ગુજરાતી નિબંધ-સંપદા/મુકુન્દરાય પારાશર્ય/દાનો કોળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''દાનો કોળી'''}}
{{SetTitle}}
----
{{Heading|દાનો કોળી | મુકુન્દરાય પારાશર્ય}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દાનો એટલે ડાહ્યો. ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા કોઈ ગુણ પરખાયા પહેલાં જેનું નામ દાનો હતું અને પચી જેના વિશે ‘નામ તેવા ગુણ’, ‘દાનો તો દાનો છે’ એમ કહેવાતું અને હું જેને દાના ભાભા તરીકે ઓળખતો તે દાના કોળીની આ વાત છે.
દાનો એટલે ડાહ્યો. ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા કોઈ ગુણ પરખાયા પહેલાં જેનું નામ દાનો હતું અને પચી જેના વિશે ‘નામ તેવા ગુણ’, ‘દાનો તો દાનો છે’ એમ કહેવાતું અને હું જેને દાના ભાભા તરીકે ઓળખતો તે દાના કોળીની આ વાત છે.

Revision as of 06:11, 28 June 2021

દાનો કોળી

મુકુન્દરાય પારાશર્ય

દાનો એટલે ડાહ્યો. ઈમાનદાર, વિવેકી, ઉદાર. આવા કોઈ ગુણ પરખાયા પહેલાં જેનું નામ દાનો હતું અને પચી જેના વિશે ‘નામ તેવા ગુણ’, ‘દાનો તો દાનો છે’ એમ કહેવાતું અને હું જેને દાના ભાભા તરીકે ઓળખતો તે દાના કોળીની આ વાત છે.

કોટડા-સાંગાણી ગામને ફરતો ગઢ હતો. એ ગઢ બહાર પૂર્વ દિશામાં એના બાપ એક ઝૂંપડામાં રહેતા. ત્યાં ઈ.સ. ૧૮૭૦ની આસપાસ દાનાના જન્મ. ત્યાં જ ઉછેર. ગઢમાં ગામ, ગામ બહાર વસ્તી હતી, પણ ન જેવી. આ દરવાજાની પૂર્વે નદીકાંઠે કબ્રસ્તાન, આગળ નિર્જનતા. દક્ષિણે નદીને સામે કાંઠે પંચનાથનું મંદિર, ત્યાં બાવાની મઢૂલી. સામે સમાધિની વાડી. દાનાનો ઉછેર આ નિર્જનતામાં થયો.

કબ્રસ્તાનથી જરા છેટે મારા પિતાનાં બે ખેતર હતાં, શિયાળાની એક સવારે મારા પિતા સાથે હું ખેતરે આવેલો. મારી દશબાર વર્ષની વય હશે. ખેતરને ખૂણે ચણીબોરનાં જાળાંમાથી બોર વીણી ખાતો’તો ત્યાં મારા પિતા સાથે દાનાભાભા આવ્યા. મને હજી એ યાદ છે. આધેડ વય, કાળો વાન, ચોરણી, કેડિયું, માથે પાઘડી, ને ખેસ પેઠે ખભે નાખેલી પછેડી. આ એનો વેશ. મને ખાસ તો એની ફરતી કરચલીઓ પડેલી ચળકતી હેતાળ આંખો યાદ આવે છે. મને એણે કહ્યું કે કબ્રસ્તાનમાં બોર બહુ મીઠાં થાય છે. તેં ખાધાં છે? હું જોઈ રહ્યો. કબ્રસ્તાનમાંથી બોર ખવાય એવી કલ્પના જ ન હતી, વળી ત્યાં જવાય જ નહિ એવી સમજ હતી. તેણે કહ્યું: ‘નથી ખાધાં? હાલ ખવરાવું.’ હું તો નવાઈથી થંભી રહ્યો. મારા પિતાએ કહ્યું: ‘બાળપણમાં જે જોયું-ખાધું હોય તે મીઠું જ લાગે. ગમી જાય.’ તેમણે કહ્યું: ‘ખરી વાત છે વજુભાઈ, હું તો હવે ગોંડલ કામ કરું છું પણ મન આ સીમમાં દોડ્યું આવે છે.’

દાનાના બાપ મારા દાદા પાસે રહેતા, દવા ખાંડતા. અમારા કુટુંબમાં પ્રસંગે પ્રસંગે પોતાના બાળપણ વિશે દાનાએ આવું કહેલું કે ગઢ સામે નદીમાં માણસો નાતાં હોય, બાયું બેડાં ભરતી હોય, કપડાં ધોતી હોય, જોવું ગમે. તોય હું તો ઉપરવાસ નદીકાંઠા હાલ્યો જાઉં. ન હોય માણસ, ન હોય ઢોર. નદી વહેતી હોય. કાંઠે ક્યાંક પંખી હોય. હું તો વેનની વચાળે પાણા પર બેસી માછલિયું જોઉં. બપોર કેડે મારા બાપા ગોતવા નીકળે તો ત્યાંથી હું જડું. પાણીમાં અને કાંઠાનાં ઝાડપાનમાં જીવ રમ્યા કરે. ઝાડ મારાં ભેરુ. ગામમાં જાઉં. સૌને ઓળખું, પણ નદીનાં પાણી, ભેખડું ને ઝાડપાનને કાંક વધારે ઓળખું ગોઠે એની હારે. છોડવાનાં નામ ને ગુણ કાનજીબાપાએ સમજાવ્યાં તે સમજું, પણ ઘણું ભૂલી ગયો. એક વાર એવું થયું કે કાનજીબાપાએ બે દોથા ખડસલિયો વીણી લાવવા મને કહેલું, દી ઊગ્યે નદીકાંઠે ફરતો’તો. ખડસલિયા જોયા. વહેલી સવારની ઝાકળ પડેલી. સામે લીલો પટ. પટમાં પાને પાને ટીપાં. ટીપે ટીપે અજવાળાં ઝગે. જરા વા વાય, ખડ હલે ને ટીપાં વેરાય. હું છોડ ખેંચી ન શકું. વાંકો વળું, હાથ પાછો ઠેલાય. વળી થાય કે બાપાએ મંગાવ્યા છે ને ગામમાં તાવનો કાળો કેર છે. માયા મેલીને એક દોથો ખેંચ્યા. બાપાએ પૂછ્યું: ‘બેટા, કેટલા લાવવા કીધું’તું?’ મેં કીધું: ‘બે દોથા. પણ બાપા, મારાથી એ નૈં ખેંચાય.’ બાપા રાજી થયા. પછી મને કોઈ દિ’ઈ કામ ચીંધ્યું નથી. જાતે જાતા.

ઈ.સ. ૧૮૭૯માં ઠાકોર તોગાજીનું અવસાન થયું. કુંવર મૂળવાજી સગીર હોવાથી રાજકોટ કોઠીએ વહીવટ સંભાળી કારભારી તરીકે જેમને મૂકેલા તે પીઢ વયના ને ઘણા વ્યવહારકુશળ હતા. સાથે નવા રુઆબના ને રૂઢિરિવાજ તરફ ખાસ્સો અણગમો દેખાડનારા હતા. રૂઢિચુસ્ત દેવી ભક્ત રાજમાતા જામબાનો ‘ભગતડી’ નામથી ઉલ્લેખ ગમે તેને મોઢે કરતા. કાનજીભાઈ કેલળ રાજવૈદ્ય ન હતા. રાજકુટુંબ એમને ગુરુ તરીકે ગણતું. એ વૈદ્ય પ્રત્યે પણ કારભારીને અણગમો હતો. કાભારીની ઑફિસ દરબારગઢ પાસે હતી. એક વખત કોઈક માંદું હોવાથી તબિયત જોઈ આવી વૈદ્યે દવાનાં પડીકાં રાજમાતાને હાથોહાથ દેવા દાનાને મોકલ્યો. એ દઈને પાછો ફર્યો ત્યારે દરવાને તેને કારભારી સાહેબને મળવા ઉપર મોકલ્યો. પ્રશ્નોના જવાબમાં દાનાએ હતું તે કહ્યું ત્યારે કારભારીએ કહ્યું કે તારે દરબારગઢમાં આવવું નહિ. જો ફરી ભગતડીને કામે આવ્યા છો તો પરોણેથી બરડો ફાડી નાખીશ. ‘ભગતડી કોણ?’ દાનાથી પૂછી જવાયું. ‘કોણ શું? જેને તું રાજમાતા કહે છે તે.’ એવો જવાબ સાંભળી જેનો મૂછનો દોરો હજી ફૂટતો હતો એ દાનો છંછેડાઈ ગયો, પણ ગમ ખાઈ બોલ્યો કે ‘મારે ક્યાં કામ છે? વૈદ્યબાપાએ પડીકાં દેવા મોકલ્યો એટલે આવવું જ પડે ને?’

એક વખત કારભારીનો થોડો સામાન રાજકોટથી આવવાનો હતો. ત્યારે રેલવે ત્યાં ન હતી. રાજકોટ જેતલસર રેલવે તા. ૧૨-૪-૧૮૯૩થી શરૂ થઈ. સામાન ગાડામાં ચડાવવા-ઉતારવા માટે કોટડેથી ગાડાવાળા સાથે કોઈને મોકલવા માટે વિચારતાં કારભારીની નજર દાના પર પડી. દાનાને એ પલોટવા માગતા’તા. કારભારીએ દાનાને બોલાવી ગાડા સાથે જવા હુકમ કર્યો. દાનાએ ના કહી. તેને સમજાવવામાં આવ્યો, ને છેવટે ન માન્યો ત્યારે એને લાકડીઓ મારવા કારભારીએ પટાવાળાને હુકમ કર્યો. પટાવાળાએ લાકડી ધીમેથી મારી. એનો કંઈ અર્થ નહિ, એમ સમજનાર કારભારીએ પોલીસ-ચોકીદાર અલીભાઈને હુકમ કર્યો અને હુકમ મુજબ, કારભારી ખુશ થયા તેવી તેણે બે વખત લાકડી દાનાના બરડામાં ફટકારી. દાનો તો માન્યો જ નહિ. આ વાત ગામમાં ફેલાઈ ગઈ. બધાને નવાઈ લાગી. ઘણાને દુઃખ થયું. પણ કારભારીને વિશ્વાસ હતો કે મારની અસર જતા દિવસે થશે જ. એમની આગાહી જતા દિવસે ખરી પડી. દાનો કારભારીનું ચીંધ્યું કામ કરવા લાગ્યો, વગર ચીંધ્યે ફળિયું વાળવા લાગ્યો, તેમ તેમ તેને વધુ કામ સોંપવામાં આવ્યું. ઘર વાળવું, ગાદલાં પાથરવાં, સવારે ઉપાડવાં, બધું જ કરવા લાગ્યો. નોકરીની આશા આપી કારભારી દાનાના ભલા માટે પલોટતા હતા. દાનો એમને ત્યાં ખાતો-પીતો નહિ. વહીવટકુશળ માણસને ત્યાં ઘરેણું કે પૈસોપાઈ ગમે ત્યાં પડ્યાં હોય એવું ન જ બને. છતાં દાનાને ક્યારેક એ વાળવામાં આવતાં ને એ સોંપી દેતો. કારભારી કે’તા કે દાનો હાથનો ચોખ્ખો લાગે છે. પણ છે ગમાર.

આમ એકાદ-બે વર્ષ ગયાં પછી દાનાએ કારભારીને પગે લાગી કહ્યું કે મારા બાપે મને પરણાવ્યો છે. હવે રાજી થઈ રજા દ્યો તો ગોંડલ જઈ મજૂરી કરી ખાઉં. બે રૂપિયાના માસિક પગારથી રાજમાં ફરાસ તરીકે નોકરીએ રહેવા કહ્યું ત્યારે બાપથી જુદા રહેવાની પોતાની ઇચ્છા જણાવી દાનાએ નોકરી લેવાની ના કહી. કારભારીની રજા લઈ એ ગોંડલ ગયો. મહિને-પંદર દા’ડે બાપા પાસે આવતો ત્યારે કારભારીને સલામ ભરી જતો.

આમ બેએક વર્ષ ગયાં પછી દશેરાની રાતે હેરત પમાડે તેવો બનાવ બન્યો. કારભારીને ડેલે પહેરો ભરતા પોલીસ-ચોકીદાર અલીભાઈનો બુકાની બાંધેલ કોઈ માણસે લાકડીના એક ફટકે સાથળેથી પગ ભાંગી નાખ્યો. કારભારી જાગ્યા. ઘરમાં તપાસ કરી તો તિજોરી ખોલેલી હતી. રૂપિયાની એક કોથળી ન હતી. હુકમ થતાં જ ગામમાં પોલીસ ફરી વળી. ગઢના દરવાજા રાતે બંધ રહેતા. હરામખોર ગુનેગારને પકડ્યા વગર એક પણ ડેલો ન ખોલવા હુકમ થઈ ગયો. તપાસમાં કોઈ પકડાયું નહિ. પગી પગેરું પારખી શક્યો નહિ. સૂરજ ઊગ્યે દરેક દરવાજે પોલીસચોકી તળે બૈરાંને પાણી ભરવા દેવાની ને બીજાને જોઈ-તપાસી જવા દેવાની છૂટ આપવામાં આવી. વાત ફેલાતી ગોંડલ પહોંચી. તે રાતે દાનો કારભારીને મોઢે આવી ગયો ને પછી અલીભાઈને મળી આવ્યો. દિવસો ગયા. કોઈ પકડાયું નહિ. તપાસ સિવાય, શક ઉપરથી કોઈની મારઝૂડ કરવામાં આવી નહિ. જેમ આવતો તેમ પંદર દિવસે, મહિને, દાનો આવતો ત્યારે કારભારીને સલામ ભરી જતો.

એ કારભારી નિવૃત્ત થતાં કોઠી સરકારે તેના જ પુત્રને કારભારી તરીકે નીમ્યા. દીકરાએ બાપની રીતરસમ બરાબર જાળવી રાખેલી. વિકસાવેલી, એમ પણ કહેવાતું. થોડા વખતમાં મૂળવાજી ગાદીએ બેઠા ને સત્તા હાથમાં લીધી. એ કારભારી તરીકે ચાલુ રહ્યા અને પોતાના સ્વભાવ પ્રમાણે બીજાના દેખતાં ઠાકોરને સુધ્ધાં હુકમ આપતા હોય તે અદાથી વાત કરવાનું ચાલુ રાખ્યું.

એ અરસામાં દાનાના બાપ ગુજરી ગયા. મા પાસે રે’વા દાનો પાછો કોટડે આવ્યો. નિવૃત્ત કારભારીએ દાનાને રાજમાં રાખી લેવા ભલામણ કરી પણ ‘એમાં બોણી નથી’ એમ યુવાન કારભારીએ કહ્યું ને તેણે વૈદ્યરાજને ભલામણ કરી. ઝાડને ભાંડું ગણનારો એ જ દાનો દવા ખાંડવા વૈદ્યને ત્યાં રહ્યો. એ કહેતો: ‘અનુભવે હુંયે રીઢો થઈ ગયો છું. ખેડુ નીંદામણ ને લણણી કરે, કસાઈ બકરાં કાપે એમ હુંયે ઝાડપાન તોડું, અ-ચાલે ક્યારેક છાલ પણ લઉં, પણ મૂળમાંથી ન ખેંચું.’

એક વાર અરજે આવેલ ગામલોકોના દેખતાં નારાજ થઈ કારભારીએ મૂળવાજીને પ્રજાજનો સાથે રાજા તરીકેના રુઆબથી વર્તવાની સલાહ આપી. બીજા પ્રસંગે, રાજમાતા પાસે ફરી છૂટથી જવાઆવવા લાગેલા હવેલીવાળા વાઘજીભાઈને રૂબરૂ બોલાવી ઠપકો આપી કારભારીએ તેમ ફરી ન કરવા સલાહ આપી. એક સાંજે ગૌશાળામાં જઈ ઠાકોરને પગે પડી દાનાએ પૂછ્યું: ‘બાપુ, ગામધણી કોણ? આપ કે કારભારી?’ આમ પૂછી પછી કારભારીની તોછડાઈ સહન ન કરવા વિનંતી કરી. ઠાકોરે કહ્યું: ‘હું હજી બિનઅનુભવી છું. કેમ કામ લેવું તે વિચારું છું. બાકી કારભારી બાપ-દીકરીએ પંદર વરસ વહીવટ કરી મારા રાજને આવું બનાવ્યું છે. એમનું કહેવું-કરવું રાજના ભલા માટે હોય.’

દાનાએ કહ્યું: ‘એવી મોટી વાત હું ન સમજું. લોકવરણ કે’વાઉં. સીધું સમજું. નાનામોટાની રીત તો હોવી જોઈએ ને?’

‘એ તો ભાઈ, મારે, તારે, બધાએ સમજવાનું છે ને?’ એવા ઠાકોરના સામા સવાલથી સમાધાન લીધા વગર દાનો પાછો ફર્યો.

ત્યાં તુરત ત્રીજો પ્રસંગ બન્યો. મકરસંક્રાંતિને દિવસે રાજમાતાએ બ્રાહ્મણોને ધોતિયાં દેવા માટે સ્થાનિક જે વેપારીને ધોતિયાંની એક ગાંસડી મોકલવા કહેલું તેણે સંક્રાંતિને દિવસે સવારમાં પહોંચતાં કરીશ, એવી મહેતલ આપી હોવા છતાં બપોર થવા આવ્યા ત્યાં સુધી માલ ન મોકલ્યો ને છેવટ ‘મારો માલ રાજકોટથી ન આવ્યો એટલે લાચાર છું’ એવો બચાવ કર્યો. ઠાકોરે મારતે ઘોડે ગોંડલથી ધોતિયાં મંગાવી લીધાં. પણ એમને એવી બાતમી મળી કે ધોતિયાં ન આવવા પાછળ કારભારીની વેપારીને એ જાતની સૂચના હતી.

એ પછી બેચાર દિવસમાં જ અઘટિત બનાવ બન્યો. વેપારીની દુકાનનું છાપરું તોડી, દુકાનમાંથી બીજું કાંઈ નહિ, ફક્ત ધોતિયાંની એક ગાંસડી કોઈ ચોરી ગયેલું, ને ઘણા બ્રાહ્મણોના ફળીમાં એક એક ધોતીજોટો કોઈ ફેંકી ગયેલું! એ સાથે જ કારભારીના ઘરમાંથી રૂપાના વાસણની ચોરી થઈ. ડેલે ચોકીદાર હતો, ઘરનું છાપરું કે પછીત કંઈ તોડેલું ન હતું છતાં એ કેમ બન્યું તેનું આશ્ચર્ય ફેલાયું. અગાઉના જેવી કાર્યવાહી થઈ. ચોર હાથ ન જ લાગ્યો. પોતપોતાના ઘેરથી બ્રાહ્મણો ધોતીજોટા દરબારમાં સોંપી આવ્યા, વેપારીએ મેળવી લીધા. તેમાંથી કંઈ ન ગયું, ફક્ત કારભારીનાં ઠામ હાથ ન આવ્યાં.

થોડી દિવસો પછી ઠાકોર સાહેબ કારભારી તથા પ્રતિષ્ઠિત ગામલોક સાથે બેઠા હતા ત્યાં જઈ સલામ ભરી દાનાએ કહ્યું: ‘બાપુ, કારભારી સાહેબને ત્યાં ને વેપારીને ત્યાં ખાતર પાડ્યું તેમાં આપનો હાથ હોય તો હોય, એવું ગામમાં બોલાય છે.’

‘કોઈ એમ બોલતું નથી.’ કડકાઈથી કારભારીએ કહ્યું.

‘આપ મોટા માણસને મોઢે કોઈ એમ નો કે’, પણ હું જાણું છું, કો’ તો એવાને લાવી મોઢે કરાવું. પણ હું તો ઈ કે’વા આવ્યો’તો કે આમાં બાપુનો હાથ નથી, ઊલટાના ઈ કોચવાય છે. કચેરીમાં કૌં છું કે બાપુ કૈં જાણતા નથી. એમના પર આળ આવે છે ઈ હુંથી નથી ખમાતું.’ દાનાએ કહ્યું.

ઠાકોરે કહ્યું: ‘ભાઈ! હું રાજા હોઉં ને મારા જ ગામમાં ચોરી થાય, થાતાં થાય, પણ જો એ પકડાય નહિ તો શંકા થાય.’

‘તો હું ઈ કે’વા આવ્યો છું કે ખાતર મેં પાડ્યું છે.’ દાનાએ કહ્યું.

‘તું શાને ચોરી કર?’ કારભારીએ કહ્યું: ‘તું જુઠ્ઠો છે. તને ઓળખું છું.’

‘જુઠ્ઠો? ખોટો?’ દાનાએ કહ્યું: ‘ખોટું શીદ કૌં! હું કોળી છું, ખાતર પાડું, લૂંટી લઉં, મારું; પણ હું કોળીનો બેટો. હું ખોટું નો બોલું. બાપુ, ખાતર મેં પાડ્યું છે.’

‘તો માલ હાજર કર.’ ઠાકોરે કહ્યું.

‘એમ નો કરું, બાપુ! આપ હારે હાલો. કારભારી સાહેબ પણ પધારે. બરોબર ગણી જુવો.’ કહી દાનો આગળ થયો. ઠાકોર સહુને સાથે લઈને ગયા. દાનાએ દારભારીના ઘરની પછીતે ઉકરડો ઉખેળી, નીચેથી થોડુંક ખોદી ઠામ કાઢી આપ્યાં. એકે ઠામ ઓછું ન હતું. પછી નદીને સામે કાંઠે સમાધિની વાડીએ ખાડો ખોદી, છીપર ખેસવી કોથળી કાઢી આપી. કપડું ખવાઈ ગયું’તું. રૂપિયા ગણતાં તે પૂરેપૂરા હતા.

આશ્ચર્યથી કારભારીએ પૂછ્યું: ‘આ રકમમાંથી તેં કાંઈ ન લીધું?’

દાનાએ કહ્યું: ‘બાપ, રાજનો પૈસો ઈ પાપનો પૈસો. આપ જેવાને સદે, અમ જેવાને નૈં. એમાંય આ તો તમે રળેલો પૈસો. અડવાથી પાપ લાગે. આ કોથળીને અડ્યો પછી થોડા દીમાં મારો બાર મરી ગયો. એમાંથી વાપરું તો કયે ભવા છૂટું? તોય અડ્યો. જેનો લૂણ રોટલો ખાઈએ તેની હારે ને એના ઘરના સૌ હારે જેમ રે’વું જોઈએ તેમ કારભારી સાહેબ નો રેતા. બાપુ તો કાંઈ નો બોલે પણ હુંથી રે’વાણું નૈં.’ હવે જે સજા કરવી હોય તે કરો. મારો, જેલમાં નાખો. કરવું હોય તે કરો.’

એણે કઈ રીતે ચોરી કરી તે ઠાકોરે, કારભારીએ, ઘણાએ પૂછ્યુંઃ દાનાનો જવાબ એક જ હતો: ‘ઈ જાણીને શું કરવું છે? શીખવું છે? ઈ તો મને મારો તોય નૈં કૌં.’ ને તેણે ન જ કહ્યું.

ઠાકોરે દાનાને છ માસની કેદની સજા કરી. કારભારી છૂટા થઈ રાજકોટ ગયા. દાનો છૂટો થયો ત્યારે ચોકીદારની જગ્યા દેવા કહ્યું. દાનાએ કહ્યું: ‘બાપુ, મને રાખવો હોય તો ગૌમાતાની સેવામાં તમારી હારે રાખો; કાં મુસાભરી બંગલે ઝાડપાન વાવવા રાખો.’ ઠાકોરે તેને માળી તરીકે રાખ્યો. મુસાફરી બંગલો, ફૂલવાડી તથા સમાધિની વાડી, ગોંડલની બે રીબડાની સડકો, ત્યાં એણે ઘણાં ઝાડ વાવ્યાં, ઉછેર્યાં. ખાતર વો’રે, ક્યારા ગોડે, પાણી ખેંચી પાય. દી આખો કામ ખેંચે, પગ વાળી ન બેસે. સાંજે મૂળવાજી ઠાકોર સાથે ગૌશાળામાં નીરણપૂળો વગેરે કામ કરે. મૂળવાજી ઈ.સ. ૧૯૧૩માં દેવ થયા ને દાનાએ નોકરી છોડી. ઠાકોરની નોકરી દરમિયાન એ ‘દાનો’માંથી દાનાભાઈ કહેવાયા. પછી એ ગોંડલ મજૂરી કરવા દશેક વર્ષ રહ્યા. છેલ્લાં વરસો અરડોઈના નૃસિંહ મંદિરની સેવામાં કાઢ્યાં. એ જગ્યામાં ઈ.સ. ૧૯૩૩માં હું તેમને છેલ્લે મળ્યો ત્યારે તેનો એકનો એક દીકરો ચોરીના આરોપસર ગોંડલની કેદમાં હતો. એણે કહેલું: ‘મારા બાપે અને મેં કાનજીબાપાને વચન આપેલું કે ચોરી નૈં કરીએ. મારા બાપે નો કરી. મેં વચન ઉથાપ્યું. ત્રણ વાર ચોરી કરી: બે વાર કારભારીને ત્યાં અને એક વાર કાપડના વેપારીને ત્યાં. મારો વા છોકરામાં આવ્યો. ને હવે તો સારા સારા માણસનોય જીવ એમાં જાય છે. હરામનું લેવું ને હરામનું ખાવું એવો કાળ આવી લાગ્યો છે. હું નકામું કોઈનું વાંકું બોલું છું, હું પોતે જ આ જગાનું ખાઈને જીવું છું ને!’

જગાનું એ ખાતા એ વાત ખરી પણ ત્યાં કાળી મજૂરી કરતા. માંદાસાજા હોય તોય એની સેવામાં ફરક ન પડતો. એમને એ સદી ગયેલી. જગાનું ખાવાનું એને દુઃખ હતું એ જાણનાર પ્રેમદાસજી બાવા એને એવું સમજાવીને પરાણે ખવરાવતા કે આ જગાનું ને આ બહારનું; આ મારું, આ તારું, આ કોકનું, એવા ભેદ સંસારીએ કર્યા છે અને એ ભેદબુદ્ધિને અંગે જગામાં પણ સંસાર ઘુસાડે છે. વિચાર કરો કે જગામાં આવે છે એ, તમારે કે કોઈને ત્યાં હોય છે તે કે દુનિયામાં જ્યાં જ્યાં જે કંઈ પાકે છે એ કેમ પાકે છે. કોણ પકાવે છે ને કોની માલિકીનું છે. વિચાર કરશો તો સમજાશે કે બધું સમજીને પેદા કર્યું છે. આપણને પણ એણે પેદા કર્યા છે ને એ જ ખાવાપીવા દે છે, જિવાડે છે. આ જગાનું ને આ મારું એ ભેદ શું? કોઈનું કાંઈ નથી. બધું જગાનું જ છે, બધું રામજીનું છે. એનું ખાઈને એનું કામ કરી છૂટવું એ જીવનો ધર્મ છે.

પોતાના જીવનના સાર રૂપે એ કહેતા હોય એવું દાનાભાભા બોલેલા કે કાનજીદાદા પાસે બહુ બહુ ગમે. મજૂરી કરવી ફાવે પણ ઝાડપાન તો તોડવાં ને ઓસડ ખાંડવાં નો ગમે, જીવ બળે. ઢાંઢાં નો જોતરું, નો હાંકું. લણણી નો કરું, મૂળવાજી બાપુએ રાખ્યો ઈ મીઠામાં મીઠો કાળ, ગાયુંની સેવા થૈ ને ઓસડ ખાંડ્યાંનું પાપ ઝાડપાન ઉછેરીને થોડુંક ધોયું. એ ભોળાનાથની દયા. હવે તો પ્રેમદાસજી બાપુએ કીધું છે કે ઐં જગામાં જ દેહ છોડવો એટલે ઐં છું.

અને એ ત્યાં જ રહ્યા. કેટલું રહ્યા, કેમ રહ્યા, કેમ ગયા એની વિગત મને મળી નથી. એટલી ખબર છે કે એની નનામી ઉપાડવામાં પહેલા પ્રેમદાસજી બાવા હતા. (‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’માંથી)