ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/પાલ્લીનો પીપળો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાલ્લીનો પીપળો

જયંત પાઠક

પાલ્લી ગામને ઝાંપે એક પીપળો ઊભો છે. ફરતે ચોતરો છે; પાસે જ એક કૂવો છે; ગામ આખું આ કૂવાનું પાણી ભરે છે. ચોતરે બેઠાં બેઠાં નવરા જુવાનો જુવાન પનિહારીઓની આવજા, એમનાં ચકમકતાં બેડાં ને મલકતાં મૂઢાં નિહાળે છે, તો મોટેરાઓ બેઠાં બેઠાં હુક્કો ગગડાવે છે કે પછી ઢોરઢાંખરને નાથવા-બાંધવાનાં દોરડાં વણે છે. આવું દૃશ્ય આપણા કોઈ પણ ગામ માટે વિરલ ગણાય એવું નથી જ; પણ એની સાથે સંકળાયેલી એક માણસની જીવનકહાણીને લીધે આ દૃશ્ય અને ખાસતો એ પીપળાનું ઝાડ જાણીતું ને સ્મરણમાં રહી જાય એવું બન્યું છે; પીપળા સાથે રામપ્રકાશ અને ભક્તાણીની મૂર્તિઓ પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈ રહી છે.

રામપ્રકાશ, ઉત્તર ભારતના કોઈ બ્રાહ્મણ, પાલ્લી ગામમાં આવીને વસ્યા છે; ક્યારે ને કેમ તે તો કોઈ જાણતું નથી. ગામને ઝાંપે નળિયેરી ઘરમાં એ રહે છે એમની ભાભી સાથે. ભાભીને ગામલોકો ‘ભક્તાણી’ કહે છે; એમનું નામ તો કોઈ જાણતું નથી. રામપ્રકાશ બેઠી દડીના ગૌર વાનવાળા પ્રભાવશાળી પુરુષ છે; માથે પટકો બાંધે છે ને ગાઢાં દાઢી-મૂછ રાખે છે. એમની બોલી હિન્દી-ગુજરાતી કહેવાય. ભક્તાણી તો ભાગ્યે જ બોલે કે ગામની સ્ત્રીઓના સંપર્કમાં આવે, એટલે એમની બોલી એમના પ્રદેશની રહી છે. તેઓ બોલે છે ત્યારે આમને છોકરાંને ભાગ્યે જ કશું સમજાય છે. રામપ્રકાશ ભક્તાણીના દિયર, બાલબ્રહ્મચારી ને ભક્તાણી વિધવા; બસ, આ બે જણનો વિચિત્ર સંસાર આ પારકા પરદેશમાં એકધારો શાંતિથી વહ્યો જાય છે. યાદ છે ત્યાં સુધી રામપ્રકાશ ઘરમાં જ દુકાન રાખી મોટોજોટો વેપાર કરે છે. સાધુ તરીકે આસપાસનાં ગામોમાં એમની આબરૂ ઘણી સારી એટલે વારપરવે દાનદાપાં પણ મળે. મસ્તરામની જેમ ચા ને અમલકસુંબા પીતા રામપ્રકાશને જોઈ ઘણા સંસારીઓને થતું: ‘રામપ્રકાશ બાવો કેવો સુખી છે! છે કશું ના’વાનું કે નિચોવવાનું! બાવો ઊઠ્યો બગલમાં હાથ!’ ભાભીને પાળનાર-પોષનાર આ બાવા જેવા રામપ્રકાશ આ વસ્તીમાં જેવા વિચિત્ર તેવા ઉપેક્ષિત પણ ખરા. લોકો પગે લાગે, માન જાળવે, અહોભાવથી જુએ, પણ એમની બહુ પાસે ન જાય. એમનાથી અતડા રહે. વર્ષોથી ન્યાતજાત ને ઘરગામદેશથી વિખૂટા પડેલા આ ડોસાએ શું શું નહિ વેઠ્યું હોય! એમના મુખની આ કરચલીઓની કિતાબનાં પાનાંમાં કેવી કેવી કહાણીઓ લખાયેલી હશે!

રામપ્રકાશ મારા દાદાના મિત્ર. બંનેને સારું બને એટલે દાદાની પાલ્લીમાં બેઠકઊઠક એમને ઘેર પણ ખરી. પાલ્લી અમારા યજમાનોનું ગામ, એટલે દાદાને રોજ આ ગામનો ફેરો મારવાનો ખરો. યજમાનોથી પરવારીને દાદા ગામનાં બે ફળિયાં મૂકી છેવાડે આવેલા રામપ્રકાશને ખોરડે જાય. કોઈ વાર અમે પણ સાથે હોઈએ. અંધારા ઘોર જેવા ઘરમાં દિવસે બળતા કોડિયાના અજવાળામાં અમને ખજૂરની બેચાર પેશી આપતાં મોટા મોટા દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણીની મૂર્તિ આજેય નજર સામે તરે છે. દાદા અને રામપ્રકાશ જાતજાતની વાતો કરે. માધ્યમની કોઈ મુશ્કેલી નહીં. ભાષાનો વિસંવાદ બન્નેના હૃદયસંવાદને લીધે સમજવામાં નડતર ન બને. રામપ્રકાશ થાણામાં દાણીને ત્યાં અફીણ લેવા આવે ત્યારે અમારે ઘેર આવે, બહાર પાટ ઉપર બેસે ને દાદા સાથે ગામગપાટા મારી ચા સાથે અફીણની કાંકરી લઈ મોડેથી લાકડી ઠોકતા ઝડપી ચાલે પાલ્લી ભણી ઊપડે.

કહે છે કે આ રામપ્રકાશ હનુમાનજીના પરમ ભક્ત છે. ધાર્મિક પ્રસંગોની ઉજવણી વખતે કે સપરમા દિવસોએ તેઓ શરીરે માત્ર ચુસ્ત લાલ લંગોટી પહેરી મોટો શંખ ફૂંકતા ગામને પાદર વિચરે. એમનું શરીર કંપે ને એમનું મુખ લાલઘૂમ, બીક લાગે એવું બની જાય. એ ‘મલયાગિરિ મહારાજ કી જે’ એમ બોલે તે ઉપરથી દાદા અને બીજા લોકોને એવો વહેમ છે કે એ નામનો કોઈ બ્રહ્મરાક્ષસ રામપ્રકાશે સાધ્યો છે ને એ એમની સેરમાં આવે છે. વાત તો એવી પણ સાંભળી છે કે આવા પરચાના પ્રસંગે રામપ્રકાશ ઠેકડો મારીને પીપળાના ઝાડ ઉપર ચઢી જાય છે ને એની ડાળે ઊંધે માથે લટકે છે. એમની આવી વિચિત્ર કરણીને લીધે પણ ગામલોકો એમનાથી અળગા રહે છે, ડરે છે.

ઘરની સામે, ગામમાંથી નીકળતા ચીલાની ધારે ઊભેલો આ પીપળો પણ રામપ્રકાશે જ રોપેલો ને ઉછેરેલો કહેવાય છે. પાછળથી એમને ધૂન ચડી તે પીપળાને પવિત્ર બ્રાહ્મણ ગણવા સાથે એને પુત્ર પણ ગણવા લાગ્યા. પોતે ભંડારો કરે ત્યારે ગામને અને ગોઠ તથા થાણાના બ્રાહ્મણોને ને અમલદારોને પણ જમાડે. આવા એક પ્રસંગે એમણે બ્રાહ્મણો આગળ પોતાની ઇચ્છા પ્રગટ કરી, પીપળાને જનોઈ દેવાની. ગોઠના શાણા બ્રાહ્મણોએ શાસ્ત્રનો આધાર શોધી કાઢ્યો ને શાસ્ત્રવિધિ પણ. પીપળાને ફરતો પાકો ચોતરો થયો ને બ્રાહ્મણના દીકરાનો ઉપનયન સંસ્કાર થાય એવો પીપળાનો થયો. બડવો દોડવાનો પ્રસંગ પણ કુનેહપૂર્વક બ્રાહ્મણોએ ઉકેલ્યો. રામપ્રકાશને જ એમણે લંગોટ ધારણ કરાવીને ખભે દંડ મૂકીને દોડાવ્યા! એ બાલબ્રહ્મચારી ખરા ને! આ પ્રસંગે કોઈ સત્ત્વ સેરમાં આવ્યું હોય એમ તેઓ કંપતા તો હતા જ ને વળી બડવા તરીકે દોડવાનું આવ્યું! દોડવાને બદલે એ ઉઘાડું ગૌર શરીર મોટા ઠેકડા જ મારતું હતું. સાક્ષાત્ હનુમાનજી જેવો દેખાવ ને એવો જોસ્સો ભયભીત નજરે જોયેલો તે આજેય પ્રત્યક્ષ થાય છે. સૌ આ પ્રસંગે કોઈ દૈવી શક્તિની હાજરીનો અનુભવ થતાં વિસ્મય અને કૃતકૃત્યતાનો ભાવ અનુભવવા લાગ્યા. પીપળો યજ્ઞોપવીત પછી વધારે પવિત્ર મનાવા લાગ્યો. ગામલોકો એની ડાંખળીય ભાંગે નહિ ને ચોતરાને રોજ વાળીઝૂડી સાફસૂથરો રાખે. માંસમાટી કે દારૂતાડી ત્યાં આગળ ખવાયપીવાય નહિ; અરે ગોબરી વાત પણ ત્યાં ન થાય એવી આણ આપોઆપ પ્રવર્તવા લાગી.

રામપ્રકાશને હવે એક બીજો તરંગ આવ્યો. દીકરાને એટલે કે આ પીપળાને પરણાવવાનો. પાસેના કૂવામાં ગંગાજી પ્રગટ થયાં છે એવી વાર્તા તો આ અગાઉ રામપ્રકાશે ને બ્રાહ્મણોએ વહેતી કરી દીધી હતી ને ગામલોકોએ માની પણ લીધી હતી. રામપ્રકાશ નાણાં વાપરે, ભંડારો કરે, બધા વટવહેવાર કરે તો બ્રાહ્મણોને શો વાંધો હોય! એમને તો બે પૈસા મળવાના જ હોય ને! લગ્નની વાતને બ્રાહ્મણોએ વધાવી લીધી એટલું જ નહીં, પીપળાનાં લગ્ન ગંગાજી સાથે કરવાની વાતને શાસ્ત્રમાન્ય ઠરાવી લગ્નવિધિ પાર પાડવાનું બીડું બીડું ઝડપ્યું. પીપળો ને કૂવો પાસે પાસે એટલે બન્નેને લગ્નમાં સંલગ્ન કરવામાં ખાસ મુશ્કેલી નહોતી. સૂતરનો દોરો પીપળાને વીંટ્યો ને કૂવામાં એક છેડો ઉતાર્યો — ગંગાજીને લગ્નતંતુથી બાંધવા; છેડા-ગાંઠણાં લઈને બ્રાહ્મણો ફેરા ફર્યા. રામપ્રકાશ વરના બાપ અને કન્યાના સસરા તરીકે મજાનો કોટ અને સાફો પહેરી મહાલ્યા ને મોડી રાતે મહાભોજ પણ યોજાયો. લગ્નવિધિના આખા કાર્યક્રમ દરમિયાન રામપ્રકાશ શરીરે કંપતા ને મુખ ઉપર ધન્યતાનો ભાવ પ્રકાશતા કોઈ અમાનુષી સત્ત્વ જેવા લાગતા હતા. યાદ છે ત્યાં સુધી બ્રાહ્મણો ને બીજાઓ પણ આ પ્રસંગને રમૂજનો પ્રસંગ ગણીને આડું જોઈ મૂછમાં હસી લેતા હતા ત્યારે આ ‘બાવો’ જાણે સંસારમાં રહી ગયેલી કોઈ વાસનાનો મોક્ષ થતો અનુભવીને ગંભીર આનંદ માણી રહ્યો હતો. કોઈએ કહેલુંય ખરું, ‘ભઈ, નદીનાં મૂળ ને ઋષિનાં કુળ કોણ જોવા ગયું છે! બાવાને સંસારના ઓરતા અધૂરા રહી ગયા હોય ને આમ પૂરા કરતો હોય તોય કોને ખબર?’

પાલ્લીને પાદર એ પીપળો આજેય ઊભો છે, ગામની પંચરઉ વસ્તીમાં એકનો એક બ્રાહ્મણ, ગંગાજીને વરેલો ગૃહસ્થ બ્રાહ્મણ! ચોતરા ઉપર બેઠેલી જુવાન પેઢીને એનાં પાન સતત કશુંક બોલતાં સંભળાય છે. વૃક્ષની ભાષા સમજાતી હોત તો કાચ એમને રામપ્રકાશ, ભક્તાણી ને પેલા પ્રસંગોની કથાથી રોમાંચ થાત. અત્યારે તો રાતઅહુર ત્યાંથી પસાર થનાર કોઈ ગાડાવાળો કે ચાલનારો વાટમારગુ કહે છે કે ‘પેંપળામાં કશુંક ચળિતર થાય છે. અમે નજરે ભાળ્યું ને! હૂપ હૂપ બોલતો કોઈ બુઢિયો વાંદરો ચડઊતર કરતેલો! અરે મેં મારી સગી આંખે એ ને ઊંધે માથે લટકતોય ભાળ્યો!’ ૧૪-૪-૧૯૮૧