ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/કાર્ડિયોગ્રામમાં ડાઘા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાર્ડિયોગ્રામમાં ડાઘા

ગુણવંત શાહ

માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે અને છોડતો રહે છે. ગાંઠ છોડવા કરતાં વાળવાનું પ્રમાણ વધારે રહે છે. જીવન દરમિયાન એટલી બધી ગાંઠ વળ્યા કરે છે કે જાણે આપણું અસ્તિત્વ જ ગંઠાઈ જાય છે. કેટલીક ગાંઠ છૂટે તેવી હોય છે. કેટલીક ગાંઠ એવી હોય છે કે જે તૂટે પણ છૂટે નહિ. ગંઠાયેલું નહિ એવું નરવું વ્યક્તિત્વ દીવો લઈને શોધવા જવાનું મન થાય. એક વિચારકે મજાની વાત કરી છે: શત્રુ સાથે વ્યવહાર કરતી વખતે એવો ખ્યાલ રાખવો કે એ ક્યારેક મિત્ર પણ થાય. મિત્ર સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવું કે એ ક્યારેક શત્રુ પણ થાય. પહેલા વાક્યમાં બ્રાહ્મણવૃત્તિ છે જ્યારે બીજામાં વાણિયાની વ્યવહારદૃષ્ટિ છે.

ગાંઠ જેટલી ઓછી બંધાય તેટલી સારી, પણ બધાય જ તો એ સટકિયા (સૈડકા) ગાંઠ રહે એ ઇચ્છનીય છે. સટકિયા ગાંઠને ‘શેરવણો’ પણ કહે છે. મરાઠીમાં એને रुद्रगांठ કહે છે. રુદ્રાક્ષની માળામાં દોરી સરતી રહે છે. સરતા રહેવું એ સંસારનું લક્ષણ છે. તેથી ‘સંસાર’ને ‘સંસૃતિ’ કહે છે. નદી વહ્યા કરે છે, તળાવ વહેતું નથી. તળાવ સુકાઈ જાય છે; એની સમૃદ્ધિનું તળિયું આવી જાય છે અને તળિયામાં તરાડ પડે છે. સંસૃતિ જ સંસ્કૃતિને જન્મ આપે છે. સંસ્કૃતિઓ નદીકિનારે પ્રગટી અને પ્રસરી. સંસ્કૃતિના ઉદ્ભવ માટે સિંધુ કે નાઈલ જોઈએ. તળાવ કે સરોવરની સંસ્કૃતિ ન હોય. સંસૃતિ અને સંસ્કૃતિ વચ્ચે આવો મજાનો સંબંધ છે.

મનનો કાર્ડિયોગ્રામ કઢાવવા દાક્તર પાસે નથી જવું પડતું, વાળંદ પોતાના વાળ બીજા પાસે કપાવડાવે તેવું આ બાબતમાં નથી. અરીસા જેટલું તાટસ્થ્ય ઘડીભર મળી જાય તો પૂરતું છે. વર્ષો જતાં આપણા કાર્ડિયોગ્રામમાં કેટલાય ડાઘા પડ્યા છે. આ બધા ડાઘા એટલા જૂના છે કે હવે એ ડાઘાઓ પ્રત્યે પણ આપણને આસક્તિ થઈ ગઈ છે.

એક જમાનામાં જનોઈના દોરાઓમાં જ બ્રાહ્મણત્વ ગંઠાઈ ગયું. હવે એ દોરાઓ પર ચાવી લટકે છે. આર્યસમાજી લોકો મૂર્તિપૂજાનો વિરોધ કરે છે, પણ દીવાનખાનામાં સ્વામી દયાનંદનો ફોટો રાખે છે. મહાવીર ભલે અપરિગ્રહી રહ્યા, પણ જૈન દેરાસરમાં નર્યું ધનપ્રદર્શન જોવા મળે. મધ્યપ્રદેશના જબલપુરમાં કાપડની એક દુકાનનું નામ છે, ‘દિગંબર ક્લૉથ સ્ટોર.’ (અમદાવાદના એક સ્લમવિસ્તારનું નામ ‘કુબેરનગર’ છે એ જાણવા જેવું છે.) રણમાં નહિ વસતા હોય એવા મુસલમાનો પણ અઠવાડિયે એક જ વાર સ્નાન કરવાનું ચાલુ રાખે એ કેવું! ચેરાપુંજીમાં રહેતો મુસલમાન શુક્રવારે જ શા માટે સ્નાન કરે? એક ભાઈ ભારે વજન ઊંચકવામાં ચૅમ્પિયન થયા. પોતાની બૅગ ઊંચકાવવા એમણે હમાલને બોલાવ્યો ત્યારે હસવું કે રડવું એ ન સમજાયું. આપણું મન આવી અનેક નાની નાની ગાંઠોનું કૌતુકાલય બની રહે છે.

ગાંઠ સખત બને ત્યારે તેને મડાગાંઠ કહે છે. ‘મારી જ વાત સાચી’, એવું માનનાર બે વ્યક્તિઓ વચ્ચે આવી મડાગાંઠ પડે છે. મડાગાંઠને ગર્ભ રહે છે અને યોગ્ય સમયે એક બાળક જન્મે છે, જેને લોકો યુદ્ધ કહે છે. શાસ્ત્રોમાં ‘યુદ્ધ’ માટેનો પર્યાય છે: ‘मम सत्यम्’. નાની મડાગાંઠને લોકો તકરાર કહે છે. મોટી મડાગાંઠને લોકો મહાયુદ્ધ કહે છે. તકરારના ઉકેલ માટે તલવાર વપરાય એટલે યુદ્ધ થાય. બંદૂક એ તકરારમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિનું પ્રતીક છે.

ગાંઠ નહિ વાળવાની વૃત્તિ એ સત્ત્વગુણ છે. સટકિયા ગાંઠ એ રજોગુણ છે. છૂટે નહિ એવી સજ્જડ ગાંઠ વાળવી એ તમોગુણ છે. ગમાણમાં ગાયને ખીલા સાથે બાંધતી વખતે ખૂડેત ઝટ સરકે તેવી સટકિયા ગાંઠ વાળે છે. ગાય એ છોડી નથી શકતી તેથી આગ લાગે ત્યારે ખીલો ઉખેડીને ભાગે છે. ખલાસી સઢને સટકિયા ગાંઠ જ વાળે છે. સઢ અને હોડી વચ્ચે મડાગાંઠ પડે તો બન્ને ડૂબે જ.

આપણે ઘરમાં રહીએ છીએ તેથી ‘ગૃહસ્થ’ છીએ અને પૃથ્વી પર રહીએ છીએ તેથી ‘ગ્રહસ્થ’ પણ છીએ. આપણી પૃથ્વી ધરી વગર ફર્યા કરે છે અને જે ધરી ભૂગોળમાં ભણ્યા છીએ તે કલ્પિત છે. સૂર્ય સાથે પૃથ્વી બંધાયેલી છે પણ તે ગાંઠ વગર. પૃથ્વી સાથે ચંદ્ર બંધાયેલો છે પણ તે ગાંઠ વગર. આસક્તિ વગરનો પ્રેમ આવો હોય. આસક્તિ ‘મેઘદૂત’ના યક્ષને વિહ્વળ બનાવી મૂકે છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે અર્જુનને વિષાદ થાય છે કારણ કે એ આસક્ત હતો. જુવારના સાંઠા પર પવનને ઝોકે ડોલતું કણસલું ખેડૂતના દાતરડાના એક ઝાટકે છૂટું પડવાનું છે. કણસલાનો એ वासनामोक्ष છે. કણસલાને આ પળ માટે તૈયાર કરવા માટે જ સાંઠો સર્જાયો છે. ‘વિયોગ’ શબ્દનો અર્થ છે, ‘વિશિષ્ટ યોગ’ ખેડૂત કણસલાને ‘असंग शस्त्रेण दृढेन छित्वा’ (અનાસક્તિના શસ્ત્રથી દૃઢતાપૂર્વક છેદીને) ખળીમાં લઈ જાય છે. વસંતના પવનને આંબાની મંજરી સાથે જબરો પ્રેમ છે, પણ તેથી પવન આંબા પર મુકામ નથી કરતો. નદી પર પુલ બાંધ્યો છે. પુલ પર કોઈથી મકાન ન બંધાય. પુલ પર મુકામ ન થાય. મુકામ થાય એટલે ગંદકી થાય જ. માણસનું ચાલે તો પુલ પર પાપડ સૂકવે. એટલા માટે જ સાધુ તો ચાલતો જ ભલો.

ચુસ્ત ગાંઠને છોડવામાં ભારે તિતિક્ષાની જરૂર પડે છે. મહામહેનતે ગાંઠ છૂટે ત્યારે એક પ્રકારનો પરિતોષ આપણને થાય છે. ક્યારેક કોઈ બંડલ પર એવી ગાંઠ વળેલી હોય છે, જેને ચપ્પુથી કાપવી પડે છે. ગાંઠની આવી શસ્ત્રક્રિયા એ નાનકડી હિંસક ક્રાંતિ છે. લોહિયાળ ક્રાંતિ માટે જામી ગયેલી ગ્રંથિઓ જવાબદાર છે. ગાંઠને ધીરજપૂર્વક ઉકેલવી એ દક્ષિણમાર્ગ છે અને એમાં દોરીનું પણ કલ્યાણ છે. ગાંઠને કાપવી એ વામમાર્ગ છે અને એમાં ક્યારેક દોરી ઉપરાંત બંડલને પણ નુકસાન થાય છે. ગાંઠના સંગઠનને આપણે સાંકળ કહીએ છીએ. સાંકળ એટલે ગાંઠનું ચેઇન રીઍક્શન. સાંકળ બંધનનું પ્રતીક છે. કેટલાંક બંધનો આપણને કોઠે પડી ગયાં હોય છે. ‘દો આંખે બારહ હાથ’ ફિલ્મમાં જેલમાંથી મુક્ત થયેલા કેદીઓને ઊંઘ નથી આવતી. બધા રાત્રે ઊઠે છે અને પગે બેડીઓ બાંધે છે પછી નિરાંતે સૂએ છે. ઘણા માણસો બાથરૂમમાં પણ કપડાં પહેરીને જ સ્નાન કરે છે. બરફ ન પીગળે તે માટે થર્મોસમાં મૂક્યો અને થર્મોસને મૂક્યો રેફ્રિજરેટરમાં!

એક પૈસાદાર ખેડૂતને એવી ટેવ કે તિજોરીમાં થોડાક કાગળો અને પચાસ-સો રૂપિયા મૂકી રાખે. સોનાના દાગીના અને નોટાનાં બંડલ બીજા એક સાવ સામાન્ય કબાટમાં રાખે. ગામમાં ધાડ પડે કે ચોરી થાય તો તિજોરી જ તૂટે ને! ચોરના મનમાં તિજોરી સાથે અભિસંધાન (કન્ડિશનિંગ) થયું છે. અભિસંધાન એટલે જ ગાંઠ. જાહોરાતો દ્વારા અનેક બાબતો સાથે આવું અભિસંધાન થતું રહે છે. જે અભિનેત્રી સાથે અમુક સાબુનું નામ જોડાય છે તે ભાગ્યે જ એ સાબુ વાપરતી હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી અભિનેત્રી મેરેલિન મનરોને કોઈએ ચામડીની માવજત માટે કયું ક્રીમ વાપરો છો, એવું પૂછ્યું. જવાબ શું હતો એ જાણો છો? દૂધની મલાઈ સિવાય એ કશું લગાડતી ન હતી. ભાગ્યે જ કોઈ હોટલમાલિક પોતાની હોટલમાં જમતો હશે!

નિર્ભ્રમિત પ્રજ્ઞા અને ગાંઠને બારમો ચંદ્રમા હોય છે. કાર્ડિયોગ્રામમાં જે ડાઘા છે તે દૂર કરવા અનભિસંધાન (ડિકન્ડિશનિંગ)ની જરૂર પડે છે. મારી બા કશુંક યાદ રાખવા માટે લૂગડાના છેડે ગાંઠ વાળતી પણ પછી કઈ બાબત યાદ રાખવા માટે ગાંઠ વાળેલી, તે ભૂલી જતી. પ્રજ્ઞાનું લક્ષણ છે પારદર્શિતા. તાડની નીચે બેસીને દૂધ પીનારા પર એ તાડી પીવાનો આક્ષેપ નથી મૂકતી. વળી મથુરાની ગંદકી એ પવિત્ર નથી ગણાતી, રેંટિયાની ત્રાકથી કોઈનું ખૂન કરવામાં આવે તેથી તે ખૂન અહિંસક નથી બનતું. ઇન્જેક્શનની અણીથી જો કોઈને મારી નાખવામાં આવે તો એ દાક્તરી ખૂન (મેડિકલ મર્ડર) નથી બનતું. પાકિસ્તાન થયું તે પહેલાંના પંજાબમાં સત્યનારાયણની કથા ઉર્દૂમાં થતી એ વાતને કેટલાક મિત્રો માની શકતા જ નથી. વૉરન હેસ્ટિંગ્સ અને મોગલવંશી દારા પણ ગીતાપ્રેમી હોઈ શકે એ સ્વીકારવામાં થોડી તકલીફ થાય છે.

આપણું મન વિમાનમાંથી કૂદી પડવાની છત્રી (પૅરેશૂટ) જેવું છે. એ ઉઘાડું હોય તો જ કામ આપે. ગાંઠનું પગેરું માણસના અહં સુધી પહોંચતું હોય છે. મગરના મોં સાથે ગજરાજના પગની ગાંઠ વળી ગયેલી. ચાર પ્રહર યુદ્ધ થયું ગાંઠને કારણે. ગજરાજનો અહં છૂટ્યો ત્યારે ‘गजेन्द्रमोक्ष’ થયો. બંધન અને મોક્ષ એ મનનો ખેલ છે. બંને જીવનના દોન ધ્રુવ છે. મુક્તિ માટે નવી નવી ગાંઠો ન વાળવાની અને વળી ગયેલી ગાંઠો છોડવાની યુક્તિ આવડવી જોઈએ. કેળના પાન પરથી ખરી પડેલા ઝાકળબિંદુનો આ સંદેશ છે.