ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/હેમંતની રાત

હેમંતની રાત

રતિલાલ ‘અનિલ’

આ રાત્રિનું કાજળ ધરતી-આકાશને કેવાં બદલી નાખે છે! ચિત્તમાં થંભી ગયેલી કોઈ ઊજળી ક્ષણની જેમ ખૂણે દીવો ઊભો છે. અને થંભી ગયેલી ક્ષણ ચિત્ત સમસ્તમાં વ્યાપી જાય એમ દીવો ઓરડામાં પ્રકાશ રૂપે વ્યાપી ગયો છે. રાત્રિ અને દીવો બંને મૂંગાં છે. એ મૂંગાપણાનું વ્યક્તિત્વ એ જ તો રાત્રિ છે. બારીમાંથી સૂરજ ડોકિયું કરતો નથી અને દીવાને ઓરડા બહાર ડોકિયું કરવાની સ્પૃહા જણાતી નથી. સૂરજ તપે છે, માત્ર તપ કરતો નથી, કેમ કે એ આગળ વધતો, ઊંચે ચઢતો દેખાય છે, પણ દીવો જાણે સ્થિર ચિત્તે ને ખુલ્લી આંખે તપ કરે છે, એમાં તાપ નથી, પણ પ્રકાશ છે…

નદીમાં તરતા જતા દીવાનો મલપતો પ્રવાસ રાત્રિએ મનભર બની રહે છે. આકાશના તારા અને નક્ષત્રો તરતાં નથી. શું તરે? આકાશ વહેતું નથી! અગતિમાં ગતિ કરવાનું તારા-નક્ષત્રોને ગમતું નથી, પાણી આછું વહે છે એટલે દીવાને ગતિ કરવાનું ગમે છે… દીવો ગતિ કરતો નથી, એ તો પેલા નક્ષત્ર જેવો સ્થિર છે, પણ પાણીમાં ગતિ છે એટલે દીવા નીચેનું પાણી ગતિ કરે છે અને દીવો ગતિ કરતો દેખાય છે… રાત્રિના વહેતા અંધકારમાં એમાં હું બેસું તોયે વહેતો વહેતો પ્રભાતમાં પહોંચી જવાનો… સૂર્ય આ શિયાળાની રાત્રિને પોતાનાં સ્મરણ ને સ્પર્શ આપી જતો નથી, થીજેલા ચન્દ્રને પણ ઓગળવાની ઉમેદ નથી, એ સંકોચાઈને આકાશને પટ થોડોક ઓળંગી જવાની ત્રેવડમાં છે… એનામાં પહેરેગીરનું જોમ નથી, એ આત્મા હોય તોપણ શરીરસ્થ આત્મા લાગે છે, અને અત્યારે એ શરીરને વધારે સાચવે છે.

કૂતરાના સાદ જરાયે કર્ણપ્રિય નથી. અવાજના કટકા જાણે હવામાં ફેંકાયા કરે છે, અને દૂર જાણે સાદ બદલીને ફેંકાતા હોય એવું દૂરનું કૂતરું જવાબમાં ભસે ત્યારે લાગે છે, પોતાના વ્યક્તિત્વને પિછાનવા માટે કૂતરાંઓને રાત વધારે અનુકૂળ લાગે છે. શિયાળુ ગલૂડિયાં રાત બધી એકબીજાના શરીરે પોતાનું શરીર નાખી કણસ્યા કરે છે. ઉગ્ર સ્વભાવના શ્વાનનું જીવન શિયાળે કણસતું શરૂ થાય છે. કંતાનનો મોભો ગલૂડિયાને માટે સારામાં સારું ઊન બની જાય છે… એમના કણસવાથી મકાનનો પડછાયો, ઢોર તેના શરીરની ચામડી અણગમતી હરકતથી કંપાવે એમ પોતાના કોઈ છેડે કે કેન્દ્રે ધ્રૂજતો નથી. પડછાયાના જ્ઞાનતંતુઓ રાતે સુપ્ત થઈ જાય છે.

વાહનનાં પૈડાં રાત્રેયે દોડતાં દોડતાં ધસી આવે છે અને દૂર ચાલ્યાં જાય છે, અને ધૂળ કરતાં અવાજ વધારે પાછળ છોડી જાય છે. વાહનની પાછળ ગુસ્સે થઈને થોડુંક દોડી જતી ધૂળ ઝડપથી અટકી જાય છે અેન ધીરે ધીરે ફરી બેસવા માંડે છે. વાહને છોડેલા અવાજનો થાક એમાં વર્તાય છે.

શિયાળુ રાતે પાઉડર જેવી ગામડાની કાચા રસ્તાના ગાડાવાટની ધૂળમાં ખુલ્લા પગે ચાલીને એની વિશિષ્ટ શીતળતા માણવા જેવી લાગે છે. શિયાળાની ઠંડી કરતાં આછી ચાંદનીની શીતળતા એણે વધારે સાચવી હોય છે… રાત્રિનો મધપૂડો બંધાયા કરે છે, દિવસનો મધપૂડો ગુસ્સે થઈને આસપાસ ભમ્યા કરતી મધમાખીઓ વચ્ચે જાણે દેખાતો નથી, દેખાય છે મધમાખીઓનો વિચિત્ર ચકરાવો.

પાણીને ચામડી હશે? કલ્પી લઈએ કે છે. તો એ શિયાળે માણસની ચામડીની જેમ તરડાતી નથી. ત્વચાનો અનુભવ થાય એટલા માટે કદાચ શિયાળાની રાત આવતી હશે, સુકાયેલું ઘાસ પણ સવાર સુધીમાં થોડુંકેય નમણું થઈ જાય છે… ઝાકળના પરદામાં રહીને સુકાયેલું ઘાસ થોડોક કાયાકલ્પ કરી લે છે. રાત્રિના શાંત એકાંતમાં કાયાકલ્પની અનાયાસ પ્રવૃત્તિ ચાલે છે.

મકાનોના પડછાયા એકબીજાને સ્પર્શીને કોણ જાણે શેનોયે સાક્ષાત્કાર કરીને શુંય અનુભવ્યા કરે છે… એ જોવાનું કુતૂહલ ઓરડાના દીવામાં થોડુંક હશે એટલે તો એ બારીની ફાટમાંથી ડોકિયું કરીને જુએ છે. રાત્રિના પડછાયામાં એ ઝાંખો ચન્દ્ર છે, તે આકાશનો ભૂરો રંગ તો પ્રગટ કરી શકે એમ નથી, પણ પડછાયાને શીળા કરીને તો પ્રગટ કરી શકે છે. રાત્રિની ઠંડક મકાનોના પડછાયા પીધા કરે છે એટલે સૂર્ય આવીને એને કડક કરવા માંડે છે તોયે એ તરડાઈ જતા નથી… કાળી માટીની હાંડલીમાં કરેલી રસોઈ વધારે સ્વાદિષ્ટ લાગે છે એમ રાત્રિના પાત્રમાં રહેલા મકાનોના પડછાયા આંખને મિજબાની જેવા લાગે છે.

આગગાડી નહીં હોય ત્યારે દૂર દૂરથી શિયાળુ રાતે માણસને કોણ સાદ કરતું હશે? પેલા દૂરનાં નક્ષત્રો… પણ એ તો કોઈ કવિએ સાંભળ્યા હોય તો સાંભળ્યા હોય… શિયાળુ રાત્રિનું મૌન કશુંક શાંતપણે અનુભવ્યા કરે છે અને શેરીદીવાઓ સ્થિર ચિત્તે જોયા કરે છે.