ગુજરાતી નિબંધ-સંપદા/ચંદ્રવદન ચી. મહેતા/સેન્સ ઑફ હ્યુમર

સેન્સ ઑફ હ્યુમર

ચંદ્રવદન ચી. મહેતા

કહે છે કે રશિયનોને હસતાં નથી આવડતું. આપણે ત્યાં એક જમાનામાં એવી માન્યતા હતી કે જર્મનોને હસતાં નથી આવડતું. અંગ્રેજો જ ફક્ત હસી શકે. બહુ થોડા ફ્રેન્ચ પ્રજાજનો હસી શકે. કેટલીક વાર આવી ઘણી વાર એ પ્રચારમાં આવે છે. પંડિત જવાહરલાલ નેહરુ કે પંડિત મોતીલાલનાં ખમીશ પૅરિસમાં ધોવા જતાં, અને બીજા મેઇલમાં પાછા આવતાં! ભુલાભાઈ દેસાઈ હંમેશાં ફ્રાન્સનું વીશીવૉટર જ પીતા, સુરતના શહેરીઓ કદી રાતે રસોઈ કરતા જ નથી. રાતે ચૂલો સળગાવતા જ નથી, બસ, ભૂસું યા ચવાણું ખાઈને જ જીવે છે. એમ હોય તો રેસ્ટોરાંવાળાંને તડાકો, હોટેલવાળાએ રાતે રસોડું બંધ જ રાખવાનું. આવી આવી લોકવાયકાઓને હદ જ નથી. જમાનાથી ચાલ્યા કરે છે, ચાલતી આવે છે. એમ અંગ્રેજી રાજ્યમાં એ લોકોએ એવું માન્યું હતું કે અંગ્રેજ પ્રજામાં જ સેન્સ ઑફ હ્યુમર છે. જર્મનો ગંભીર, ભારેખમ. સિરિયસ, હસી જ નહિ શકે એ પ્રકારના પ્રજાજનો છે. આપણે પણ હસવાનું શીખ્યા તે અંગ્રેજી પ્રજાના સંબંધમાં આવ્યા પછી, નહિ તો આપણે પણ રોતલ, ફિલસૂફ, ગંભીર ચર્ચા જ કરવાવાળા હતા. માળા હિંદુસ્તાનથી ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓ અરબ્બીમાં ઉતારી ત્યાંથી ફ્રાન્સમાં લઈ જઈ અંગ્રેજીમાં ઉતારી અને કહે છે કે હિન્દુસ્તાનની પ્રજા ગમે તે ગુલતાન ઉડાવી શકે અને મનાવી પણ શકે. પારસીઓની નાનકડી કોમ જે રીતે હસી-હસાવી શકે છે. એની સંખ્યાના પ્રમાણમાં એટલી જ અંગ્રેજોની સંખ્યા એકઠી કરો તો મારા વાલા લાખ એકઠા થાય. અને જો એકબીજાને ઓળખતા ન હોય, અને એમને એકબીજાની ઓળખાણ ન કરાવી હોય તોપણ ચોવીસ કલાક તો શું પણ ચોવીસ મહિના એકબીજાની સામે ડાચાં જોતાં બેસી રહે, પણ મોંમાંથી એક શબ્દ પણ ન બોલે, અને પારસીઓ લાખ એકઠા થઈ બેઠા હોય; અને ભલે એકબીજાને ઓળખતા નહિ હોય તોયે જુઓ નિર્દોષ હાસ્યની રમઝટ.

એક વાર હું લંડનમાં બ્રિટિશ કાઉન્સિલના દફતરમાં મહેમાન હતો. ત્યાં ચા પીતાં પીતાં મેં પૂછ્યું: ‘સેન્સ ઑફ હ્યુમર’ યા એની વિવેચના કરનારું હમણાંનું તમારે ત્યાં કોઈ નવું પુસ્તક હોય તો મારે ખરીદવું છે.’ ટેલિફોન ઉપર પૂછાપૂછ ચારપાંચ દિવસે જવાબ મળ્યો કે તાજેતરમાં કોઈ છે નહિ. ચાર્લ્સ ડિકન્સનું ‘પિકવિક પેપર્સ’ અને ત્યારથી શરૂઆત કરી યાદી ગણાવવા બેઠા એટલે મેં એમને એક પુસ્તક પધરાવ્યું. હિન્દમાં અંગ્રેજીમાં લખાયેલું અને પછી અભિપ્રાય માગ્યો. આખા દફતરમાં બધા દફતરોએ વારાફરતી વાંચ્યું. અને જવાને દિવસે મને એના લેખક વિશે પૂછે છે, અને હું નામ કહું છું એટલે તો એ બધા ખુશખુશાલ અભિનંદન આપવા બેઠાં. હિંદી લેખક આવું સુંદર લખી શકે! મેં કહ્યું, આ સાહેબ પોતે લેખકમાં નામ ગણાવતાં નથી, પી.ઈ.એન. કે કોઈ સાહિત્ય પરિષદમાં એ કદી પ્રતિનિધિ તરીકે ગયા નથી પણ આ લખાણ જુઓ બધાંએ વખાણ્યું. એના લેખક એસ. કે. કકા. પુસ્તકનું નામ ‘ફૂલીશલી યોર્સ.’

સેન્સ ઑફ હ્યુમર કોઈ બસરૂટનો, ખટારા ફેરવવાનો, રસ્તા બાંધવાનો કે તેલના વેપાર કરવાનો ઇજારો નથી લઈ બેઠા, અને અડાવ્યું કે રશિયનોમાં સેન્સ ઑફ હ્યુમર નથી! ફાર્સના લેખકો ફક્ત અંગ્રેજો જ એવું પણ એક કાળે આપણે ત્યાં અંગ્રેજી શીખવનારા પ્રોફેસરો માનતા, ભણાવતા, ફાર્સ પાક્યો, ફ્રાન્સમાં, ફારસ્યુર એટલે કે વાત વસ્તુમાં મસાલો ભરીભરીને, સંભાર ભરીભરીને, વાત-વસ્તુને ફુલાવ્યા કરે તે ફારસ્યુર ફારસિયો તખ્તા ઉપર પેટ ઉપર તકિયા બાંધીને આવે, જાડો અડિમધડિમ દેખાય, નાક લાંબું, આંખના કોડા મોટા, ચેનચાળામાં ભારોભાર અતિશયોક્તિ બતાવતો રહે, તે ફ્રાંસનો રંગલો અને સોળમી સદીમાં એવાં ફારસો ફ્રાન્સમાં ઢગલેબંધ લખાયાં, ભજવાયાં, એટલાં બધાં કે આજે એની મૂળ પ્રતો પણ મળતી નથી. થોડાં બેપાંચ મ્યુઝિયમોમાં સંઘરાયેલાં છે એ જ એ જોવા અંગ્રેજ પઠ્ઠા પૅરિસ જાય. શનિરવિએ જોઈ, લંડન પાછા આવી ટેબલ ઉપર બેસી જાય. અને લંડનની સોસાયટીને માફક આવે એવું ઢસડી કાઢે. એને નવું નામ આપી, ભજવે યા ભજવાવવા પડે અને વિવેચકો ઠોકાઠોક કરી બેસે, શા સુંદર અંગ્રેજી ફારસો! હવે તો એમની એ ચોરીને પણ ઉઘાડી પાડવામાં આવી છે પરંતુ એ પણ કંઈ ફ્રેન્ચ લેખકોનો ઇજારો નહોતો. ત્યારે જર્મનીમાં પણ એ જ અરસામાં સુંદર ફારસો લખાતાં ઇટાલિયનો તો એ વેલો અસલ પુરાણા ગ્રીસમાંથી લાવેલા. એ લઈને એમણે એની ફ્રાંસની ધરતી ઉપર કલમો ઉગાડેલી અને અંગ્રેજોએ પોતાની ઇજારાશાહી જાહેર કરેલી. કોના બાપની દિવાળી! જર્મનીમાં લખાયેલો ‘સ્વર્ગમાંથી ભૂલો પડેલો એક વિદ્યાર્થી’નો ફાર્સ મળે તો વાંચજો લેખક હાન્સ સાહસ વૉન ક્લાઇટસનો વાંચજો. ભાંગેલો ભોટ વાંચજો. ગ્રીસમાં પોમ્પોનિયસે, સિસરાએ રિન્થોને જાતજાતના ફાર્સ એનાં વિવિધ નામો અને સાથે યાદી અને એની વિવેચનાઓ આપી છે. જાણવાં છે. જુઓ થોડાં રિન્થોનિયા, પાલિયાટા, હિલારો, ટ્રાગોડિયા ટોગાટા. ટોગાટોમાં તો કુદરત વિરુદ્ધના જાતીય સંબંધો અને પાલિયાટામાં વહુ વિધવા કે કુમારી સિવાય કોઈ પણ સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધો બતાવવામાં આવતાં. વળી ક્લાઇટસની કૃતિ તો ગેટેએ પણ ભજવેલી ગોગોલના ઇન્સ્પેક્ટર જેવું જ લાગે. ૧૮૦૧માં જન્મેલા ગ્રાબોએ ‘જેસ્ટ સેટાયર આયરની ઍન્ડ ડીપર સિગ્નિફિકન્સ’ નામનું જે ફાર્સ લખ્યું છે, તે આબાદ આપણી ગુજરાતની ભવાઈનો જ નમૂનો જોઈ લેવો. એમ રશિયામાં પણ ફાર્સ લખાયાં છે. ત્યાં પણ મજાક ઠઠ્ઠોઠેકડી, મશ્કરી, હાહાઠીઠી હોઈ શકે છે.

અમારાં રાહબર કોમરેડ લિયોએ એક વાત કહી: ‘અમારે ત્યાં એક દેખાવડી છોકરીએ પિતા પાસે રજામાં એના બૉયફ્રેન્ડને ત્યાં જવાની રજા માગી. તો બાપે આનાકાનીપૂર્વક હા તો હા કહી. પણ એક વચન લીધું કે એણે પોતાના ખંડમાં પેલા બૉયફ્રેન્ડને બોલાવવો નહિ, છોકરી ગઈ, ત્રીજે દિવસે પાછી આવી અને પિતાજી પૂછે છે કે તેં વચન પાળ્યું હતું કે? તો પુત્રી રત્ના હસીને ઉમળકાભેર જવાબ આપે છે, હા પપ્પા! એ મારા રૂમમાં આવ્યો જ નહોતો. પણ હું એના રૂમમાં ગઈ હતી. એટલે એની તો એના પપ્પાને ચિંતા આપણે શું? મજાકઠઠ્ઠો પોતાની જાત ઉપર ઉડાવનારી વ્યક્તિઓ યા પ્રજાજનોનાં દિલ હંમેશાં વિશાળ થતાં રહે છે. એક જણે પુસ્તક લખ્યું તો બીજાએ પૂછ્યુંઃ ‘કિયા વિષય ઉપર પુસ્તક લખ્યું તો પહેલો કહે: ‘છોકરો એક છોકરીને મળે છે એ વિશે’ પછી? ‘પછી એ બંને પ્રેમમાં પડે છે.’ હાસ્તો, તો તો એ નવલકથા હશે, પછી પછી એ બે પરણે છે. અને એ બંને એક ફ્લૅટમાં રહેવા જાય છે? ઓ… ઓ તો… તો એ પરીકથા જ હોઈ શકે. આ કહેવાનું કારણ મોસ્કોમાં એટલી સહેલાઈથી ફ્લૅટ કે ઘર મળતાં નથી. એ તંગી સૂચવવા ઉપલો કટાક્ષ છે. આપણે ત્યાં પણ એ પરિસ્થિતિ તો છે જ, પરંતુ આપણે પાઘડીની પ્રથા શોધી એનો ઉકેલ આણ્યો છે. પણ જેની પાસે પાઘડી જ ન હોય તો એનો ઉકેલ શું? ગોગોલનું ‘ઇન્સ્પેક્ટર જનરલ’ બહુ જાણીતું નાટક છે. દુનિયાની ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે. આપણે ત્યાં બ્રિટિશ અમલમાં જે રીતે ઇન્સ્પેક્ટર સાહેબો નિશાળોમાં તપાસને કામે આવતા ત્યારે જે આગળથી ગોખણપટ્ટી કરાવી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવતા, એવું ચારેકોર થતું રહેતું અને સ્વતંત્રતા બાદ આજેય આપણે ત્યાં એ જ પરિસ્થિતિ જોવામાં આવે છે. હકીકત છે. એનો ઉપાય એક જ અચાનક જઈને નિશાળમાં છાપા મારવા — એવા તો કોઈ વિરલા જ ઇન્સ્પેક્ટર સાહેબો હોઈ શકે.

મુંબઈ ઇલાકામાં એવી અફસરબાઈ એક એમી રૂસ્તમજી હતાં. એણે અચાનક છાપો નહોતો માર્યો. નિશાળના હેડમાસ્તરને ખબર પડી ગઈ હતી એટલે હેડમાસ્તર સાહેબે બુકસેલર પાસે ઉધડક ઢગલેબંધ પુસ્તકો મંગાવી લાઇબ્રેરીનાં કબાટ ભરી દીધાં હતાં. ગોઠવણી એવી કે ઇન્સ્પેક્શન બાદ પુસ્તકો પાછાં મોકલી આપવાનાં, લાવવા લઈ જવાના ખર્ચ ઉપરાંત થોડીક ઊચક રકમ હેડમાસ્તરે બુકસેલરને આપવાની વાત બની ગઈ. આપણા એમીબાઈ રૂસ્તમજી પોતાના બે પટાવાળા સાથે નિશાળમાં પહોંચ્યાં; આવકાર. લાઇબ્રેરીમાં ચા-પાણી, ‘ઓ હો હો આટલાં બધાં પુસ્તકો’ એમીબાઈએ કબાટ ખોલી બેચાર પુસ્તકો જોયાં અને બંને પટાવાળાઓને ત્યાં જ બેસાડી દીધા. હાથમાં નિશાળના સિક્કા-શાહીની પૅડ, અને કહ્યું કે દરેક પુસ્તક ઉપર પહેલે પાને, વચ્ચે અને છેલ્લે પાને સ્ટૅમ્પ મારી દો. અલબત્ત, હેડમાસ્તર સાહેબની ચા બધા શિક્ષકોના દેખતાં પળવારમાં કડવા લીંબડા જેવી થઈ ગઈ!

ત્યાં સોવિયેટ રશિયાના એક છાપામાં ‘કરન્ટ ડાઇજેસ્ટ ઑફ સોવિયેટ પ્રેસ’માં એક વાત પ્રગટ થઈ હતી. એનું કટિંગ મને લિયોએ આપ્યું, સાથે એનો અનુવાદ પણ કરી બતાવ્યો.

એક રેલવે સ્ટેશન પર હાહાકાર, દોડધામ જાણે કોઈ અનન્ય પ્રસંગ. સ્ટેશનના રેસ્ટોરાંનો મૅનેજર પ્લૅટફૉર્મ ઉપર ઘૂમી વળ્યો. રેસ્ટોરાંમાં બેઠેલા સૌ કોઈને પૂછી વળ્યો, ‘હેં ખરેખર?’ ત્યાં ખૂણામાં બેઠેલા એક ઘરાકે જરા પડકાર કર્યો: ‘હું ક્યારથી અહીં બેઠો છું, પણ કોઈ વેઇટર કેમ નથી આવતો?’ બસ ખલાસ, બધા ઊભે પગે ખડા. ‘સાહેબ!’ અહીં શા માટે બિરાજ્યા છો, અફસર લોકો માટેના અલાયદા ટેબલ ઉપર પધારો — આવો. કહો, શું જોઈએ — આજની વાનીઓ આ પ્રમાણે છે. એક પછી એક ચાખો. એ ડુનસ્ક્યા! એ પુગાચોવા, ઝટ લાવો હાં સાહેબ — આપનો ઓદ્ધો તો કોણ નથી જાણતું?’ હું ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ટ્રેડ.’ ‘હા, હા, સાહેબ. અલ્યા જલદી લાવો. સાહેબની પીણું આપો.’ ધમાધમ ઝટપટ એક પછી એક ગરમ ગરમ વાનીઓ પીરસાવા માંડી. સ્ટેશનનો આખો સ્ટાફ લળીલળી નમી-નમી સલામો ભરી ગયો. સ્ટેશન માસ્તરે એમને પૂછી એક મોટરની વ્યવસ્થા કરી. શહેરમાં જોવાલાયક સ્થળે ફરી આવી પોતાનું કામ પતાવી પાછા આવવાની ગોઠવણ વિચારી લીધી. એ જમ્યા તે દરમિયાન ત્યાંના કામદારોએ એ સાહેબનાં ભરીભરી વખાણ કર્યા. ‘કેટલો વિનય, કેટલું શાણપણ, કેટલી બુદ્ધિ, કેટલું કલ્ચર, સંસ્કાર!’ સ્ટેશન માસ્ટરે તો વળી એ મોંઘેરા મહેમાનને પોતાના સ્ટાફને બે સલાહનાં સૂચનો કહેવા પણ વિનંતી કરી. આપણા મહેમાન કોઈનાં દીકરી-દીકરા માટે ક્યાંક જગ્યા હોય તો તે અપાવવા નામઠામ અરજીઓ પણ એકઠાં કરવા માંડ્યા. ઝામી પડ્યા. આ બધી ઝમાઝમ, છટપડાટ બધું ઘટતું વેતરાઈ ગયું. પછી રેસ્ટોરાંની સેક્રેટરી અને ટાઇપિસ્ટ પુગાચેવાબહેને તપાસ કરી સંશોધન કરી આપ્યું: ‘અલ્યા, એમની પાકી ભાળ તો કાઢવી હતી. એનાં કાગળિયાં તો જોવાં હતાં.’ ‘કેમ શું થયું, એની હૅન્ડબૅગ ઉપરનો સરકારી લાલ બિલ્લો તો હતો.’ પુગાચેવા કહે, ‘બરાબર આ રહ્યો એ. મેં ખૂબીથી કાઢી લીધો છે. આ સોનેરી બિલ્લો, આ સોનેરી છાપ, આ એ મોંઘેરો દસ્તાવેજ, જુઓ. સાહેબને કેદખાનામાંથી ચાર વર્ષે મુક્તિ મળી એના છુટકારાનો આ હુકમ.’