ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/એક નગર વસે છે, અંદર

એક નગર વસે છે, અંદર

ભાગ્યેશ જહા

અમદાવાદ એક નથી, અનેક છે. આ નગર સહસ્રબાહુ ધરાવતો નગરપુરુષ છે. ઇતિહાસની વાસ ભૂંસી નાખવા મથતા મોટા સાવરણા જેવાં મકાનોનાં બાંધકામનો અવાજ સાંભળવા હું ઊભો રહું છું ત્યારે મારામાં ચણાયેલા અને મેં ચણેલા એક અમદાવાદની અંગડાઈ સંભળાય છે. અમદાવાદ એવો ઇતિહાસલેખક છે જે રોજ એક પ્રકરણ પૂરું કરે છે. અહીં એક જાજરમાન બાદશાહનો ઠાઠ છે, તો કૂતરાની દોડાદોડ છે, એક સસલાની ઝડપથી દોડતી કોમળતા છે. કૂતરા કે સસલા વચ્ચે કશી ઝપાઝપી નથી. આ નિત્યનૂતન નજાકત અને નફટાઈ અને નફાનું નગર છે. અહીં ભૂગોળને ભાષા ફૂટે છે અને ભાષાને ભૂંસવાનાં કારખાનાં ચાલે છે. અમદાવાદ મારી આંતરવેદના અને આનંદલીલાનો અરીસો છે.

એક સાંજ યાદ આવે છે. ૧૯૬૮નો મે માસ હતો. આ પહેલી મુલાકાત હતી મારી અમદાવાદ સાથે. ઇન્કમટૅક્સ બસસ્ટૅન્ડ પર ઉત્તર ગુજરાતની બસો આવતી. સામાનમાં સપનાં અને ચહેરા પર પ્રશ્નચિહ્ન સાથે બધાં ઊતરતાં. હું પણ ઊતરેલો, એક આશ્ચર્યચિહ્નની જેમ, ખાદીમાં સજ્જ પિતાશિક્ષક સાથે. જલેબીની સુવાસ નાકમાં પ્રવેશી કે અમદાવાદ એ આજે પણ નક્કી કરવું મુશ્કેલ છે. હું જે ઝડપથી અમદાવાદમાં પ્રવેશું તેના કરતાં પણ વધારે ઝડપથી અમદાવાદ મારામાં પ્રવેશતું હતું. નર-નગરની આ જુગલબંધી યુગજૂની છે તેમ છતાં મારા પર લીંપાતો એ નગર-પવન આજે મેટ્રોનો માણીગર બન્યો છે, હવે મહાનગરના એને શણગાર છે તો મારી પાસે શબ્દવેધ કરવા ઊભા થયેલા અર્જુનની સજ્જતા અને વિષાદ અને અનુભવ અને ભાષા અને આનંદ અને શોધ અને રઝળપાટ અને સંતોષ… આજે મારી જેમ અનેક લોકોને પોતાનું અમદાવાદ છે; બદલાયેલું અથવા બદલાતું.

ક્યારેક એમ લાગે કે આ રિંગ (રોડ) પહેરીને ઊભેલી એક મુગ્ધ નારી છે અને એનાં અંગ પર ફરફરતા દુપટ્ટા જેવા ફ્લાયઓવર છે, તો બીજી ક્ષણે જૂનાં મકાનો સાચવીને બેઠેલી કોઈ બોખી ડોસી જેવી પોળો પાસે વારતા સાંભળવાની ઇચ્છા થઈ આવે. હવેલીઓના ઠસ્સામાં કોઈ જાજરમાન ગૃહિણી જમીને હીંચકા પર પાન ખાતી બેઠી હોય તેવું લાગે. તો આધુનિક બહુમાળી ફ્લૅટમાં મોટાં સપનાંઓ ઊંચકીને ઊભેલો મધ્યમવર્ગનો ગુજરાતી માણસ ઊભો હોય અને તેની સામે આવેલા મૉલમાં તેની બોલકી દીકરીનું અજવાળું ઊભું હોય તેવું લાગ્યા કરે. એમ થાય સૅટેલાઇટને તો સૅટેલાઇટથી જ જોઈએ. વસ્ત્રાપુરના નરસિંહ મહેતા હમણાં જ મને સંભળાવતા હતા, `જાગીને જોઉં તો…’ બંધ મિલના કામદારની કટાઈ ગયેલી સાઇકલ જેવો ચહેરો લઈને એક માણસ દરેક વખત મને જુદી જુદી જગાએ મળે છે, એ અમદાવાદની નિરાશા છે. દરેક મૉલની બહાર એક મોંઘી ગાડી લઈને એક યુવાન મને સામે મળે છે. એના મોં પરની ચીમળાયેલી ચમક અને સંતાડી ના શકાય તેવો સુખસંનિપાત હું ઓળખી પાડું છું. આ જે-નથી-તે-દેખાવાનો નવીનતમ રોગનો દર્દી છે. હૅલ્મેટ પહેરી મંત્ર બોલતાં બોલતાં સ્કૂટર ચલાવતા યુવાનને હું દરેક વળાંકે મળું છું, આ અમદાવાદનો આત્મવિશ્વાસ છે. ચહેરા પર દુપટ્ટો વીંટીને રોડ ઓળંગતી યુવતી રોડ અને જીવનનાં રોડાંને એકસાથે ઓળંગે છે. મધ્યમવર્ગના સંઘર્ષને આંખોમાં આંજીને જ્યાં ખુમારીથી ચાલતી છોકરીઓ જોવા મળે તે શહેરનું નામ અમદાવાદ છે.

હું મારી બારાખડીની પોળના નાકે અને મારી સોસાયટીના શબ્દાર્થોને ઓળંગીને ઊભો છું. મહાભારતની બહાર અને અર્જુનની અંદર… એક શબ્દવેધ માટે.