ગુજરાતી નિબંધ-સંપદા/રાજેન્દ્ર પટેલ/બારી પાસે

Revision as of 11:30, 24 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બારી પાસે

રાજેન્દ્ર પટેલ

રજાનો દિવસ એટલે જરા નવરાશનો દિવસ. એમ પણ કહી શકાય કે રજાનો દિવસ એટલે બારી પાસે બેસવાનો દિવસ. આજે એક ગમતી ચોપડી લઈ નિરાંતે વાંચુ છું. બહાર રસ્તા પર અવરજવર ઓછી છે. ત્યાં એક છોકરો સોસાયટીના સિમેન્ટિયા રસ્તા પર પગમાં સ્કેટિંગ પહેરી પાણીના રેલાની જેમ લસરતો નજરે પડ્યો. તેની પાછળ તેની મોમની બૂમો સંભળાતી હતી: ‘રાહુલ, ઓ રાહુલ. સ્કેટ ધીરે ધીરે કર.’ તે છોકરાની બેફિકરાઈ અને આત્મવિશ્વાસ જોઈને મને બાળપણની અમારી ધમાલ અને રમતો યાદ આવી ગઈ. હવે છોકરાઓ અમારા સમય જેવી ધમાચકડી ક્યાં કરે છે? હવે તો શેરીઓ આત્મા વગરના ખોળિયા જેવી ભાસે છે. આજના છોકરાઓ બહુ શાંત અને ડાહ્યાડમરા થઈ ગયા છે, જાણે અકાળે જ મોટા થઈ ગયા! મોબાઇલ, ટૅબલેટ કે ટીવીમાં મુંડી ઘાલીને બેઠા હોય છે, અને શૈશવ તેમના ખ્યાલ વિના જ દૂર સરી જાય છે!

અમારા સમયમાં ક્રિકેટે જબરી ભૂરકી નાખેલી. જે લંબચોરસ લાકડું મળે તે બેટની ગરજ સારતું અને ગોળ હોય તેવી દરેક ચીજ બોલ બની જતી. કપડાં ધોવાનો ધોકો કે સાદું ખપાટિયું, ગાભાનો કે પ્લાસ્ટિકનો કે રબરનો દડો હોય તો અમે સ્થળકાળ ભૂલીને રમવા મંડી પડતાં. પહેલી વાર ટેનિસ બૉલ અને બૅટ બાપુજીએ લઈ આપેલાં ત્યારે તો કંઈ વટ પડતો મારો. તેથી હું એક વાર આઉટ થાઉં તો ચલાવી લેવામાં આવતું અને બે દાવ તો મારા પાકા બની જતા. સ્કૂલ સમયને બાદ કરતાં સવાર-સાંજ જ્યાં જગ્યા મળે ત્યાં બૂમાબૂમ અને દોડાદોડ. બા બાપુજીને વઢતી. ‘તમે બેટ લઈ આપ્યું ને આ છોકરો રાતદિવસ ટીચ ટીચ જ કરે છે. ભણવામાં ભમરડો લાવશે ત્યારે તમને હમજાશે. દઈ જાણે આ ક્રિકેટમાં શું દાટ્યું છે?’ બાના કકળાટે બાપુજી બગડતા ને એમની કડકાઈના અમારે ભોગ બનવું પડતું. એ બૅટનો માળિયામાં ઘા કરી દેતા. થોડો સમય અમારે નાછૂટકે મનને બીજી રમતોમાં વાળવું પડતું. બૅટ, બૉલનો વિરહ તો સાલતો પણ થોડા જ વખતે બીજી રમતોમાં મન હળવું થઈ જતું.

‘ગિલ્લીદંડો’ રમત બીજા ક્રમે આવતી. ગિલ્લીદંડા માટે પહેલા કોઈ એક ઝાડની માફકસર ડાળીની શોધખોળ કરવામાં આવતી. પછી ઝાડ પર ચડી, ડાળી કાપવામાં આવતી. પછી તેની છાલ કાઢી બે ભાગ કરવામાં આવતા. એક નાનો ભાગ અને એક મોટો. નાના ભાગની ગિલ્લી બનાવવામાં આવતી. તેનો વચ્ચેનો થોડો ભાગ સપાટ રહે અને બે બાજુ છોલીને ધાર કાઢવામાં આવતી. મોટા ભાગના એક છેડાને ત્રાંસમાં છોલવામાં આવતો. બસ ગિલ્લીદંડો તૈયાર. કોઈ સમથળ જગ્યાએ એક ગબી કરવામાં આવતી. એટલે કે ભોંય પર ગબી બેએક ઇંચ ખોદવામાં આવતી. આ લાંબી ગબી પર ગિલ્લી આડી ગોઠવવામાં આવતી. તેની નીચે છોલેલા છેડાવાળો ભાગ મૂકીને ગિલ્લીને દૂર ઉછાળવામાં આવતી. બાકીના ભેરુઓમાંથી કોઈ ઝીલી લે તો આઉટ. કોઈ ના પકડી શકે તો દાવ ચાલુ. પછી જ્યાં ગિલ્લી પડી હોય ત્યાંથી ગબી પર આડા મૂકેલા દંડાને તાકવામાં આવે. જો દંડાને પછાડીને ઊછળેલી ગિલ્લીને હવામાં દંડાથી દૂર મારવામાં આવે. ઊછળેલી ગિલ્લી કોઈ ઝીલી લે તો આઉટ અને ના ઝિલાય તો ફરીને ગિલ્લીને મારવામાં આવતી. એમ ચાલ્યા કરે દાવ ને અંતે દંડાથી ગિલ્લીથી ગબી સુધીનું અંતર માપવામાં આવતું. જેનું સૌથી વધુ માપ એ જીતે. હું આજે દીકરીઓ સામે મજાક કરતો હોઉં છું કે અત્યારની ગોલ્ફની રમત આ ગિલ્લીદંડાની રમતમાંથી જ શોધાઈ હશે. આ ગિલ્લીદંડાની રમતથી ડાળ, કુહાડી, ગિલ્લીદંડો, ધૂળ, પરસેવો અને કુનેહ — સઘળું એકરૂપ થઈ જતું. સ્થળ-સમય ભૂલી જવાતાં એટલે જ આજેય એ રમત યાદ છે ને!

પછીના ક્રમે ઘણી રમતો આવતી. જેમાં મુખ્યત્વે લખોટીઓની રમત રહેતી. અમને બાળપણમાં બહુ બધી લખોટીઓ જીતવાનાં સપનાં આવતાં. રંગબેરંગી ગોળ લખોટીઓ ત્યારે કોઈ રત્નોથી કમ નહોતી. લખોટીઓની આ રમત બે ચાર પ્રકારની રહેતી. એક ગોળ ગબી ખોદવામાં આવતી. દાવ પકવવામાં આવતો. રમનારા બધા નક્કી કરે એટલી સંખ્યામાં લખોટીઓ દરેક આપતા. દા.ત. દરેક ત્રણ આપે ને રમનારા પાંચ હોય તો પંદર લખોટીઓ થાય. પાકેલામાં જેનો પહેલો વારો હોય તે એક ખોબામાં આ લખોટીઓ રાખે અને ગબીથી દસેક ફૂટ દૂરથી બધી ગબી ઉપર નાખવામાં આવતી. જો ગબીમાં એક જ લખોટી આવે તો તે દાવ જીત્યાં કહેવાય. અને બધી લખોટીઓ તેની. આમ રમત ચાલે. અમે ગબીવાળી લખોટીઓની રમત બહુ રમતા નહીં. સીધીસાદી આ રમત છોકરીઓ માટે છે એમ છોકરાઓ એવી તુમાખી રાખતા. એટલે લખોટીની બીજી બે રમતો રમતા. એક વર્તુળની અને બીજી માછલીની. વર્તુળ દોરી તેમાં લખોટીઓ નાખતા અને ત્રણચાર ફૂટ એક આડી રેખા દોરવામાં આવતી. તેની બહારથી એક જ લખોટી હાથમાં લઈ વર્તુળમાં રહેલી કોઈ એક લખોટી તાકવામાં આવતી. જો તકાય તો બધી લખોટીઓ તેની જમીન પર માછલીનો મોટો આકાર દોરી તેમાં લખોટીઓની હાર મૂકવામાં આવતી. માછલીની નજીકથી દરેક રમનારની એક એક લખોટી લઈ દૂર નાખવામાં આવતી. પાક્યા મુજબ સૌ વ્હેંત ભરી વચલી આંગળીથી બીજા ભેરુની લખોટીને તાકતા અને જો તકાઈ જાય તો આઉટ, એમ બધા એકબીજાને આઉટ કરી માછલીની નજીક પહોંચે અને તેની અંદર રહેલી લખોટીઓને વ્હેંત ભરી વચલી આંગળીથી તાકીને મારવામાં આવે. એમ બધી વારાફરતી અંકે કરવામાં આવતી. એમાંથી કાબેલ છોકરાઓને ‘તાકોડી’ નામનું વિશેષણ પ્રાપ્ત થતું. જે બાળપણનો તે સમયનો સૌથી મોટો અૅવૉર્ડ લેખાતો.

છોકરીઓના વ્રત-જાગરણમાં બેઠાં બેઠાં રમાતી રમતો વધુ રમાતી. પત્તા, કૅરમ, વ્યાપાર ને ચેસ મુખ્યત્વે રહેતી. ટી.વી., મોબાઇલ ન હતા એટલે બધા એક ચિત્તે રમતાં. બાળપણની એ સમૂહરમતો સહજ રમાતી અને ક્યારેક તેમાંથી અસહજ લાગણીનો રોમાંચ પણ રૂંવે રૂંવે ફરી વળતો. એ સંસર્ગ ક્યારેક જીવનભરની સંવેદના જગાડી દેતો. અંતકડી ને ફિલ્મી ગીતોની રમતો આખી રાત ચાલતી. બાળવૃદ્ધ સૌ કોઈ જોડાઈ જતાં. મોટાં છોકરા-છોકરીઓ ક્યારેક ખોખો, નગોલચું રમતાં, મજબૂત છોકરાઓ ક્યારેક કબડ્ડીથી ધમાલ મચાવતાં. નાનાં ટેણિયાઓ થપ્પો કે ‘નદી કે પર્વત’ અને લંગડી રમતાં. ઘરમાં ને ઘર બહાર જાતભાતની કંઈ રમતો રમાતી. પાર વગરના એ સુખના માલિક દરેક છોકરો-છોકરી થઈ જતાં. અંચઈ, ઝઘડા, રિસામણાં ને મનામણાં જાણે કાચી કેરી પર ભભરાવેલાં મીઠાં-મરચાં જેવાં લાગતાં. વારતહેવારે ને કુદરતી આફતોમાં બધાં સહજ એક થઈ જતાં તેનું કારણ આ રમતો હતી. બધું ભૂલી બીજાની સહાયે પહોંચી જવાના પાઠ આત્મસાત્ આ રમતો જ કરાવતી.

વળી શાળાની અને શેરીની રમતો જુદી રહેતી ને સમયે સમયે બદલાતી. ચોમાસામાં ‘કોચંડી’, ઉનાળાની રજાઓમાં છોકરાઓ માટે ‘ભમરડા’ અને છોકરીઓ માટે ‘કોડીઓ’. થોડા મોટા થયા ને બહારની દુનિયાનો પવન અડ્યો એટલે માચીસ-બૉક્સનાં ખોખાંની ને છાપોની તુલનાની રમત ગમવા લાગી. એક મૂલ્યાંકનકાર હોય ને સામે બે જણ પોતાના ખિસ્સામાંથી સંતાડેલા અણમોલ હીરાની જેમ છાપ બહાર કાઢે. મૂલ્યાંકનકાર નક્કી કરે કોની છાપ વધુ સુંદર છે. જીતનાર બેય છાપો લઈ લે. બીજી એક રમત ફિલ્મ પટ્ટીની રહેતી. હિન્દી ફિલ્મની પટ્ટીઓની આવી નૅગેટિવમાં હીરો-હીરોઇન હોય. તેનું આમ જ તુલનાત્મક મૂલ્યાંકનથી નક્કી થતું કે કઈ નૅગેટિવ વધુ સારી. યાદ છે તે સમયે જિતેન્દ્ર અને નંદાની નૅગેટિવ સૌથી વધુ આગળ રહેતી.

આખો વખત ધીંગામસ્તી, દોડાદોડથી આખી શેરી જાણે હિલોળે ચડતી. તોફાન વધી જાય ત્યારે વડીલો બનાવટી ગુસ્સો કરતા. બધી માઓ લાજ કાઢે પણ સાડલાની અંદર મોં મલકતું રાખે. છોકરીઓને કોઈ બહુ વઢે નહીં તેની ભારે ઈર્ષા રહેતી, તેનું વેર વાળવા થપ્પામાં કે લંગડીમાં આઉટ કરતાં તેમની પીઠ પર ધબ્બો જોરથી વાગી જતો. બદલામાં છોકરીઓ થોડો સમય ટાપુટૈયું કરવાનું બંધ કરતી. કિટ્ટા ને બુચ્ચાના એ સોનેરી દિવસો ભલભલા સુખનીય ઈર્ષા નિપજાવતા.

રજાના દિવસે ઘણી વાર બારી પાસે આંખ બંધ કરી રાહ જોતો હોઉં છું. છોકરાઓ આવે ને શેરી ગજવી મૂકે તો મારી વધેલી ઉંમર સહેજ ઘટે. પણ શેરીઓ સૂની જ રહે છે. સન્નાટો અને એકલતા માત્ર હડિયો કાઢતાં હોય છે. આ ટીવી અને મોબાઇલમાં વ્યસ્ત બાળકોનો અભાવ એક પ્રકારની બેચેની ઊભી કરી છે અને તેથી કદાચ મારી ઉંમર છે તેથી વધુ લાગે છે.