ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?

કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?

રા. વિ. પાઠક

એક ચર્ચા હજુ સુધી સાહિત્યમાં થઈ જાણી નથી: કઈ ક્રિયામાં માણસ સૌથી વધારે બેવકૂફ દેખાય છે? માણસ ખાય છે, પીએ છે, ઊંઘે છે, બેસે છે, ઊઠે છે વગેરે અનેક ક્રિયાઓ કરે છે. તે બધીમાં કઈ ક્રિયા કરતી વખતે તે બેવકૂફ દેખાય છે?

મને બીજા લોકોની તો ખબર નથી, પણ હિંદુઓમાં તો માણસ પરણે ત્યારે સૌથી વધારે બેવકૂફ દેખાય છે, એમ હું માનું છું. પ્રથમ તો એ સવાલ છે કે હિંદુઓમાં માણસ પોતે પરણે છે કે તેને બીજા પરણાવે છે? બીજા પરણાવતા હોય તો તેઓ પોતાની ખાતર તેને પરણાવે છે કે પરણનારની ખાતર પરણાવે છે કે કોઈ બીજા પ્રયોજનથી, કે બિલકુલ પ્રયોજન વિના? આ મૂળ ક્રિયાની બેવકૂફી તેનાં અંગપ્રત્યંગમાં અને તેના સંસર્ગમાં આવતાં બધાં માણસોમાં વ્યક્ત થાય છે. આ બેવકૂફીનો ભોગ બિચારો વરરાજા થાય છે. તેને કહે કે બેસ, ત્યારે બેસે; ઊભો થા, ત્યારે તે ઊભો થાય; હાથ જોડવા, ઘોડે બેસવું, પાઘડી પહેરવી, ખેસ નાખવો, જોડા પહેરવા વગેરે સર્વ ક્રિયાઓ જે સામાન્ય રીતે માણસને કરવામાં છૂટ રહી છે, તે સર્વ અહીં ફરજિયાત બીજા કરાવે તેમ જ કરવી પડે. તેમાં તેનો મત જ નહીં. એક નાનામાં નાનું છોકરું પોતાની મેળે `મમ’ કહેતાં શીખે છે, અને તે કહેવું હોય ત્યારે કહે છે; પણ વરરાજાએ ગોર કહેવરાવે ત્યારે मम કહેવું, હાથ ઝાલવો, હસ્તમેળાપ કરવો, કન્યાને ગળા આસપાસ હાથ નાખવો, એ સર્વ ગોર કરાવે તેમ કરવું. આવી ઉપહસનીય પરવશતા જગતમાં બીજા કોઈ પ્રાણીની મેં જોઈ નથી. કદાચ મદારી માંકડાને અને રતનબાઈને રમાડે ત્યારે એવી પરવશતા થતી હશે. હિંદુઓ આ જાણે છે, તેથી મદારી જેમ પોતાના ડાકલાથી, મોરલીથી અને વિચિત્ર વેશથી ખેલની જાહેરાત કરે છે, તેમ હિંદુઓ પણ લગ્નની જાહેરાત એવી રીતે જ કરે છે. વાજાં વગડાવે છે અને તેમાં મદારી કરતાં પણ વધારે વિચિત્ર વેશવાળા વાજાંવાળા, સાજન, વરરાજા વગેરેને રાખે છે.

ઘણે ભાગે ગાંડા માણસોને ગાંડપણની ઋતુ હોય છે; તેમ હિંદુઓમાં પણ લગ્નની ઋતુ આવે છે. બસ તે વખતે નિશાળો, ઑફિસો બધું ખાલી થવાનું, અને કોર્ટોમાં પણ લોકો કેસની મુદતો નખાવીને ચાલ્યા જવાના. જો સનાતન હિંદુરાજ્ય પાછું આવે તો આ ઉનાળાની કે શિયાળાની કે ચોમાસાની એમ કોઈ ઋતુની રજાઓ હું ન રખાવું, પણ વિવાહની ઋતુ અને સરાદિયાની ઋતુ કે એવી રજા રખાવું. તે વખતે બસ બધા પરણવા અને પરણાવવા ચાલ્યા જાય. પછી કૅજ્યુઅલ રજાઓ માત્ર રહે મરવા સંબંધી. તેની એક ઋતુ નક્કી નથી, જોકે માંદગી માટે શરદઋતુ કંઈક નક્કી થઈ છે. પણ મરવાની ઋતુ હિંદુઓને ન પોસાય, બારે માસ મરવા માટે રાખે ત્યારે માંડ તેમનું કામ પૂરું થાય.

પરદેશી લોકો કહે છે કે હિંદુઓમાં કાલમાનબુદ્ધિ ઓછી છે, વખતની સમજણ તેમનામાં નથી, વખતસર તેમને કામ કરતાં આવડતું નથી, એ સર્વ ખોટું છે. તેમને બરાબર ખબર છે કે લગ્નસરા ક્યારે આવે છે, ક્યારે પૂરી થાય છે, ન પરણવાનું વરસ ક્યારે આવે છે, લગ્નનું મુહૂર્ત ક્યારે છે, અને તે લગ્નનું મુહૂર્ત બરોબર પળાય છે. તદ્દન બાળક, પોતાની મેળે ખાઈ કે ઊંઘી ન શકે એવડા વરરાજાથી તે તદ્દન ઘરડા, પોતાની મેળે ખાઈ કે ઊંઘી ન શકે એવા વરરાજા સુધીની જાતજાતની ઉંમરના વરો માટે મુહૂર્ત સચવાય છે, તેમાં કદી ફેર થતો નથી. આવા દરેક પ્રકારના વરો હોય છે માટે જ કદાચ વરને માટેની બધી ક્રિયા કોઈકે કરવાનું રાખ્યું હશે.

હાસ્યનો વિભાવ શો એ સંબંધી ઘણી ચર્ચા થાય છે. નવલ-નર્મદ વચ્ચે તે સંબંધી યુદ્ધ થયેલું. વરરાજાને જોતાં મને એ પ્રશ્નનો જવાબ આવડી જાય છે. જે ક્રિયા જે પ્રયોજનથી થવી જોઈએ તે ક્રિયા તે પ્રયોજન વિના થાય ત્યારે હાસ્યનિષ્પત્તિ થાય. માણસે પરણવું જોઈએ પોતાને માટે, અને પોતાની મેળે, તેને બદલે તે ક્રિયા બીજાઓ કરે છે. તમે કરી શકો અને તમારે કરવી જોઈએ તે ક્રિયા કંઈ પણ કારણ સિવાય બીજાઓ કરે ત્યારે તે હાસ્યનો વિભાવ બને. અષાઢ, ૧૯૮૩
[સ્વૈરવિહાર-૧]