ગુજરાતી નિબંધ-સંપદા/મહેન્દ્રસિંહ પરમાર/શક્કરખોર તે ક્યાં ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 48: Line 48:
{{Right|(‘એતદ્’, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦)}}
{{Right|(‘એતદ્’, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/મહેન્દ્રસિંહ પરમાર/પરોઢ પછી વરસાદ અને...|પરોઢ પછી વરસાદ અને...]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/યોગેશ જોશી/આંબો ટહુક્યો કે કેરી?|આંબો ટહુક્યો કે કેરી?]]
}}

Latest revision as of 11:08, 24 September 2021

શક્કરખોર તે ક્યાં ગયો

મહેન્દ્રસિંહ પરમાર

પ્રિય નીતિનભાઈ,

તમે ફોન પર એક-દોઢ વરસથી પ્રેમસભર ઉઘરાણી કરતા. ક્યારેક રાજેશ જેવા મિત્રો મારફત કહેવડાવતાઃ ‘  ‘એતદ્’ માટે નિબંધ મોકલ. મેં જીભ કચરેલી, ગમતાં પંખીઓમાંથી શક્કરખોરાએ મનમાં માળો બાંધ્યો છે. એના વિશે લખી મોકલું છું. ગયા ઑગસ્ટમાં મુંબઈ આવવાનું થયેલું. અમૃત ગંગરે એન.સી.પી.એ.માં રૂપાંતર- શ્રેણીનો આરંભ કરેલો. લોર્કાના નાટક પરથી બનેલી ગોવિંદ નિહલાણીની ફિલ્મ ‘રુકમાવતી કી હવેલી’ વિશેના સુંદર કાર્યક્રમમાં મારા વિદ્યાર્થીઓને લઈને આવેલો. ત્યારે પણ તમને ફોન કરવાની ઇચ્છા હતી પણ ગજવામાં નિબંધ હતો નહીં એટલે કયા મોઢે ફોન કરું? સવારના ભાગે સેજલ (શાહ)ની કૉલેજમાં વિદ્યાર્થીઓ પાસે વાતો કરવા જવાનું થયું, તમારી વાત નીકળી ને સેજલે તમને ફોન જોડી દીધો! થયું, પૂછે નહીં તો સારું! તમારો પહેલો પ્રશ્નઃ નિબંધ લાવ્યો? ભાવનગર જઈને મોકલું જ છું — પછી તો મોકલીશ… મોકલું છું…ની વાયદાબાજી કરતો વાયડો વાયદાશાસ્ત્રી શક્કરખોરની વાત માંડવાને બદલે પોતે ઊડતો-ભટકતો રહ્યો.

૧લી જૂને હિમાચલનાં અતિરમણીય ચિણ્ડીમાં આભઊંચાં દેવદાર-પાઈનનાં જંગલમાં વિહરતો હતો ને મોબાઇલમાં મૅસેજ રણક્યોઃ Nitin Mehta is no more. મન ખાલી ખાલી થઈ ગયું. એ સાંજ બહુ ખાલી ખાલી થઈ પડી… આવું કરવાનું સંપાદકશ્રી? શક્કરખોરાના નિબંધની રાહ તો જોવી જોઈએ કે નહીં? તે સાંજે આસપાસનાં ઊડતાં બધાં પંખીઓ શક્કરખોરા જ લાગ્યા મને. ખટકો રહી ગયોઃ મારા શક્કરખોરાની લીલા તમને સંભળાવું એ પહેલાં તમે કોણ જાણે કયો મધુસંચય કરવા ઊ(પ)ડી ગયા?

પછી તો ‘શબ્દસૃષ્ટિ’ ને ‘ઉદ્દેશ’, ‘પરબ’ ને ‘સમર્પણ’માં સ્વજનો-મિત્રોએ આપેલી પ્રેમભરી અંજલિઓના અક્ષરો વચ્ચે મારા શક્કરખોરાએ પણ ઊડાઊડ કરી મેલી. થયું કે એને ચમકીલા-તડકીલા કાળા રંગની ઝાંયમાં બાંધી તમને મોકલી જ આપું. બાકી તમને કઈ અંજલિ આપું? નથી તમારી સાથે કોઈ નિમિત્તે રહ્યો, નથી તમારી પાસે ભણ્યો! હા, એક રીતે તમારો વિદ્યાર્થી ગણાઉઃ વડોદરાના રીફ્રેશર કોર્સમાં તમારી પાસેથી લોકપ્રિય સાહિત્ય, ટેરી ઈગલ્ટન ને ‘યલોપેજીસ’ (કે એવાં કશાંક) નામની ચોપડી વિશે સાંભળ્યાની સાંભરણ છે. ‘સંનિષ્ઠ અભ્યાસી’ મહેન્દ્રને તમે મોકલેલાં ‘અપૂર્ણ’ની પહોંચ પાઠવવાની દરકાર પણ મેં નહોતી કરી. ‘સંનિષ્ઠ’ અને ‘અભ્યાસી’ પદો વચ્ચે જ ફસડાઈ પડેલું મારું ગાડું! આ બધું આમ ઊભરાઈ રહ્યું છે ભીતરથી, શક્કરખોરાના નિમિત્તે. એક સામયિકનો સંપાદક કેવા ઉમદા હેતુથી કોઈ લેખક પાસે અપેક્ષાઓ રાખ્યા કરેઃ ‘નિબંધ આપો… નિબંધ…’ તમારી એ નિર્મળ ઉઘરાણી આજે સજળ અજંપો બનીને…

અજંપાની આ અવસ્થામાં મનોજ ખંડેરિયાની કવિતા સકારણ મંડરાતી રહે છેઃ

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તૉર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી આ નગરની વચોવચ હતો એક ગુલમહોર તે ક્યાં ગયો, કોઈ કહેતું નથી.

આ ક્ષણે આ શબ્દોનું આમ ઊપસી આવવું પેલા મારા શક્કરખોરાને કારણે છે. તમને મોકલવા ધારેલા મારા ‘નિબંધ’માં હું જે પંક્તિઓ ટાંકવાનો હતો તે-એનો સંદર્ભ હવે બદલાઈ ગયો છે છતાં — તમે સાંભળોઃ

સાવ સૂની બપોરે ઘડી આવીને એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી આંખમાં આંસુ આંજી અચાનક શકરખોર તે ક્યાં ગયો… કોઈ કહેતું નથી…

ત્યારે તો હું એમ કહેવાનો હતો કે ક્યાંય ગયો નથી. આ રહ્યો. આ ઊંડે મારી આસપાસ. હીંચકાની સામેના સરગવા પર, નીચે કરેણની હાંડીમાં, ગરમાળાનાં ઝુમ્મરો વચ્ચે આ રહ્યો. આ રહ્યો. અહીં જ છે. પણ હવે કવિના શબ્દો જ સાચા. ક્યાં ગયો? કોઈ કહેતું નથી. કવિએ તો એક જ ‘ક’ યોજવો પડ્યો. હું ગદ્ય લખું છું એટલે ‘ક્ક’ યોજી શકું છું. શક્કરખોર તે ક્યાં ગયો? કોઈ કહેતું નથી!

કોણ કહે છે, નામમાં શું છે? જુઓ નામોની લીલાઃ ‘પર્પલ સનબર્ડ’ એવું અંગ્રેજીમાં કહો એટલે સૂર્યપ્રકાશનું વાદળી, જાંબલી, લીલા કે સોનેરી રંગમાં રૂપાંતર કરી ‘નાખતું’, પહેલી નજરે કાળું લાગે પણ સોનેરી કિરણોથી ઝાંયમાં જાદુઈ રંગોને પરાવર્તિત ‘કરતું’ વાંકી લાંબી અર્ધચંદ્રાકાર ‘ચાંચવાળું’ પંખી દેખાય. શક્કરખોરો બોલો કે લિંગ બદલાઈ જાય. ફૂલ-ફૂલ પર મધુસંચય ‘કરતો’, ક્યારેક તો ડાયાબિટીસ થઈ જવાની ભીતિ ઊપજે ‘એવો’ નાનું સરખું કદ છતાં પુંસક ચૈતન્ય ‘ધરાવતો’ આ જણ પાંખો વીંઝવા લાગે. ને લોકજીભે તો વળી એનું નવું જ નામઃ સ્ત્રીલિંગમાં. ફૂલસૂંઘણી! હરી તારા ત્રણ-ત્રણ નામ! ત્રણે નામે કંકોતરી લખો, રૂ-બ-રૂ મળ્યાતુલ્ય અનુભવ જરૂર થશે.

કરેણનાં પીળાંધમરક ઝુમ્મરિયાં ફૂલ ઉપર ઝળૂંબતો (-ઝળૂંબતી-ઝળૂંબતું!) શક્કરખોરો જુઓ તો જોતા રહી જાઓ. એની અહિંસક શક્કરખોરી. ફૂલની મીઠપને એની વાંકી ચાંચ અને પાતળી સ્ટ્રો જેવી જીભથી ચૂસી લેતો શક્કરખોરો આટલી મીઠાશ સંઘરતો ક્યાં હશે? એમ તો પાછો પરાગરજનાં સાટાં પણ કરતો હોય. કોઈ હિંસક માણસને તો એને રાંધીને ખાઈ જવાનુંય મન થાય. પેલી મગરીની જેમ. જાંબુ આટલાં મીઠાં છે તો દરરોજ એને ખાનારા વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે? એને આમ ઊડતો જોઈને, મધ ભેગું કરતો જોઈને જ આપણું કાળજું મીઠું મધ થઈ જાય.

‘તને પીતાં નથી આવડતું’ એમ શક્કરખોરાને નહીં કહી શકાય. મારી અગાસીએ ઝળુંબતા સરગવા પર એની લીલાઓ જોવાનો આનંદ ઘૂંટડે ઘૂંટડે પીધો છે. સરગવાના ફૂલગુચ્છાઓ પર મંડરાયેલો હોય. સરગવાની શીંગે પંડ્યનાં પાથરણાં કરી દીધાં હોય. એના પર ઝૂલતો હોય. (‘પાથરણાં કેમ કરું પંડ્યનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ’વાળી કાવ્યનાયિકા જેવી ફરિયાદ સરગવાની શીંગને નથી હોતી.) ત્યાંથી ટેકઑફ કરીને ફૂલોનો રસ લઈ લેતો હોય. પિવાઈ જાય એટલા ‘વીચી…ચ્વી…વી…’ એવી કિલકારી કરે. એ એનો વિજયનાદ હોય! ક્યારેક રીત બદલે. હવામાં ઊડતો રહે ને ચાંચ ફૂલમાં નાખે ત્યાં સુધી પાંખો એક જ જગ્યાએ સ્થિર ફરફરતી હોય. પેલાં ત્રણ નામો તો ખરાં જ, મેં એનું નામ પાડ્યું છેઃ રમતો જોગી. એને ભાળું એટલે સુખવિંદરે ગાયેલું ગીત ગણગણવા લાગુંઃ ‘સારી મધુશાલા પી આયા, એક પલ મેં સદીયાં જી આયા, મેં પી આયા… મૈં પી આયા… મૈં પ્રેમપિયાલા પી આયા… એક રમતા જોગી, એક રમતા જોગી હો રે… હો… રે…’

ઇટાલીની વાઇનરીમાં ટેસ્ટ સુપરવાઇઝર તરીકે આપણો આ રમતો જોગી બરાબર જામે કે નહીં? એનાં રસપાત્રો બદલાતાં રહે. ફૂલડાંકટોરી બદલાય તેમ રંગસંયોજનોની પણ ભાતભાતની ભાત રચાય. જાસુદનો કેસરી અને શક્કરખોરાનો ભૂરાશ પડતો કાળો, કરેણનો પીળો અને શક્કરખોરો, ક્યારેક ટગરીનો સફેદ અને શક્કરખોરો, આકડાનાં ફૂલ અને શક્કરખોરો. તમે ફૂલનાં નામ લેતાં જાઓ ને એનાં બદલાતાં રંગની સાથે આ ભૂરિયા-કાળિયા, કબૂતરની ડોક જેવા નીલરંગ બ્લેક બ્યૂટી સનબર્ડના રંગો ગૂંથતા જાઓ. રંગો જ નહીં, ફૂલોના બદલાતા આકારો ને આની ગતિ પણ સાથે જોડતા જાઓ. બદલાતી સૂર્યછટાઓમાં શક્કરખોરના બદલાતા રંગોની ઝાંય તમે એક વાર જોઈ હોય તો પછી ગમે ત્યારે તમારી નજર પડે તો તમને સ્થિર કરી દે.

મારા ખોડિયાર મંદિરની પછીતે એક આંકડો છે. આંકડા સાથે એક હનુમાનજીની દોસ્તીની ખબર હતી. આ માળો બીજો એવો ભડ પાક્યો. આકડાનાં ફૂલમાં એવી કઈ મીઠાશ હશે! કોઈ વનસ્પતિશાસ્ત્રીને પૂછશો તો વૈજ્ઞાનિક જવાબ આપશે. શક્કરખોરાને પૂછશો તો જુદો જ જવાબ આપશે. મંદિરે આવું એટલે બીજું બધું પછી – દર્શન પણ. પહેલાં આકડે ધ્યાન ધરું. આજ રમતો જોગી આવ્યો નથી. કાં આજ દેખાતો નથી. ક્યાં ગયો? ‘કોઈ કહેતું નથી’ બોલવાની જરૂર પડે ત્યાં તો ‘વીચ્ચ…’ કરતો આવ્યો હોય. ડાબો-જમણો, જમણો-ડાબો ને ક્યારેક તો ઊંધો પડીને ફૂલ સૂંઘતો હોય. તૃપ્તિનો ઓડકાર ખાઈને ફરી ફૂર્‌ર્‌ર્‌ર્… ક્યાં ગયો? હા, એ રહ્યો સોનચંપાની કટોરીઓ ઢંઢોળતો! ઝાંઝરિયા હનુમાને શનિવારે આંકડાનાં ફૂલની માળાઓનો ઢગલો હનુમાનજી પર થયો હોય. હું નજર દોડાવું. આંઈ તો પહોંચ્યો નથી ને! ઋતુકાળ સિવાય રંગે સાવ રાંક થઈ જાય બિચારો… એની માદા જેવો. છાતીએથી રંગ ઝાંખો થઈ ગયો હોય, માદા બિચારી બારેમાસ એવી જ, લો-પ્રોફાઇલ. પણ આ ભાઈ તો માળા પાછા રંગવટ્ટનો કટ્ટકો થઈ એના સમયે બહાર પડ્યા હોય.

એનું રોજિંદું દર્શન કરવા ટેવાયેલો હું. જ્યારે જોઉં ત્યારે નરી-નકરી પ્રસન્ન-સભરતા જ પામતો રહું. એટલે તો કવિની કવિતાથી રાજી નહોતો. ‘આંખમાં આંસુ આંજી’, ‘ફળિયું ભરચક’ ભરી જતા રહેલા શક્કરખોરાનો અનુભવ હું નહોતો પ્રમાણી શકતો. — એની કાવ્યકલાને સલામ ભરતો હોવા છતાં (આપણા બીજા કવિએ ‘ઊંટ ભરીને આવેલાં અંધારાં’ કોઈ લીએ આંજવા આંખ કહેલું–’ કવિયુગ્મોની અંજનપ્રયુક્તિ તો જુદી જ હોય ને!) પણ મારો શક્કરખોરો, મારું સનબર્ડ, મારી ફૂલસૂંઘણીએ આજ સુધી ઇચ્છાદર્શનનું વરદાન આપી મને હંમેશાં તરબોળ જ કરેલો.

એટલે તમે ફોન કરી નિબંધ માંગ્યો ત્યારે મારાં હૃદયકરેણ પર સદા પાંખો વીંઝતા શક્કરખોરાની વાત તમને કરવાનું મન થયેલું. ‘કરીશ’ એવું વચન આપેલું. કહું એ પહેલાં તમે જ આંખમાં આંસુ આંજી ઊડી ગયાં. એટલે ફળિયાનો ખાલીપો અજંપાથી ડોલવા લાગ્યો. આવા જ ઉત્સાહથી તમે કવિતા, સાહિત્યના ફૂલો પર ઝળૂંબ્યાં હશો. મળ્યું હશે પૂરેપૂરું તોય ‘અપૂર્ણ’ કહી ‘વીચી… ચીચી… વીઈ…ચ’નો ટહુકો કર્યો હશે.

કોઈ અજબ કારણથી હવે તમારું અને મારા એ પ્રિય સાથીનું એસોસિયેશન થઈ ગયું. એને જોઉં એટલે આછો રણકો ઊપડેઃ મેં નિબંધ ન મોકલ્યો. પ્રિય સંપાદક, લો, આજે બેય રમતા જોગીઓને ભેગા કરી દઈને હું પેલા કિંગફિશરે તળાવનાં પાણી પર પાંખોના ચરખાથી હવામાં રચેલી જાળમાં ફસાઈ જવા ભાગી છૂટું?

ભાવનગરથી… તમારો,
મહેન્દ્ર.
(‘એતદ્’, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦)