો સિધપુરની કાત્યોકનો મેળો! સુધપીરમાં ભરાતો મેળો તો અમારા માટે એક અજાયબી રૂપ હતો. ઓહોહો! જાતજાત ને ભાતભાતનાં ચેટલાં બધાં લોકો! ઈમાંય માધુ પાવડીઓ ઉપર ઊભા રઈને જુઓ તો તમે ધન ધન થૈ જાંવ. આ મેળો ભરાય કુંવારકા નદીના કાંઠે.

અમે પ્હેલેથી ઘરમાં કહી રાખીએ મેળે જાવા. મોટેરાં ના પાડે. તોય અમે તો કરીએ હઠ. વાપરવા જેટલા થોડા પૈસાનું પ્હેલેથી કહેવું પડે નઈતર કાંય મળે નંઈ. પછી મેળામાં જાવામાં કાંઈ અરથ ખરો? બે પૈસા ગજવામાં વોય તો વટ પડે ને?

ચરામાં ઢોર ચારવા જઈએ. બધાં પેંડારિયા ભેગાં થૈને નક્કી કરીએ મેળામાં જાવાનું. મું, તખલો, મોતીડો, જવાંનિયો અને મદિયો મેળામાં જઈએ જ. પણ જે દાડે મેળામાં જાવાનું વોય ઈના પ્હેલાંથી તો અમે ઊસમાં લૂગડાં ધોઈને ગોદડાં નેંચે ઘાલી રાખીએ. એ દાડે તો વ્હેલા ઊઠીને સેતરનું પતાવી લઈએ કાંમ! પછી કૂવા ઉપર બેસીને કે બાજુના વહેતા આંઘામાં ખંગોળિયું ખાઈ લઈએ. નાઈ-ધોઈને ટીહટહાં થઈ જઈએ. ભેગા થઈને હાલી નીકળીએ મેળામાં. મોટરું તો અતારે આઈ, એ વખતે તો અમારા પગ એ જ મોટરું. આઠ-ન વજ ગાઉ હેંડી નાંખીએ રમતાં રમતાં. અતારે તો તમારે અડધો ગાઉં હેંડવું વોય તોય હાંફવા માંડો. અરે! હેંડવાનું નાંમ હાંભળતાં જ થાકી જોવ. પછી મેળે જવાની તો વાત જ શી કરવી.

આખે રસ્તે લોકો હેંડતા મેળે જાંતા વોય. ઓહોહો! એટલો બધો હરખ કે ના પૂછો વાત. માથે ઊડતાં વોય છોગાં, ગળામાં ઘાલેલા વોય રૂમાલ, પ્હેરણ ને ખણખણતાં વોય રૂપાનાં બટન, ચઈડચૂં… ચઈડચૂં… બોલતા વોય જોડાં, કોઈએ કાંનો ઉપર ઘાલ્યાં વોય ફૂમતાં, કોઈએ ઊંચા ખોસ્યાં વોય ધોતિયાં, જુવાનડીઓ બણીઠણીને નેંકળી પડી વોય મેળામાં જાવા.

મેળો તો હળવા-મળવાનું થાંનક. મેળામાં જાતી વખત તો ચેટલાંય મોર ગેંકતા વોય બધાંના હિયામાં. મળશાં. વાતો કરશાં, ખાહાં-પીહાં. ઈયાંને મુંશું આલોય? ગડમથલ ચાલે મનમાં તો. ભરત ભરેલો લાલ રૂમાલ લવાયો વોય સંતાડીને, અથવા કોઈ હોનીના ઈયાંથી લવાઈ વોય એકાદ વેંટી!

મેળા વખતે તો રસ્તે રસ્તે લોકો ઊગ્યાં વોય પયરંગી. બે-ચાર કે એથીય વધારે હારોહાર જાતાં વોય. કોઈ માંનતા માની વોય એ પૂરી કરવા જતું વોય, કોઈ છોકરીની બાધા મૂકવા. કોઈ મેળો માંણવા, કોઈ વરહમાં એકાદ વખત મળવા,

મોટિયાઈડા તો આખા મારગે એકબીજાના ખભે હાથ મૂકીને લલકારતા વોય:

શેલ રમતૂડો… આયો પુનમિયો મેળો… પૂનમના મેળે જાહું ને ભેળા થાહું રે… શેલ રમતૂડીઈઈઈ આયો પુનમિયો મેળો. એકે કાઢ્યો અડધો ને બીજે કાઢી પાવલી એમ કરીને ગાંઠિયા લીધા રે… શેલ રમતૂડીઈઈઈ આયો પુનમિયો મેળો.

આખો વગડો ભરીને ગવાતાં વોય ગાણાં. કાનોમાં આંગળીઓ નાખીને ગાતા વોય જુવાનિયા કોઈને હંભળાવવા માટે. જુવાનડીઓ પણ પાછી ના પડે. એ પણ ગાવાના તાનમાં આવી ગઈ વોય અને લાંબા લાંબા લ્હેકાથી ગાતી વોય ત્યારે તો આખો વગડો ડોલતો વોય હાલકડોલક! જુવાનડીઓની છાતીનાં છૂંદણાં હડપ દૈને આવતા વોય બ્હાર! કાજળ આંજેલી મારકણી આંખોમાં ગોરંભાયું વોય આખું આભલું. ઈયાંના હિયામાં તો બારે મેઘ ખાંગા થૈને ત્રમઝટ મચાવતા વોય, એ રાહ જોતા વોય કોઈ કાંનુડાની — જે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઊંચકીને બચાવી લે ગોકુળિયું. ચેટચેટલું ધરબાયેલું વોય ઈયાંના હિયામાં? એટલે તો ઊડાઊડ થાતી વોય મેળામાં જાવાની. ભોંય ઉપર પગ પણ અડતો ના વોય ઈમનો. ઈયાંને હંભળાતા વોય મેળામાં વાગતા વાવા. ઈયાંને જણાતા વોય નાચતા મોરલા કે પછી ઉપર-નેંચે ફરતું ચગડોળ!

દૂર દૂરથી સંભળાતા વોય તીણા સૂર:

કાકાનો કાબરિયો મામાનો મુઝડિયો વીરાના ધોળીડા વ્હેલે જોડિયા હો સેઈઈઈ.

વઢિયારી વાટે રે વ્હાણાં વાઈ ગયાં રે લોલ દાદા હો દીકરી વઢિયારમાં ના દેશો હો સેઈઈઈ… વઢિયારાની વાટો સે ઘણી દોહ્યલી રે લોલ

તો બીજી બાજુથી આવતી વોય મેળાની આનંદની લહેરો:

શામળાજીના મેળે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે હાલ કટોરી હાલ રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે મોટિયાર મૂછો મરડે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે છોકરા સીટીઓ મારે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે ડોહા ટોડો કાઢે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે તારે મારે કાંય હે રે… રણઝણિયું રે, પેંઝણિયું વાગે

એટલામાં આવી જાય મેળાનો અણહારો, દૂર દૂરથી હંભળાતા વોય પિપૂડાના અવાજ, લોકોના હાકોટા-છાકોટા, થાળીવાજાંનાં ગીતોના ઘરરાટ, સરકસની અને બીડીઓવાળાઓની કાનના પડદા તોડી નાંખે એવી જાહેરાતોના ઘાંઘાટ, પછી તો આવતી વોય તળાતાં ભજિયાંની ગંધ, મુકટી, મોતીચૂરના લાડવા, ચવાણું — ઓહોહો! ચેટચેટલું વોય સે એ બધું? શું ખાઈએ અને શું ન ખાઈએ એ જ નક્કી ના થાય.

દુકાનોમાં તો આખી દનિયાની વેચાતી વોય વસ્તુઓ. આ લૈએ તો પેલું રૈ જાય અને પેલું લૈએ તો આ. ખીસામાં વોય માપબંદી! તોય માંણવા આયા વોય મેળો! ધક્કા ખાતાં ખાતાં પ્હોંચી જૈએ મંદિરના દરવાજામાં. દરશન કર્યાં ન કર્યાં વોય ત્યાં એક જ ધક્કે બહાર બીજા દરવાજેથી. કીડીઓની માફક ઊભરાંય લોકો. કોઈ પડેઆખડે, કોઈ લૂંટાય-તોય વોય પડાપડી દર્શન કરવાની. શ્રદ્ધા તો એમને અહીં લાવી વોય ને? એટલે દર્શન કરે તો જ મેળામાં આવ્યું ફળે ને? જેના નિમિત્તે આંય આંયાં વોઈએ તે ચ્યમ ચુકાય?

મેળાની આ હાટડીએથી પેલી — ફર્યા કરવાનું. એકાદ પાવો, શેરડીનો સાંઠો કે અડધો શેર ભજિયાં અથવા પાશેર ચવાણું લઈને એક કોરે જઈને ચગળીએ. પછી ઘૂંટડો પાણી પીને ઓહિયાં કરી લઈએ. ફરીથી શરૂ કરીએ ફરવાનું.

કોઈ બેહે ચકડોળમાં, કોઈ જુએ સરકસ! તમોને એક વાત કાનમાં કઉં? અમારે તમારા જેવું નઈ. એટલે તો મેળામાં ઈને મળવાનું કીધું વોય. એ આવે એટલે શેરેક ચવાણું લૈ આલીએ. કે મુકડી અડધો શેર. ઈના હાથે નાંમ કોતરાઈએ. રામ-સીતાનું, અરે! કાન ને રાધા. હરખ તો માતો ના વોય અમારો. ઈને બંગડીઓ કે બીજી વસ્તુઓ લૈ આલીએ. ખુશ થૈ જાય. આંસ્યોના ઉલાળા ફરકે. મરક મરક હસે. ઈને આવો છેલછોગાળો મળ્યો સે ઈની ઈર્ષ્યા કરતી વોય ઈની સૈયરો. ઠાંસા મારીને, આંખોના ઉલાળાથી બતાઈ દે છોગાળાને. પેલી શરમાઈને નેચું ઘાલી જાય. એવું એવું બોલતી વોય ઈની સૈયરો! શું ભણેલાંમાં જ બધું ભર્યું વોય સે? એરે! ઈયાંની આગળ ભણેલાં તો પાંણી ભરે, હાં. જ્યારે એ ટોળટપ્પે ચડે ને એટલે તો ભલભલાની ઉતારી નાખે એવો તો ઈયાંનો ઠસ્સો. ધારે તો આખો મેળો માથે કરે અને કોઈ મોટિયાઇડા સ્હેજ પણ વધારે પડતું બોલે તો મેળા વચોવચ ઢીબી નાંખતાં વાર ના કરે, એવી તો ઈયાંની હેમંત. અતારે તો જુઓને બાફેલાં શક્કરિયાં જેવી છોડીઓ! અડધો મણ ભાર પણ માથે મૂકી ના શકે. અરે! એ તો અઢી મણની ઘઉંની ગાંહડી માથે મેલીને સેતરમાંથી ઘેર લાવે તોય કાંઈ નઈ. ઈયાંનો હાથ પડે તો જાંણે હાંબેલું!

સાંજ પડતાં હુધીમાં તો મેળો મ્હાલી રે’વાય. મળવાનું મળી લેવાય. પછી કે’વાય કે, ‘બીજા પૂનમિયે મેળે મળશું રે શેલ રમતુડી… આયો પૂનમિયો મેળો’ એવો હિયારો લૈને જાવાનું જુદા જુદા મારગે — હીયામાં સવા સો મણનો ભાર લઈને બીજા મેળામાં મળવાનું કે બીજા વરહે! નેંહાકા નાંખવાના.

મેળામાં જવાનો હરખ વોય અને વળતાં આવતાં તો થૈ જ્યા વોય પાંણીમાં પડેલા ઢેફા જેવા. ટાંટિયા ડગમગતા વોય અને મન વલૂરતું વોય મેળો. અંધારું થતાં આવી જઈએ પાછા — જ્યા અતા એવા સ્તો!

અતારેય એ મેળા થાંય સે પણ મારા જુવાનિયા હવે છોગાળા થૈને જાતા નથી. મોટરુંમાં ચૂંથણાં પ્હેરીને આંટો મારી આવે સે. કોઈ પારકી કુંવારીની મશ્કરી કરતાં પણ અચકાતા નથી. ઈયાંને આનંદ નથી ર્યો મેળાનો. ઈયાંનો આનંદ તો વાડ ઉપર હુકાઈ જ્યો સે. પાંણી-પૂરી ખાઈને ખોઈ બેઠા સે પોતાનું હીર અને નૂર! ઈયાંનાં ડાચાં બેહી જેલાં અને મન ભોંગી જેલાં સે. તમારા શે’રનો રેલો ઈના પગ હુધી આયો સે એટલે તો મેળા પણ ગયા સે બદલાઈ! કોઈ ગાંણાં ગાતું નથી મેળામાં આવતાં-જતાં મારો વગડો હવે કદીય આવતો નથી તાંનમાં. એ પણ તલસે સે મારા મોટિયાઈડાંના મુખેથી ગવાતાં ગાણાં કે ગીતો હાંભળવા. પણ તમારા ફિલમવાળાઓએ તો સત્યાનાશ વાળી નાંસ્યું એ અમારાં ગાણાંનું. ભુલાઈ જાવા માંડ્યાં સે એ ગીતો અને ગાંણાં. કુણ હાચવશે એ મેળો? કુણ ગાહે એ ગાંણાં? ચિયો થનગનશે એ હાંભળીને? એ બધું જ આજ મને વળગે સે કંઠેરનું જાળું બનીને… એ બધી જ વેદના મારા રૂંવેરૂંવે ઊગી નીકળી સે બાવળની શૂળો બનીને શું કરું મું અતારે?