ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/ગુજરાત ગાંડી... ગાંડી... રે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગુજરાત ગાંડી... ગાંડી... રે

ચુનીલાલ મડિયા

લેખના મથાળામાં ગુજરાત માટે ગાંડપણસૂચક બબ્બે વિશેષણો તો લખતાં લખાઈ ગયાં. પણ હવે આગળ અક્ષર પાડતાં કલમ ધ્રૂજે છે. મારી સામે ડઝનેક ગુર્જર કવિઓ ડોળા ઘુરકાવે છે. એ કવિઓએ ગુર્જરી, ગુર્જર દેશ, ગુજરાત વગેરેને માટે જે ઉમળકાભર્યાં પ્રશસ્તિ-સ્તવનો રચ્યાં છે એમાંનાં ‘ગરવી’ ‘ગુણવંતી’ વગેરે વિશેષણો યાદ આવે છે. નાનપણમાં રાગડા તાણીને ગાયેલું નાનાલાલકૃત ગીતકાવ્ય હજીય કાનમાં ગુંજે છે.

ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ…

આવા ગુણિયલ ગુર્જર દેશની અસ્મિતાને એક કોરાણે મૂકીને મુનશીના આ વિશેષપ્રિય એવા શબ્દપ્રયોગમાં કહીએ તો હું એક ગુજરાતી, મારા ‘ગુજરાતીતાપણા’ને બેવફા બનીને ગુજરાતીતાનું ‘તાપણું’ જ કરી રહ્યો છું કે શું, એવો સંદેહ આ લેખનું શીર્ષક વાંચનારના મનમાં ઉદ્ભવે એ સ્વાભાવિક છે. અને તેથી જ, આરંભે જ થોડી સ્પષ્ટતા કરી દેવી સલામત લાગે છે કે ‘ગુજરાત’ શબ્દની પાછળ મેં જોતરેલાં બન્ને વિશેષણો ઉપાલંભસૂચક નહિ પણ વહાલસૂચક છે. માતા પોતાના બાળકની કેટલીક વિલક્ષણતાઓ, વિચિત્રતાઓ, અવળચંડાઈઓ, આળવીતરાઈઓ, અકોણાઈઓ, સ્વભાવગત ખાસિયતો, ખામીઓ, દોષો કે દૂષણો, સુલક્ષણો અને અપલક્ષણો, બાલસુલભ તોફાનો, ટંટાફિસાદો, ધીંગામસ્તી, ધમાચકડી વગેરે જોઈને વહાલથી કહી રહે: ‘ગાંડો રે ગાંડો!’ એવા જ વાત્સલ્યભાવથી હું ગુજરાતને કહી રહ્યો છું: ગાંડી રે ગાંડી…!

આ ‘ગુજરાતી’ને નામે જે લોકસમૂહ ઓળખાય છે એની ઊડીને આંખે વળગે એવી ખાસિયત કઈ, એમ કોઈ પૂછે તો કહી શકાય કે બિનગુજરાતી વિચારો, વસ્તુઓ કે વ્યક્તિઓ માટેનો અનહદ પ્રેમ એ ગુજરાતની ખાસિયત નંબર એક–અને રખે કોઈ માને કે આ ખાસિયત કોઈ દૂષણ છે. આરંભમાં જ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે, આ ખાસિયત ગુજરાતનું દૂષણ નહિ પણ ભૂષણ છે. અને એમાં લોહચુમ્બકનો જ સનાતન નિયમ કામ કરી રહ્યો લાગે છે. લોહચુમ્બકના વિષમ છેડાઓ જ એકબીજાને આકર્ષી શકે છે, એમ ગુજરાતી અને બિનગુજરાતી તત્ત્વો જ એકબીજાને પોતાના તરફ ખેંચી શકતાં હોય એમ લાગે છે. પણ આ વિજ્ઞાનની પરિભાષા વડે મારો મુદ્દો સહેલાઈથી નહિ સમજાય. એ માટે તો વિજ્ઞાનને બદલે શુદ્ધ જ્ઞાનનો જ આશરો લેવો પડશે. અને આ જ્ઞાન, તાજેતરમાં જ પ્રાપ્ત થયું હોવાથી એ કિસ્સો સહજ યાદ આવી જાય છે.

ગુજરાતના એક અગ્રણી શહેરમાં મારા વ્યવસાયને અંગે એક સજ્જનને ઘેર જવાનો પ્રસંગ આવેલો. મેં એમનું રહેઠાણ જોયેલું નહિ એટલે ગાડીમાં બેસીને, સરનામા પ્રમાણે શોધતો શોધતો આગળ વધ્યો. હું વિચારતંદ્રામાં હતો ત્યાં જ ડ્રાઇવરે ગાડી થોભાવીને મને જાગ્રત કર્યો.

‘આવી ગયું, સાહેબ—’

‘શું?’ મેં પૂછ્યું.

‘આપણા શેઠનું ઘર—’

‘ઘર?’ મારી નજર સામે આવી ઊભેલી ઇમારતના દીદાર જોઈને મને નવાઈ લાગી કે, આ તે રહેણાક મકાન છે કે વૉટરવર્ક્સ? રેઇનફોર્સ્ડ કૉન્ક્રિટની આ જબરજસ્ત મોન્ટ્રોસિટી જોઈને ઘડીભર મનમાં શંકા થઈ કે આમાં સાચે જ માણસો વસતાં હશે કે પછી આ કોઈ માલસામાન ભરવાની વખાર હશે?

‘આ જ મકાન એમનું છે, સાહેબ!’ મારો ડ્રાઇવર કહી રહ્યો, ‘પણે દીવાલ દેખાય છે, એ જ એનું બારણું—’

દીવાલ એ જ બારણું! આ તે મહાભારતમાંના ઇન્દ્રજાળ સમા અરીસામહેલમાં હું આવી પહોંચ્યો છું કે શું? રખેને કોઈક દીવાલ સાથે માથું અથડાશે તો કોઈક અદૃષ્ટ દ્રૌપદી ‘અંધના તો અંધ જ હોય,’ એવું મહેણું તો નહિ ઉચ્ચારે, એવા ક્ષોભ સાથે જઈને દીવાલ પરની ઘંટડી દાબી તો સત્વર એક નોકરે અંદરથી કળ ફેરવી અને આખી દીવાલ એની મધ્યાંતર ધરી ઉપર ફરી ગઈ અને હું જાણે કે આપોઆપ જ અંદર પ્રવેશી ગયો. મારી પાછળ દીવાલ પણ આપોઆપ પૂર્વવત્ ભિડાઈ ગઈ. કહો કે, ચાર્લી ચેપ્લિનની મૂંગી ફિલમોમાંનો કોઈક ટ્રિક સીન ભજવાઈ ગયો.

ડ્રૉઇંગ રૂમમાં બેઠો. મારી આજુબાજુ જાણે કે તાજાં જ પાડેલાં સિમેન્ટ-કૉન્ક્રિટનાં મહાકાય ચોસલાંઓ જ દેખાઈ રહ્યાં. એ સિમેન્ટની ખરબચડી સપાટી ઉપર પ્લાસ્ટર કે ચૂનો લગાડવાનું ભુલાઈ નહોતું ગયું. ઈંટ અને સિમેન્ટની ખરબચડી – અને રસ્ટિક – સપાટીમાં ‘કલા’ યોજવામાં આવી હતી. મકાનની રચના યુકિલડનાં ભૂમિતિ પરિમાણો પ્રમાણે નહિ પણ પિકાસોની અમૂર્ત કલાની આડીઅવળી ‘બિઝાર’ ઢબે સ્થાપત્ય યોજાયું હતું.

તુરત મને, ત્રણેક વર્ષ પહેલાં નિહાળેલી ન્યૂ યૉર્કમાંની યુનાઇટેડ નેશન્સની ઇમારતો યાદ આવી ગઈ. અને તુરત જ યાદ આવી ગયું કે, અરે હા, આ તો વિશ્વસંસ્થાના જ વિખ્યાત શિલ્પી લા કાર્બુઝિયેએ ગુજરાતમાં બાંધી આપેલું આ રહેણાક મકાન છે. મકાન એટલે માત્ર ચાર દીવાલ અને છાપરું નહિ – એટલી સામગ્રી તો સ્મશાનમાં પણ હોય છે—પણ માણસના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરામ સુધ્ધાંને પોષક અને ઉત્તેજક બને એવી વાસ્તુકલાના સંપૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર રચાયેલી લા કાર્બુઝિયે યોજિત ઇમારતો વિશે ઘણું ઘણું વાંચ્યું—સાંભળ્યું હતું. પણ પ્રસ્તુત મકાન જોઈને જરા નવાઈ લાગી. વીસેક લાખને ખરચે બંધાયેલ આ રહેણાક ઇમારત વિશે એક ખોડ, મકાન બંધાઈ રહ્યા પછી — અને એકાદ ચોમાસું વીતી ગયા પછી — માલૂમ પડેલી કે, એમાં બધું જ હોવા છતાં ઉંબરો ન હોવાથી વરસાદનાં પાણી, જીવજંતુઓ, જીવાતો વગેરે દીવાલ પરની કોલબેલ દાબ્યા વિના જ ઘરમાં ઘૂસી આવે છે!

હવે પહેલી નજરે તો આ કિસ્સામાં કાંઈ દમ લાગતો નથી. પણ વધારે વિચાર કરતાં આ સ્થપતિ લા કાર્બુઝિયે અને પેલા ઉંબરો, ગુજરાતી પ્રજાની ખાસિયત સમજવામાં પ્રતીકરૂપ બની રહેતા લાગે છે.

લા કાર્બુઝિયે ગુજરાતના જીવનમાં સ્થપતિ તરીકે જ આવે છે એવું નથી. એ તો અનેકવિધ સ્વરૂપે — સ્થૂલ નહિ તો સૂક્ષ્મ રૂપે પણ — દૃષ્ટિગોચર થાય છે. વસ્તુઓ કરતાં વિચારની જ વાત કરીએ તો કોઈ પણ નવી વિચારસરણી, વાદ, વિવાદ, સંવાદ કે વિસંવાદનો સર્વપ્રથમ પુરસ્કાર કરવામાં ગુજરાત મોખરે રહેતું લાગે છે. આ લક્ષણને ગુજરાતી પ્રજાની બૌદ્ધિક સજાગતામાં ખપાવવું હોય તો આ લખનારને કશો વાંધો નથી. બ્રહ્મોસમાજનો બંગાળની બહાર સર્વપ્રથમ પ્રચાર અને સહુથી વિશેષ ફેલવો ગુજરાતમાં થયો હોય એમ લાગે છે. માર્ક્સની વિચારસરણી પણ ગુજરાતમાં બહુ વહેલેરી જાણીતી થયેલી. દાયકાઓ અગાઉ ગુજરાતના એક સાવ નાનકડા ગામમાં એક ક્રાંતિકાર બહેન ટ્રોટ્સ્કી વિશે ગામડિયાંઓ સમક્ષ લાંબુંલચ ભાષણ કરતાં હતાં. પ્રવચન પૂરું થયા પછી એક ડોસીએ એ બહેનને નિખાલસ ભાવે પૂછેલું: ‘હેં બુન, પછી એ ટોકરસીભાઈનું શું થયું?’

ધાર્મિક વિચારસરણીઓની બાબતમાં ગુજરાતની આદત એવી લાગે છે કે બહારના ધર્મસ્થાપકોને માટે ગુજરાતમાં મોકળું મેદાન કરી આપવું. ભારતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવા માંડ્યો ત્યારે એ સમયના ગુજરાતી બુદ્ધિજીવીઓ, સાહિત્યકારો વગેરે ઉપર પણ ખ્રિસ્તી શ્રદ્ધાની જબરી અસર થયેલી. એ યુગમાં આપણે ત્યાં ગદ્યલેખન અને મુદ્રણકલા આજના જેટલાં વિકસેલાં નહિ, તેથી પાદરીઓએ ગુજરાતીમાં છપાવેલી ‘ખ્રિસ્તીની પ્રથા’નું શીર્ષક જોડાક્ષરો જુદા પાડીને ‘ખરી સતીની પરથા’ છપાયેલું. એટલે સતીત્વપૂજક પતિપરાયણ ગુજરાતી ગૃહિણીઓએ એ પુસ્તિકા ભારતીય સતીઓની કથા સમજીને હોંશે હોંશે વાંચેલી એમ કહેવાય છે. પણ ધાર્મિક પ્રચારની બાબતમાં ગુજરાતની ખાસિયત એવી લાગે છે કે ગુજરાતમાં જ કોઈ ધર્મપ્રવર્તક પાકે તો એણે ગુજરાતની બહાર જઈને જ ‘ધર્મચક્રપ્રવર્તન’ કરવું પડે. મહર્ષિ દયાનંદને પોતાની મતપ્રચાર માટે ગુજરાત કરતાં પંજાબની ધરતી વિશેષ અનુકૂળ આવેલી એ હકીકત બ. ક. ઠાકોરે નોંધી જ છે. આજે પણ સાંઈબાબા અને એ પ્રકારના અન્ય સંતોના વધુમાં વધુ ભક્તો કદાચ ગુજરાતમાંથી મળી આવે તો નવાઈ નહિ.

કોઈ પણ પ્રજાની સંસ્કૃતિનું માપ એના ખોરાક અને પહેરવેશ ઉપરથી કાઢી શકાય. આ બાબતમાં ઇંગ્લંડ ઘણું પછાત ગણાય. ઇંગ્લૅન્ડે આંતરરાષ્ટ્રીય ખાદ્ય વાનીઓમાં ‘સૅન્ડવિચીઝ’ અને પહેરવેશમાં ડિનર-જૅકેટ સિવાય બીજું કોઈ મહત્ત્વનું અર્પણ નથી કર્યું. ખોરાકની બાબતમાં ‘સેવન કોર્સ ડિનર’નો શિરસ્તો પાડનાર ફ્રાન્સની તોલે કોઈ ન આવી શકે. આ ક્ષેત્રે ગુજરાતની તાસીર જુદી છે. આમ તો ખાનપાનની બાબતમાં ગુજરાતીઓ સ્વાદિયા ગણાય જ છે. સૂરતના જમણને કાશીના મરણની તોલે મૂકવામાં આવે છે. મસાલેદાર, ચટાકેદાર ‘વઘારદાર’ વાનીઓ ગુજરાતીઓને પ્રિય છે. એ ‘વઘાર’ એટલે કે ખોરાકની વાસ (કે સુવાસ) વિશેની યુરોપમાં પ્રચલિત બનેલી એક વાત (કે વાયકા) જાણવા જેવી છે. લંડનમાં એક ગુજરાતી ભાઈ ભારતીય ઢબનું ભોજનાલય ચલાવે છે. ગુજરાતથી આવેલા એક પ્રવાસીને આ ભોજનાલયમાં જમવાનું મન થયું. એમણે કોઈ અંગ્રેજને એ સ્થળનું સરનામું પૂછ્યું અને માર્ગદર્શન માગ્યું. પેલા અંગ્રેજે એને ટૂંકામાં સમજાવ્યું: ‘ફલાણા રસ્તા પરથી ફલાણી સ્ટ્રીટમાં વળશો એટલે એ ભોજનાલય આવશે.’ પેલા અજાણ્યા પ્રવાસીને આટલી અલ્પ માહિતીથી સંતોષ ન થતાં એ સ્ટ્રીટમાંની ઇમારતના બ્લૉક નંબર પૂછ્યો. પણ મિતભાષી અંગ્રેજને ભોજનાલયના મકાનનો નંબર પણ યાદ નહિ હોય તેથી, એ સ્થળ શોધી કાઢવાની એક અજબ સંજ્ઞા સમજાવીઃ ‘તમે એ સ્ટ્રીટમાં દાખલ થશો કે તુરત રંધાતા ખોરાકના વઘારની વાસ આવશે. આંખને બદલે નાક વડે એ વઘારનું ઉદ્ભવસ્થાન શોધતા આગળ વધશો એટલે સીધા એ ભોજનાલયમાં જ જઈ ઊતરશો.’

ખોરાકની બાબતમાં ગુજરાતની આ ‘અસ્મિતા’ જેવીતેવી નથી. ઇંગ્લૅન્ડનાં બિનગુજરાતી ભોજનાલયોમાં પણ ગુજરાતી પાપડ, ફરસાણ ને ચટણી-અથાણાં એટલે સુધી પ્રચલિત થઈ ગયાં છે કે વિદેશોમાં સ્થાયી વસવાટ કરતાં કેટલાંક કુટુંબો તો ભારતમાંથી વિમાનમાર્ગે પાપડ ને પાનસોપારી મગાવે છે.

પણ આ તો ખોરાક બાબતમાં ગુજરાતી અસ્મિતાની એક જ બાજુનું વર્ણન થયું. એની બીજી બાજુ વધારે રસિક છે. અર્વાચીન ગુજરાતી રસોડામાં માત્ર રાષ્ટ્રની જ નહિ, સઘળી આંતરરાષ્ટ્રીય વાનીઓનાં દર્શન થઈ શકે છે. આ વૈવિધ્ય ઈડલી, ઢોંસા ને ‘સાંભાર’થી જ નથી અટકતું. એમાં કરી-રાઈસ અને કોફતા પણ ઉમેરાયાં છે. અને હમણાં હમણાં તો કોઈ પ્રગતિશીલ રસોડામાં મેક્રોની અને નૂડલ્સનાં દર્શન પણ થવા લાગ્યાં છે. આ કાર્બુઝિયેનો રસોડાપ્રવેશ માત્ર સૂપ કે સ્પેઘેટીના સ્વરૂપમાં જ નથી થતો, રસોડાની સજાવટમાં પણ એ અસર વરતાવા લાગી છે. અમેરિકા જઈ આવેલા મારા એક મિત્રે પોતાના નવા મકાનના રસોડાની સજાવટ આ લા અમેરિકન ઢબે કરેલી. વીજળિક સ્ટવથી માંડીને ‘સિન્ક’ સુધીમાં એમણે શક્ય તેટલાં અર્વાચીન ગૅઝેટ અપનાવેલાં. હવે બન્યું એવું કે એ અતિઅર્વાચીન ગૅઝેટોનું સંચાલન કો આખરે એક મહારાજને જ સોંપવું પડેલું. અને એ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મપુત્રને રોજ ભોજનાન્તે ચોકો કર્યા વિના તો ચેન શાનું પડે? રસોડામાં ‘પોતું’ માર્યા વિના તો એની પવિત્રતા પણ શેં જળવાય? એ ચોકા અને ‘પોતા’ની પ્રક્રિયાઓ દરમિયાન સિન્કમાંના નળનું વૉશર ઊડી ગયું કે શું થયું એ તો એ મહારાજ જાણે, પણ ચોમાસામાં લાલબાગ અને પરેલ વચ્ચે કમરબૂડ પાણી ભરાય છે એટલાં પાણી એ રસોડામાં ભરાઈ ગયાં. અને ત્યારે જ ગૃહપતિને ખ્યાલ આવ્યો કે આ અર્વાચીન રસોડામાં પણ પ્રાચીન ખાળમોરીની આવશ્યકતા છે.

આગળ જેનો ઉલ્લેખ કર્યો એ ઉંબરો માત્ર કાષ્ઠનો ટુકડો નથી… વ્યાપક અર્થમાં એ જીવનવ્યવહારની ‘લક્ષ્મણરેખા’ છે. અને એ ઉંબરાનો વધતો જતો અભાવ અનેક ક્ષેત્રોમાં વ્યક્ત થઈ રહ્યો છે. એના આવિષ્કારનાં ક્ષેત્રો એટલાં તો બહુવિધ અને સૂક્ષ્માતિસૂક્ષ્ણ છે કે એના આમૂલ અભ્યાસ વડે તો મહાગ્રંથ રચાય. પણ સૂક્ષ્માતિસૂક્ષ્મની વાત જવા દઈએ અને સ્થૂળ આવિષ્કારોની જ ઊડતી નોંધ લઈએ તો ગુજરાતના પહેરવેશનું અવલોકન-નિરીક્ષણ એકરસિક ભાષ્યનો વિષય બની શકે એમ છે. આજે હવે અદૃશ્ય થતી જતી ફેઝ કેપ આકારની બૅંગલોરી ટોપી શી રીતે ગુજરાતી શિરસ્ત્રાણનું સ્થાન લઈ બેઠેલી એ વિશે તો કોઈ સમાજશાસ્ત્રી જ માહિતી આપી શકે; પણ પગનાં મોજાં આ દેશમાં પહેલવહેલાં દાખલ થયાં ત્યારે ગુજરાતી વેપારીઓએ ધોતિયાં સાથે એ પહેરવા માંડેલાં. એ વેશભૂષાના અવશેષો તો આજે પણ વિલિંગ્ડન ક્લબ જેવાં સ્થળોએ જોવા મળે છે.

પહેરવેશની વાત કરીએ ત્યારે સ્વાભાવિક જ બંગાળ યાદ આવી જાય. છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી રહેણીકરણી ઉપર સુજલા સુફલા બંગભૂમિએ જેટલી અસર કરી છે એટલી બીજા કોઈ ભારતીય પ્રદેશે નહિ કરી હોય, બંગાળ સાથે ગુજરાતને પૂર્વભવનું કોઈક લેણું નીકળ્યું એમ જ માનવું પડે. શાન્તિનિકેતન સાથેના વધુ પડતા સહવાસની પણ એ બલિહારી હોય! શાન્તિનિકેતનમાં એક વેળા વધુમાં વધુ સંખ્યા ગુજરાતી વિદ્યાર્થીઓની હતી, એ તો એ જમાનાના ગુજરાતી યુવાનોના વાળની લંબાઈ ઉપરથી જ જણાઈ આવતું. આચાર્ય કૃપલાણી જેને રવીન્દ્રનાથની ‘સિલ્કન સિમ્પ્લિસિટી’ કહેતા એ રેશમી સાદાઈ ગુજરાતીઓને સારી સદી ગયેલી. અલબત્ત ટાગોર જે રોમન ટોગો પહેરતા એનું તો કોઈએ ખરું અનુકરણ ન કર્યું, પણ એમની દાઢી સારા પ્રમાણમાં લોકપ્રિય થયેલી. એ લોકપ્રિયતા એક તબક્કે તો એટલે સુધી વ્યાપક બનેલી કે એક યુવાનને કુદરતી દાઢી નહોતી ઊગતી તે એણે એક નાટક કંપનીમાંથી છત્રપતિ શિવાજીનો પાઠ ભજવનાર પાસેથી એક બનાવટી દાઢી ‘સિવડાવેલી’ અને એ પહેરીને એ ફરવા નીકળતો.

વેશભૂષાનો લા કાર્બુઝિયે પુરુષો કરતાંય સ્ત્રીઓને વિશેષ પ્રમાણમાં વળગેલો. નાનાલાલે મુગ્ધભાવે વર્ણવેલ ‘ચોળી, ચણિયો, પાટલીનો ઘેર…’નો પહેરવેશ ગુજરાતણોએ બંગભંગની અસર તળે ત્યાગી દીધો અને બંગાળી ઢબે વસ્ત્રપરિધાન કરવા માંડ્યું ત્યારે કેટલાક રૂઢિચુસ્તોએ ટકોર કરેલી કે બહુ સારી શારીરિક સમૃદ્ધિ નહિ ધરાવનાર સાંઠીકડાં જેવી ગુજરાતણો આ નૂતન વેશમાં બંગાળી કરતાં ‘કંગાળી’ વિશેષ લાગે છે. પણ સૌંદર્યના એ ટીકાકાર ઔરંગઝેબને કોણ સમજાવે કે લૈલા કો દેખો મજનૂ કી આંખસે…? બંગાળની અસર ગુજરાતના પહેરવેશ કરતાંય સાહિત્ય, સંગીત અને ચિત્રકલા ઉપર વિશેષ પ્રમાણમાં હતી. ગુજરાતી કવિતામાં તો, આગલા દાયકામાં બંગાળી અનુકરણોએ હોનારત સરજી નાખેલી. એક જમાનામાં બંગાળી સંગીત ન જાણનારાં કુટુંબો ‘સાક્ષાત્ પશુ સમાન’ ગણાતાં! અને ગુજરાતી ચિત્રકલાને તો હજુય બંગાળી અસરમાંથી કળ વળી લાગતી નથી.

પહેરવેશની બાબતમાં તો ગુજરાતણોના વેશપરિધાનમાં એક વ્યવસ્થિત ઉત્ક્રાંતિ આવી રહી છે. દેશના ભાગલા પડ્યા પછી થોડો સમય સલવાર અને ‘લાલ દુપટ્ટા મલમલ કા’નું આક્રમણ થઈ ગયેલું, પણ એ બહુ દીર્ઘજીવી નીવડ્યું લાગતું નથી. અને એ સલવાર માટે કેટલાક બિનગુજરાતીઓ ટકોર કરતા કે ગુજરાતી શરીરોન તો સલવારનો એક બાજુનો અરધો વિભાગ જ પૂરતો થઈ રહે એમ છે; પણ ટીકામાં બહુ વજૂદ નહિ હોય એમ ઇચ્છીએ, પણ હમણાં હમણાં ગુજરાતી તરુણીઓમાં ‘બોબી સોકસર’નાં દર્શન થઈ રહ્યાં છે એને તો દાદ આપવી જ જોઈએ. સ્કર્ટ્સ અને સ્વેટરનો ઉપયોગ હિલ સ્ટેશનો ઉપર અથવા કાશ્મીર પ્રવાસમાં વિશેષ પ્રમાણમાં થાય છે. કોઈને કદાચ એમ પણ કહેવાનું મન થાય કે આ સ્કર્ટ્સ અને સ્વેટરનો ઉપયોગ કરવા માટે જ હિલ સ્ટેશનો અને કાશ્મીરની સહેલગાહો યોજાય છે. એ ગમે તે હો, પણ માથેરાન કે મહાબળેશ્વરના કોઈ ઉત્તુંગ ગિરિશિખર ઉપર સ્કર્ટ્સ કે તંગ બ્રિચીઝ વડે આભૂષિત-વિભૂષિત ગુજરાતી તરુણી, તેગ અને તલવારના યુગની કોઈ કેસરિયાં કરવા નીકળી પડેલી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ચાંદબીબી જેવી, અથવા મૂંગી ફિલ્મના જમાનાની ફીયરલેસ નાિદયા જેવી શૌર્યમૂર્તિ લાગે છે એમાં તો શંકા જ નથી.

ગુજરાતીઓ વિશે વાત કરીએ ત્યારે નાણાં પ્રકરણને તો સ્પર્શવું જ જોઈએ. બહારની દુનિયા માટે તો ગુજરાતીઓ અને નાણાં જાણે કે એકબીજાના પર્યાય જ બની રહ્યા છે. એક જમાનામાં સૂરતની આત્મારામ ભૂખણની શરાફી પેઢી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નાણાં ધીરતી. સૂરતની નાણાંવટ શિવાજીને હાથે લૂટાયા પહેલાં વૉલ સ્ટ્રીટ જેટલી વિખ્યાત હતી. લશ્કરી નામનું એક કુટુંબ અંગ્રેજ લશ્કરો માટે નાણાં પૂરાં પાડતું. એ તો હવે જરા જૂના જમાનાની વાત થઈ, પણ તાજેતરની જ વાત કરીએ તો, મુસાલિની સામે એબિસિનિયા લડતું હતું ત્યારે શહેનશાહ હેલ સલાસીને નાણાં ધીરનાર ત્યાંના સૌરાષ્ટ્રી વેપારીઓ હતા! આ નાણાં-વ્યવહારમાં પણ લા કાર્બુઝિયેનું આકર્ષણ અને ઉંબરાનો અભાવ, બન્ને તત્ત્વો કામ કરતાં લાગે છે. બિનગુજરાતી લોકોને લાંબા અનુભવને પરિણામે જણાયું છે કે, ફંડ, ફાળા, ઉઘરાણાં, થેલી, નિધિ વગેરે માટે ગુજરાત જેવી અનુકૂળ, ફળદ્રુપ, ઉદાર અને અનુકમ્પાશીલ ભૂમિ બીજી કોઈ જ નથી. નાણાં ઉઘરાવવા માટેની ‘થેલી’ હોય કે પછી થેલો હોય કે જબરજસ્ત કોથળો હોય, પણ ગુજરાતીઓ પોતાની નાણાં-કોથળીઓ વડે એ થેલી-થેલાઓને છલકાવી દે છે. અલબત્ત, એ માટે શરત માત્ર એટલી જ કે એ ઉઘરાવનાર વ્યક્તિઓ બિનગુજરાતી હોવી જોઈએ. લક્ષ્મીનો સ્વભાવ જ આવો ચંચળ છે અને લોહચુંબકના વિષમ છેડાઓ જ એકબીજાને આકર્ષે છે, એમાં બિચારા ગુજરાતીઓનો શો દોષ?

ગુજરાતની આ કેટલીક ખાસિયતો અને લાક્ષણિકતાઓ વર્ણવતાં વર્ણવતાં જ આ લખનારને એ લોકસમૂહ માટે એટલું તો વહાલ ઊભરાઈ આવ્યું છે કે હવે લેખના આરંભનું મથાળું જરા બદલીને ઊલટભેર લલકારી રહ્યો છું: ‘ગુજરાત મોરી… મોરી રે…’