ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/બાવો બોલ્યા તે સત્ય

Revision as of 07:12, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બાવો બોલ્યા તે સત્ય

મણિલાલ નભુભાઈ દ્વિવેદી

(એક સમયોચિત ચાબકો)

એક રજવાડાના કારભારી આગળ કોઈ વિદ્વાને વેદાંતની ચર્ચા કરતાં કહ્યું કે જ્ઞાન માટે અધિકારી થવું જોઈએ. ત્યારે મંડળીમાંથી એક પંડિત, કારભારીને ઉદ્દેશી બોલી ઊઠ્યા કે ભાઈ! આપ કરતાં મોટા અધિકારી કોણ છે? છતાં આપ સમજી ન શકો એવી વાત આ બતાવે છે તે કેમ સંભવે! આવા ને આવા અધિકારીઓ અને તેમના ખુશામદ કરનારાઓથી સત્યનું સત્યાનાશ વળેલું છે; ને જ્યાંત્યાં અંધકાર ફેલાઈ રહ્યો છે. કારભાર કરનારો જાણે છે કે હું એક કારભારું ડોળું છું માટે કસી વાત મારાથી અગમ્ય હોય જ કેમ? વિદ્યાવિલાસીઓ જાણે છે કે અમે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું તેને ખોટું કહે જ કોણ? ધર્માભિમાની પંથપ્રવર્તકો જાણે છે કે અમે ઠાવકું મોં રાખી અહંબ્રહ્મ કહીએ છીએ તેનો ઇન્કાર કરનાર કોણ? મારો ઘોડો પણ એમ જાણે છે કે હું તે હું જ — ને મારા પગના બુટ કોણ જાણે એનું એ જ અહંપદ જાણીને રાતદિવસ ચુકારામાંથી નીકળતા નથી!! બધી દુનિયાં જ અહંમાં ડૂબી છે! આ લખનારો ક્યાં હશે, એની વાંચનારને શંકા થશે, પણ એ એ એમાંનો એમાં જ, નહિ તો લખે શા માટે? પણ એ તો વાંચનાર જેવો ‘અધિકારી’! ઘણા એવા એ અધિકારી હોય છે કે બ્રહ્મજ્ઞાનપરત્વે પણ કારભારીને અધિકારીમાં ગણે! તેને આપણે શું કરી શકવાના છીએ? વારંવાર લોકો લવે છે—અરે! સારી પંડિતિઆ પાઘડી અને અંગ્રેજી મૂછ રાખનારા પણ ઓચરે છે કે ભાઈ ફલાણા દીવાને ફલાણાના કાવ્યને વખોડ્યું; ફલાણા આચાર્યે પોતાનો આચાર વખાણ્યો; ફલાણા વિદ્વાને ફલાણાને ધિક્કાર્યો, એ તે ખોટું હોય જ કેમ?

માણસોએ વિવેક કરવાની જરૂર છે કે સત્ય એક જુદી વાત છે, ને વ્યવહાર એક જુદી વાત છે. પરમસત્ય તે એક જ છે. વ્યવહાર અનેક છે, પણ સર્વદા સત્યને અધીન છે. પ્રત્યેક વ્યવહારમાં સત્ય વિના ચાલતું નથી, પણ તે વ્યવહાર સત્યરૂપ નથી. સર્વે વ્યવહારમાં જે સત્ય છે તે બધાં સત્યરૂપે એક રૂપ જ છે. પણ વ્યવહાર પરત્વે તેમના આકાર જુદા જુદા છે. એક વ્યવહારવાળો, તમામ વ્યવહારનાં સત્યને સમજી જ શકવો જોઈએ એવો નિયમ નથી. એમ ન જ હોય એમ અમે કહેતા નથી, પણ એમ જ હોવું જ જોઈએ એમ માનતાં અચકાઈએ છીએ. કુંભાર ઘણો ચતુર હોય તો ઘડા પારખી જાણે, માટે તરવારની ધાર વિશે કે ઈશ્વરના સ્વરૂપ વિશે પણ તેનો અભિપ્રાય ખરો જ હોવો જોઈએ એમ નથી. પોતપોતાના ધંધાનું સંપૂર્ણ સત્યરૂપ જ્ઞાન હોવું એ જ મુશ્કેલ છે. એટલું જ ખરેખરું હાથ થઈ શકતું નથી, તો તે ઉપરાંત વળી પારકાની વાત ડોળવા જવી એ કેવું અશક્ય છે. આમ છે ત્યારે માણસોએ પેલા રજવાડી કારભારીના ખુશામદીઆના જેવી ભૂલ ન જ કરવી. એક માણસ પોતાના અમુક કામમાં કુશળ હોય, યા પ્રારબ્ધવશાત્ કોઈ ઉચ્ચ ગણાતા સ્થાને ચઢ્યો હોય, માટે તેની વાત સર્વ વાતમાં પ્રમાણ ગણાય એવી સમજ સર્વથા ખોટી છે. ઉચ્ચ અધિકાર એ કાંઈ હમેશાં યોગ્ય અધિકારની બરાબર નથી. માણસની યોગ્યતા ઘણી વાર કરોડની હોય છે, છતાં તેનો અધિકાર કોડીનો હોય છે; ને એથી ઊલટું પણ વારંવાર નજરે પડે છે. અર્થાત્ જેનામાં સત્યપરાયણતા હોય તે ગમે તે અધિકારે કે ગમે તે સ્થળે પણ સત્યની તુલના કરવા સમર્થ હોય છે. સર્વેએ પોતપોતામાં એવી સત્યપરાયણતા આણવી. અને અમુક વ્યાવહારિક આકાર પરત્વે સપ્રમાણતા આરોપી ફસાવું નહિ.

એવા ફસાનાર કરતાં ફસવનારાની સંખ્યા આજકાલ થોડી નથી. આચાર્યો, ઉપદેશકો, અધિકારીઓ, અનેક પડેલા છે. અસ્તુ. કોઈ એમ પૂછશે કે એ બદા તો ભલે રહ્યા પણ આજ ઝળઝળતા ‘સુધારા’ના સમયમાં સર્વ વાતનું સૂક્ષ્મ અવલોકન કરી ‘સાયન્સ’ એ નામનાં પાશ્ચાત્ય શાસ્ત્રો દ્વારા શોધ કરનાર જે જણાવે તે ઉપર શા માટે પ્રત્યય ન કરવો? અમે તેમના ઉપર, કે તેમના જેવા કોઈ બીજા શોધકો ઉપર પણ, પ્રત્યય કરવાની ના કહેતા નથી. અમારી તકરારનું સ્વરૂપ જુદું જ છે. અમે સાયન્સવાળાથી પણ એટલે અંશે જુદા પડીશું કે તેઓ ‘આટલું જ સત્ય’ ને ‘બીજું હોઈ જ ન શકે’ એમ બોલે તે અમે સહન કરી શકતા નથી. છતાં એટલું તો સર્વથા સ્વીકારવું જ જોઈએ કે જે લોકો પોતે માનેલા નિશ્ચયને સત્ય ગણી અન્યને સમજાવે છે તેઓ લેશ પણ દોષને પાત્ર નથી, અર્થાત્ મન વાણી અને કર્મ ત્રણેની તેમનામાં એકતા છે. પણ જે આજકાલના લેભાગુ ધાર્મિકો, પેટને માટે અમુક વેશ, ઢોંગ, લઈ બેઠા છે, ને પોેતે જ જે વાત નિશ્ચયપૂર્વક જાણતા નથી, તે બીજાને ગળે ઉતારવા મથે છે, તેમને આપણે શું કરવું? તેવા પશુનાં શીંગડાં જ્યારે જુઓ ત્યારે ઊંચાં ને ઊંચા; એને ધક્કે જે ચઢ્યું તેનો પત્તો જ નહિ! અહો! એ પશુઓનાં શીંગડાંનો માર કોણે સહન નથી કર્યો? પણ શું તેથી સત્યનું અવસાન આવ્યું છે? કદાપિ આવનાર નથી. ખરા સત્યભક્તનું નિર્દોષ રુધિર પાછું સજીવ થઈ એ પશુઓને જ ખાય છે.

ત્યારે કોઈ એમ પૂછશે કે શું કોઈએ કોઈનું વચન માનવું જ નહિ? કોઈ ગુરુ કરવો જ નહિ? ભાઈ, અમે ક્યાં ગુરુ કરવાની ના કહીએ છીએ. ગુરુ તો દયાત્રેયે ચોવીશ કર્યા હતા, ને તમારે ફાવે તો ચોવીશ સો કરો; પણ ચોવીશ અને ચોવીશ સો સર્વનું તાત્પર્ય સમજો. શ્રીમદ્ભાગવતમાં ખાંડનારી સ્ત્રીને પણ એક બ્રાહ્મણે ચોવીશ ગુરુમાંની એક ગુરુ કરી છે—બે કંકણ ખખડતાં હતાં, માટે એક કાઢી મૂક્યું. તે ઉપરથી એકાન્તની મહત્તા શીખ્યો છે—ને એવી જ રીતે બીજા ઘણા, વેશ્યા, અજગર આદિ ગુરુ કર્યા છે—પણ મતલબ એ જ છે કે ખરો ગુરુ એનું મન અને એની આંખ એ જ છે. લાખ ગુરુ ઉપદેશ આપે પણ પોતાનામાં પોતાનું ગુરુપણું કરવાની શક્તિ ન હોય તો કશા અર્થની વાત નથી. સત્યને ગુરુ નથી, ને ચેલાએ શક્તિ નથી. ખરા ગુરુ તો તે જ કે જે સત્ય માટે પ્રાણ આપે, પણ સત્યને ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા તત્પર રહે. જે લોકોએ સત્યને સીમા બાંધી છે તે લોકો ગુરુ નથી. જેણે એમ જ ઠરાવ્યું છે કે સત્ય તે આટલું જ, ને બીજું બધું અસત્ય; જેના જ્ઞાનની તિજોરી ભરાઈ ચૂકી છે; તે કદાપિ પણ સપ્રમાણ થવા યોગ્ય નથી. તેવા પશુતુલ્ય, અસત્યબોધક, સંસારને દુઃખમય કરનારા નીવડે છે. પોતાને જે નિશ્ચય થાય તે સર્વદા આમરણ સિદ્ધ કરવો તથા સમજાવવો એ પરમધર્મ અને પરોપકાર છે. પણ તેમ કરતાં એ નિશ્ચય ઉપર કોઈ પણ તરફથી વિશેષ અજવાળું પડે તેવો સંભવ અટકાવવા માટે તેને પેટીમાં પૂરી તાળાકૂંચીમાં ઘાલી રાખી તે જ બધા પાસે કાન પકડી ખરો મનાવવો એ તો પશુબુદ્ધિ જ છે. સત્યને માટે જે માણસ પોતાનો પ્રાણ આપવા પણ તૈયાર હોય, તેને ઘટે છે, કે તેણે એ જ સત્ય સમજવામાં અન્યે બતાવેલી પોતાની ખામી પણ સહન કરવી, ને બતાવનારને પ્રેમપૂર્વક આદર આપવો, એ જ ખરું પ્રાણાર્પણ છે, ખરી સત્યભક્તિ છે. જે સત્યશોધક છે તેને કોઈ સાથે તકરાર થવાનો સંભવ જ નથી; તે તો જાણે જ છે કે માણસ સર્વદા ભૂલને પાત્ર છે, સત્ય સર્વદા સંતાતું ફરે છે, માટે ગમે તે સ્થલેથી ગમે તે દ્વારા પણ સત્ય શોધવામાં બાધ નથી—બાબા વાક્ય પ્રમાણ નથી.

જેઓ પારકાના વિચારે દોરાઈ કામ કરે છે ને પૂછશે કે અમે એટલો વખત ક્યાંથી લાવીએ કે બધી વાત જાતે નક્કી કરીને જ માનીએ; પણ અમારું કહેવું એવું છે જ નહિ. એમ હોય તો તો ઇતિહાસનો ઉપયોગ જ રહે નહિ. પણ એમ નથી. સપ્રમાણ સત્યવાક્યને ખુશીથી માનવું અને તેને સ્વીકારી તે પ્રમાણે ચાલવું. અમારો જે અનાદર છે તે આવી રીતે ચાલનારના ઉપર નથી; પણ બધા એવી જ રીતે ચાલો, બધા હું કહું તેને જ હાજી હા કહો એમ મનાવવા તૈયાર થયેલા પંડિતો, સાયન્ટિસ્ટો તથા આચાર્યો ઉપર છે. અમે તો અજ્ઞાનમય છીએ. કેમ કે જ્ઞાન કેવડું હશે તે અમે સમજવાનું ડોળ રાખતા નથી; પણ જેઓ જ્ઞાનને ગળે દોરો બાંધી બેઠા છે કે આટલું જ જ્ઞાન ને બીજું નહિ તેમના અમે લેશ પણ ભક્ત નથી, બલ્કે દુશ્મન છીએ. મનુષ્યમાત્રને પણ એ જ નીતિ ગ્રહણ કરવાની ભલામણ કરીએ છીએ. મહાપંડિત સૉક્રેટિસની પંડિતાઈ ‘હું કાંઈ જાણતો નથી’ એટલામાં જ હતી; ઉપનિષદોનું બ્રહ્મ પણ विज्ञातमविजानताम् ન જાણનારે જાણેલું છે; સત્યને સીમા નથી; માટે સત્યભક્તિ રાખી સર્વ ઉપર સમાન દૃષ્ટિ રાખો, તથા સર્વમાંથી સત્ય ગ્રહણ કરો એ જ તાત્પર્ય છે. મતાંધ ન થાઓ, વળી ફરી મળીશું. હાલ તો જય સત્ય. ‘પ્રિયવંદા’: એપ્રિલ, ૧૮૮૯