ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/ઝાકળભીનાં પારીજાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
મીણબત્તીને અજવાળે દૂર દૂર આવેલા બેબિલોન પહોંચવાની ઉત્કટ ઇચ્છા સવાર પડે એટલે શરૂ થતા અવાજોમાં ઘાસ પરના ઝાકળની માફક ગાયબ થઈ જાય છે. લોકારણ્યમાં ભમવાનું અને ભમતા રહેવાનું શરૂ થાય છે. સૂર્યોદય પછી પણ મનમાં તો અંધારું જ અંધારું. મીણબત્તી બુઝાઈ જાય છે અને બેબીલોન તો દૂર ને દૂર રહી જાય છે!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભોળાભાઈ પટેલ/દેવોની ઘાટી|દેવોની ઘાટી]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/કાર્ડિયોગ્રામમાં ડાઘા|કાર્ડિયોગ્રામમાં ડાઘા]]
}}

Latest revision as of 09:39, 24 September 2021

ઝાકળભીનાં પારીજાત

ગુણવંત શાહ

પારિજાતના પુષ્પ પ્રત્યે મને જબરો પક્ષપાત રહ્યો છે. મારામાં રહેલી કઠોરતા એની નાજુકાઈના સંસ્પર્શથી થોડીક ઢીલી પડે એવો ભ્રમ મનમાં વરસોથી સાચવીને રાખી મૂક્યો છે. એની અનાક્રમક સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં એક મંદિર રચે છે. એની નાની નમણી પાંખડીઓની શુભ્રતા અને એ શુભ્રતાને શણગારવા માટે કોઈ કળાકારે પાતળી પીંછી ફેરવીને સર્જેલી કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જામે ધરવ જ નથી થતો.

હું પારિજાતકનો આશક નથી, ભક્ત છું. ઘરના બાગને બંને ખૂણે પારિજાત ઊભાં હતાં. કહે છે કે સમુદ્રમંથન થયું ત્યારે જે પાંચ દેવવૃક્ષો નીકળ્યાં તેમાંનું એક પારિજાત, આકાશમાંય એક તારો છે, જેનું નામ છે પારિજાત. તારો એટલે આકાશમાં ઊગેલું એક ફૂલ!

છાબડી ભરીને પારિજાતનાં પુષ્પો ઘરમાં લઈ જઈને મેં કદી કોઈ દેવને ચઢાવ્યાનું યાદ નથી. મને તો એ પુષ્પો જ દેવત્વથી ભરેલાં જણાયાં છે. એ પુષ્પોને તોડવાં નથી પડતાં. પરોઢના ઝાકળભીના લીલા ઘાસ પરથી એને વીણીને છાબડીમાં ભરતી વખતે પગ નીચે એકાદ પુષ્પ કચડાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે. આખી છાબડી જ્યારે ઝાકળભીના મઘમઘાટથી ભરાઈ જાય ત્યારે આપણું મન પણ કશાક ભાવથી ઊભરાઈ ન જાય તો જ નવાઈ. રવીન્દ્રનાથની પંક્તિઓમાં પારિજાતની નાજુક રમણીયતા આ રીતે વ્યક્ત થઈ છે:

પારિજાતકની પાસે પાસે ખર્યાં ફૂલની ફુલ્લ સુવાસે ઝાકળભીંજ્યા ઘાસે ઘાસે આવ્યા નયન ભુલાવનહાર રતુંબડા ચરણે. તેજ છાયાની કોર રૂપાળી પથરાઈ છે વને વને ફૂલડાં પેલાં મુખડું ન્યાળી શુંય કહી જાય મને મને!

મનમાં અવનવા ભાવો ઊગે છે અને એટલું ઓછું હોય એમ વળી સૂરજ પણ આવી પહોંચે છે. ખૂણા વગરના આકાશમાં ક્યાંકથી એ ડોકું કાઢે છે. ઝાકળભીની પાંદડીઓને અને પાંખડીઓને એ એક હૂંફાળું કિરણ રવાના કરે ત્યારે નાના અમથા બાગમાં કુમાશનું એક કાવ્ય જીવતું થાય છે.

કોઈ અજાણ્યા ગ્રહ પરથી અવનવો આદમી ઊતરી આવે અને પૃથ્વી પર પુષ્પો જુએ તો! એ તો એમ જ માનવા લાગે કે આવાં પુષ્પો હોય તેવા ગ્રહ પરનાં લોકો તો પ્રતિક્ષણ આનંદમાં ડૂબેલાં જ રહેતાં હશે ને! પુષ્પોના સથવારામાં વળી કોઈ દુઃખી શી રીતે રહી શકે! ખરી હકીકત જાણે પછી એની આગળ આપણું મન જરૂર ઘટી જાય. પુષ્પોને જોઈને ખ્યાલ આવે છે કે હજી તો આપણે ઘણી મજલ કાપવાની છે. પારિજાત પાસે સત્સંગ કરવાના ભાવથી વહેલી સવારે પહોંચી જવામાં એક અજાણ્યા અમેરિકન કવિનું ભોળપણ મારામાં માંડ એકાદ ક્ષણ માટે સંક્રાંત થાય છે:

How many miles to Babylon? Three score years and ten! Can I get there by candle light? Yes and back again!