ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/પાંચ વરસાદ

પાંચ વરસાદ

વિનેશ અંતાણી

એક : વરસાદ – ચંબાનો

હિમાલય પ્રદેશના ચંબા વિસ્તારમાં વર્ષાઋતુમાં મકાઈના ડોડા પર છોગાં જેવા રેષા ફૂટે ત્યારે પહાડના લોકો એક પર્વ ઊજવે છે. એ પર્વને મિંજર કહે છે. સાત-આઠ દિવસનો મેળો ભરાય. મેળામાં દૂરદૂરથી લોકો આવે. જાતજાતનાં આભૂષણો અને મનગમતા પોશાકોમાં સજ્જ પહાડી સ્ત્રીઓ ઉલ્લાસ વ્યક્ત કરવા ગીતો ગાય, નાચે, દેવતાઓની રવાડી નીકળે.

વર્ષાઋતુ સાથે જોડાયેલા મિંજરપર્વને કેન્દ્રમાં રાખી હિમાલય પ્રદેશના કવિ દેવની હિંદીમાં સુંદર કવિતા છે – ‘ઋતુપર્વ મિંજર’. મેઘને પ્રવાસી તરીકે કલ્પીને દેવે કવિતાનો આરંભ કર્યો છે. એનો ગદ્યમાં અનુવાદ :

‘જુઓ તે મદમસ્ત – અલ્લડ – રસિક પ્રવાસી મેઘ દિશાઓને બાથમાં ભરી, મિંજરનો ધ્વજ ફરકાવતો, ચંબાનાં મેદાન – આંગણાં અને ઘરમાં પાછો ફર્યો છે. પહાડો, ગાઢ વનો, ઊંડી ખીણો, ધરતીનો ઉભાર જોઈને વ્યાકુળ થઈ ઊઠેલો મેઘ રાતના પાછલા પહોરે, ધીમા પગલે, આકાશમાંથી ગુપચુપ નીચે ઊતરી આવે છે અને ધરતીનું બધું જ બાહોમાં ભરી આખી રાત બેસુધ જેવો પડ્યો રહે છે. પરોઢ થતાં જ તે ઢળી પડશે અહીંતહીં, દૂર સુધી…

‘સવારનો તડકો નીકળતાં જ કુંજડીઓની હાર સ્નાન કરવા નીકળશે અને પનિહારીઓ ગાગર ઉપાડીને પનઘટ પર પહોંચશે ત્યારે આ મેઘ પનિહારીઓને એકલી જોઈ ચીડોના વનમાંથી નીકળી એમને ઘેરી વળશે. પનિહારીઓ પાછી ફરશે ત્યારે એમનાં ભીનાં લથબથ અંગો અને સ્વપ્નિલ આંખો જોતાં જ લોકો સમજી જશે. પછી ઘર, આંગણ, દ્વાર-દ્વાર વાત પ્રસરશે કે ઋતુપર્વ ઊજવવા માટે પ્રવાસી વાદળો ગઈ રાતે ઘેર પાછાં આવી ગયાં છે. જેઠ મહિનાની આગમાં સળગતાં સૂનાં આંગણાં, ખેતરો અને ખલિહાનો, પગદંડીઓ અને પનઘટ સફાળાં જાગી ઊઠશે.

‘ચાલો, આ રસવર્ષામાં ભીંજાવાનો મોહ ધરીને ઘરમાંથી નીકળી પડો. કુશળ સખીઓના હાવભાવ, મસ્તી, નયનકટાક્ષ, દેહસરોવરમાં તરતાં ચક્રવાક યુગલો અને યૌવનની ચાંદી છાંટતાં ઉન્મુક્ત હાસ્યોથી ચંબાના ઘરેઘરમાં ઋતુપર્વ મિંજરનો આરંભ થશે… મકાઈની મુગ્ધ લટો, ફળોથી ઝૂકેલી ગર્ભવતી ડાળીઓ અને ધાનથી હર્યાભર્યા મખમલ જેવાં ખેતરોમાં ગઈ કાલે વાવેલાં સપનાં આજે સાચાં બનીને ઊગી નીકળશે. ખેડૂતોના કંઠમાંથી પ્રસન્નતાની તાન ફૂટશે અને ત્યારે ચંબાના ઘેર આવશે મિંજર…

‘એ બધા લોકો પહાડોની ખીણો, ઘાટીઓ, જંગલની કેડીઓ પરથી સાતરંગી સાફા, દુપટ્ટાઓ સાથે આવી પહોંચશે. કાનમાં ઊગેલાં સૂર્યમુખી કર્ણફૂલ, સેંથામાં ઝૂલતી ટીલડી, બિન્દીઓ, નથ, શરમાળ બંગડીઓ, ઝાંઝરના સંકેત, ગરમ શ્વાસોના અત્તરફુલેલની સુગંધ હવામાં ફેલાવતી – શણગારીને ઝગમગ થતી કુંજડીઓ ઊતરી આવશે ચંબાના આંગણે… પછી તો હરિયાળા ઘરમાં સજાશે રૂપ-રસ-ગંધની હાટડી, જુલ્ફોનાં ત્રાજવાં, હોઠોની બજાર અને નયનોનો વેપાર… દિલની કિંમત પર મોહના સોદા કરી એ બધાં પોતાની સાથે લઈ જશે મિંજરનું એક સપનું…’

બે : વરસાદ – બાલ્કનીનો

વરસાદ મને જંપવા દેતો નથી. ચોમાસું ઊતરશે નહીં ત્યાં સુધી મારી છાતીમાં મેઘ ગોરંભાયેલો રહેશે. ક્યારેક મુશળધાર વરસે છે તો ક્યારેક ઝીણા ઝીણા છાંટા. વરસાદ રહી જાય પછી પણ મનમાં નળિયાં પરથી નેવાં ટપક્યા કરે છે. બહાર માથોડાંભેર ઘાસ ઊગી નીકળ્યું છે અને મારી અંદર આછું આછું લહેરાતું રહે છે. આંખોમાં રંગબેરંગી પતંગિયાં ઊડ્યા કરે છે. રાતે છાતીની પાંસળી વચ્ચે આગિયા ઝબૂક ઝબૂક થાય છે.

રાતના વરસાદ પછી તીખો તડકો ઊગ્યો છે. હિમાલયના પહાડો પરથી નીચે ઊતરી આવેલાં વાદળાં સ્મૃતિ જેવાં લાગે છે. દૂર દૂરનાં સ્મરણોની જેમ મારા આકાશમાં ખેંચાઈ આવ્યાં છે. હું લીલાશ અને ભીનાશની માયાજાળમાં લપેટાયેલો એકલો ઊભો છું. ઘડીમાં વિષાદ, ઘડીમાં પ્રસન્નતાની લહેરખીઓ. વીજળીના તાર પર તોળાયેલાં જળબિંદુ સવારના તડકામાં ચળકે છે. તાર નીચેથી પસાર થતી એક કન્યાના માથા ઉપર ટપાક દઈને પાણીનું ટીપું ટપક્યું. એ ચોંકી ઊઠે છે. વિસ્મયથી ઉપર જુએ છે. કોરા આકાશ નીચે પણ ભીંજાઈ જવાય એવી ઋતુ કન્યાના મનમાં ઊગી આવી હશે. એ ખસતી નથી. મોઢું ઊંચું કરીને બીજા ટીપાની રાહ જોતી હોય એવું લાગે છે. એક મોસમ ક્યાંક એની આસપાસ છે. સાવ નજીક. કન્યાની છાતીમાં ધોધમાર વરસે તેવો વરસાદ કદાચ એકાદ ચોમાસા જેટલો જ દૂર હશે. એ હથેળી ખોલીને આકાશ નીચે ઊભી છે. એની હસ્તરેખાઓ નદી બનવા તત્પર થઈ ઊઠી છે. પછી કોઈ જોઈ તો નથી ગયું ને એવી મૂંઝવણ સાથે ચારે બાજુ જુએ છે અને ખાબોચિયામાં પગ ઝબોળે છે. હું બાલ્કનીમાંથી ખસી જાઉં છું. આ કન્યાના ભીના એકાન્તની ક્ષણો છે. એના પર માત્ર એનો જ અધિકાર છે.

ભીની ઈંટોવાળાં મકાનો સ્થિર ઊભાં છે – નીલવર્ણા આકાશ નીચે, ચુપચાપ, એકબીજાની પછીતને તાકતાં. રસ્તા પર ભરાયેલાં પાણીમાં પોતાનાં પ્રતિબિંબ જોઈને મુગ્ધ થયેલાં મકાનો. છતો પર કપડાં સુકાય છે. હવામાં ફડફડતાં. વરસાદના ભેજની ગંધ એ કપડાંમાંથી ઊઠતી હશે. ભીંતો દ્રવી ઊઠી છે. અંદરનું બહાર ઝમવા લાગે એવી વરસાદી ઋતુ આખા ચંડીગઢ શહેર પર ફરી વળી છે. માથોડા ઊંચાં ઘાસમાં ચરતા બળદો દેખાતા નથી, પરંતુ ડોકે બાંધેલી ઘંટડીનો રણકાર ઘાસના લયમાં એકાકાર થઈ ગયેલો સંભળાય છે. હવામાં થરકતા ઘાસનો પણ એક લય હોય છે અને તે માત્ર ચોમાસામાં જ પકડી શકાય છે.

ભીની ભીની નિ:સ્તબ્ધતામાં હમણાં જ કોઈ ચાલ્યું ગયું હોય એવો વિષાદ છે અને એ કોઈ પણ ઘડીએ પાછું આવી ચઢશે તેવી પ્રતીક્ષાભરી ખુશી પણ છે. તાર પર બેઠેલું પંખી પાંખો ફફડાવી ઊડી જાય છે. તડકો ફરી વિલાઈ ગયો છે. આકાશ ઘેરાઈ આવ્યું છે. એ કોઈ પણ ક્ષણે ત્રાટકશે.

ત્રણ : વરસાદ – ઇન્ડિયા ગેટનો

દિલ્હી આવ્યો છું. કલ્પના (પાલખીવાલા)નું ઘર ઇન્ડિયા ગેટની સાવ નજીક છે. સાજે ચાલતો ઇન્ડિયા ગેટ બાજુ જાઉં છું. થંભેલા વરસાદનું પાણી પહોળી સડકની ધાર પાસે એકઠું થઈ ગયું છે. હારબંધ ઊભેલાં વૃક્ષો નીચે ખરેલાં પાંદડાં પાણીમાં તરે છે અથવા ગારામાં ચોંટી ગયાં છે. છાલ છોતરી શકાય એવાં ભીનાં થડની કરકરાશ પર હાથ ફેરવું છું.

બરોડા હાઉસના બસસ્ટૉપ પાસે એક છોકરી ઊભી છે. બસ આવી, છતાં એ એમાં બેઠી નહીં. કદાચ કોઈ એને આ વરસાદી સાંજે મળવા આવવાનું હશે. એ છોકરીને પ્રતીક્ષા કરતી છોડી હું આગળ વધું છું. સડકની સમાંતરે કેડી પર ચાલતો રહું છું. જાંબુના ઝાડની ડાળીઓ નીચે ઊતરી આવી છે. જમીન પર ખરેલાં જાંબુ મારા પગ નીચે કચડાય છે. બાજુમાં લાંબી લૉનની વચ્ચે ઊગેલાં ઘટાદાર વૃક્ષ નીચે પ્રણયદૃશ્ય ચાલી રહ્યું છે. થડને અઢેલીને છોકરી ઊભી છે. સામે એનો પ્રેમી ઊભો છે. લગભગ સટોસટ. છોકરીને બંને બાજુનો આધાર છે – સામે પ્રેમી, પાછળ થડ. ક્યાંથી આવી હશે? કદાચ ન્યૂ રાજેન્દ્રનગરથી, કદાચ કરોલ બાગથી, છોકરો કદાચ યમુના પાર રહેતો હશે. કોઈ પરિચિત વ્યક્તિ જોઈ ન જાય તેટલું સલામત અંતર પાર કરીને જ પ્રેમ કરવા માટે એ લોકો ઇન્ડિયા ગેટ સુધી આવ્યાં હશે. મારું અનુમાન નિરાધાર હતું. છતાં એવું વિચારવું મને ગમ્યું. ઘેરથી નીકળ્યાં હશે ત્યારે વરસાદની એંધાણી નહીં હોય. હવે પોરો ખાઈ રહેલા વરસાદની ભીની હવા બંને વચ્ચેની સાવ પાતળી જગ્યા વચ્ચેથી પસાર થતી હતી. છોકરીનું સ્કર્ટ હવામાં ઊડતું હતું.

એમને પણ પાછળ છોડીને આગળ વધું છું. સડકની પગથી પર એક યુગલ બેઠું છે. એક જ છત્રી ઓઢીને, ચોમાસાની અંદર ચોમાસું, વરસાદની અંદર વરસાદ. છત્રી નીચેથી ગંધ ઊઠતી હશે. અટકેલા વરસાદની ગંધ, યુવતીના વાળમાંથી ઊઠતી ગંધ, ભીના ઘાસની ગંધ, ચામડીની ગંધ, હવાની ભેજલ ગંધ, એક છત્રી નીચે હોવાની છલછલતી ખુશીની ગંધ.

એ લોકો પણ પાછળ રહી ગયાં. હું ઇન્ડિયા ગેટ સામે ઊભો છું. લાંબા લાંબા ફુગ્ગા લઈને ફેરિયા ઊભા છે. શેકાતી મકાઈની સુગંધ આવે છે. લાંબી સડકના સામા છેડે આવેલું રાષ્ટ્રપતિ ભવન વરસાદી ધુમ્મસમાં ઢંકાઈ ગયું છે. લાંબી કતારમાં ઊભેલા લેમ્પ પોસ્ટ પર બત્તીઓનું અજવાળું ઝિલમિલ થાય છે. એક એક મુકામ જેવી બત્તીઓની આસપાસ ચકરાતાં વરસાદનાં જીવડાં. હું ભીના બૂટ હાથમાં ઉપાડીને ઇન્ડિયા ગેટની લૉન પર ચાલવા લાગું છું. પેન્ટની પટ્ટી ભીની થઈ ગઈ છે. પગના તળિયામાં સુંવાળી થરથરાહટ ઊઠે છે. લોકો ઘાસ પર બેઠા છે. એ લોકોને પણ વરસાદના જાદુની ખબર છે. એમનાં બચ્ચાં ઘાસ પર દોડે છે.

ત્યાં જ પોરો ખાવા અટકેલો વરસાદ ફરી તૂટી પડે છે. કોઈને ઉતાવળ નથી. બધાં ભીંજાવા માટે જ બહાર નીકળ્યાં છે. મારી આસપાસ વરસતી વરસાદની ધારથી ઘેરાઈને હું એકલો થઈ જાઉં છું. હાથ વીંઝીને કશુંક કાપવાનો પ્રયત્ન કરું છું. પણ ઝડી અવિરત ચાલુ રહે છે. મને લાગે છે કે હું વરસાદની અંદર છું, છતાં બહાર છું.

પાછો વળું છું.

છત્રી નીચે બેઠેલી બે વ્યક્તિ હવે બે નથી, એક થઈ ગઈ છે. થડને અઢેલીને ઊભી હતી તે (કદાચ) ન્યૂ રાજેન્દ્રનગરની છોકરી અને (કદાચ) યમુના પારથી આવેલો છોકરો દેખાતાં નથી. છોકરો થડ બની ગયો હશે અને છોકરી એને વીંટળાઈ વળેલી વેલ. બરોડા હાઉસનું બસસ્ટૉપ ખાલી છે. પેલી છોકરી પણ ચાલી ગઈ છે. એ જેની પ્રતીક્ષા કરતી હશે તે છોકરો કદાચ આવ્યો હશે, કદાચ નહીં આવ્યો હોય. હું નીચે પડેલું જાંબુ ઉપાડીને મસળી નાખું છું. સાંજ જલદી ખતમ થઈ ગઈ છે અને દિલ્હીની રાત ઊતરી આવી છે. કસ્તૂરબા ગાંધી માર્ગ પર આવેલાં ઘરોમાંથી ગૃહસ્થીની સુગંધ આવે છે અને હું સડક પર ઊભો છું. બહાર. એકલો. મારા પગ પાસે વહેતાં પાણીમાં સૂકાં પાંદડાં તણાય છે.

ચાર : વરસાદ – સ્મશાનનો

આજે ચંડીગઢ શહેર સાથે મારી પૂર્ણ ઓળખાણ થઈ. હું આજે ચંડીગઢના સ્મશાનમાં જઈ આવ્યો. કોઈ પણ શહેરનું સ્મશાન જોયા વગર તે શહેર સાથેની ઓળખાણ અધૂરી રહે છે. આપણે ટૂરિસ્ટ તરીકે કોઈ શહેરમાં જઈએ ત્યારે ત્યાંના જૂના કિલ્લામાં ફરીએ, હવડ વાસવાળી પુરાણી ઇમારતના અંધારામાં રખડીએ; બાગબગીચા, મ્યુઝિયમ, મંદિરો, મસ્જિદો જેવાં સ્થળોની મુલાકાત લઈએ; ગાઇડના એકધારા યાંત્રિક અવાજમાંથી ઇતિહાસને સૂંઘવાનો પ્રયત્ન કરીએ – પરંતુ તે શહેરના સ્મશાનમાં જવાનું ટાળીએ છીએ.

હું પણ અહીં ખાસ સ્મશાન જોવા ગયો નહોતો. મારે જવું પડ્યું હતું. આકાશવાણી ચંડીગઢના સમાચાર વિભાગના એક અધિકારીની પત્નીનું આગલા દિવસે મોડી સાંજે અવસાન થયું હતું. સ્મશાનયાત્રા બીજા દિવસે બપોર પછી હતી. ડાઘુઓ ઘેરથી નીકળે તે પહેલાં ધોધમાર વરસાદ શરૂ થયો. રસ્તામાં પાણી ભરાઈ ગયું હતું. હું અને મારા કેટલાક સાથીદારો ઑફિસથી સીધા સ્મશાનમાં પહોંચ્યા. તે વખતે ત્યાં ત્રણ ચિતા જલતી હતી. અમે જેના માટે આવ્યા હતા તે લોકો હજી પહોંચ્યા નહોતા. વરસતા વરસાદમાં સ્મશાનઘાટ પર મૃતદેહની રાહ જોતા ઊભા રહેવું વિચિત્ર લાગતું હતું. વરસાદને લીધે હવા ખૂબ ઠંડી થઈ ગઈ હતી.

વરસાદની ઝડી વચ્ચે શબવાહિની આવતી દેખાઈ. એ લોકો નીચે ઊતર્યા. બધા જ ડાઘુ ભીંજાયેલા. સુયોજિત નગર ચંડીગઢનું સ્મશાન પણ સુયોજિત છે. ચિતા માટે અલગ અલગ છાપરાં બાંધ્યાં છે. અમે પગથિયાં ઊતરી એક છાપરા નીચે ઊભા રહ્યા. આસપાસ જોયું. બીજાં છાપરાં નીચે સળગતી ચિતાઓની આજુબાજુ લોકો ઠંડીમાં ધ્રૂજતા ઊભા હતા. કદાચ ચિતાની આગમાં શરીર તપાવતા હતા.

મારા સહકર્મચારીએ એની પત્નીના શરીરને અગ્નિદાહ આપ્યો. ડાઘુઓએ હાથમાં પકડેલાં છોડિયાં ચિતામાં ફેંક્યાં. ધૂ ધૂ કરતી આગની લપટો ઊંચી ઊઠી હતી. બહુ વિચિત્ર દૃશ્ય હતું. ચારેકોર પાણી વરસતું હતું. પવનથી વરસાદની ધાર આડી ફંટાતી હતી. ભેજભર્યા વાતાવરણ વચ્ચે આગની ગરમી વધવા લાગી. સહકાર્યકર્તા પત્નીના સળગતા શરીરને જોતો હતો. કદાચ એને પત્ની સાથે વિતાવેલાં કેટલાંય ચોમાસાં યાદ આવી ગયાં હશે. એણે વરસતા વરસાદમાં પત્નીને અંતિમ વિદાય આપી હતી.

લોકો કાદવમાં પગ લપસે નહીં એની કાળજી લેતા ધીરે ધીરે લાંબા વિશાળ છાપરા નીચે આવી ગયા. બધાનાં શરીર પરથી પાણી ટપકતું હતું. સામે જ, જરા દૂર, જિંદગીની સરહદની બીજી બાજુ, અલગ અલગ છાપરાં નીચે સળગતી ચિતાઓ જાણે કોઈ પૂર્ણવિરામની નિશાની હતી. આ બાજુ બચી ગયેલા, અર્ધવિરામ સુધી પહોંચીને અટકી ગયેલા, લોકો હતા. વરસાદમાં ચિતાઓ ટાપુ જેવી લાગતી હતી. ડાઘુઓની ભીડમાંથી ગંધ ઊઠતી હતી – વેદનાની ગંધ, અજાણ્યા ભયની ગંધ, પસીનાની ગંધ, સ્મશાનવૈરાગ્યની ગંધ.

સ્મશાનઘાટ પર વરસતા વરસાદની સાંજે ચંડીગઢ મારી વધારે નજીક સરક્યું હતું. બીજાની વેદના તમને કશાકની સાથે જોડી આપે છે.

પાંચ : વરસાદ – રણનો

કોઈ નહીં હોય. રણમાં વરસતા વરસાદને કોઈ જોતું નથી. સીમા પારથી ચઢી આવેલો દાણચોર જેવો કચ્છનો વરસાદ રણમાં એકલો એકલો વરસતો હશે. વરસાદને પણ એકલતા સાલે એવાં સ્થળો એટલે રણ. મધદરિયો અને પહાડની ખીણો. ધોમધખતા ઉનાળામાં સળગતી રહેવા ટેવાયેલી રણની ધરતી અણધાર્યા વરસાદથી વિસ્મયમાં ડૂબી અવાચક થઈ ગઈ હશે. ક્યારેક જ દેખા દેતો વરસાદ અજાણ્યા મહેમાન જેવો લાગતો હશે. વરસાદ રણમાં તો થોડો થાક ખાવા માટે જ ઘડી બે ઘડી રોકાય છે. કોઈને ખબર પડતી નથી કે એ ત્યાં વરસ્યો છે. વંધ્યા જેવી ધરતી પર વરસી ટૂંકા ઘાસની વેદના આપી ગયેલો વરસાદ નઠારા પ્રેમીની જેમ જલદી પાછો આવતો નથી. રણની ધરતી ઝૂરતી રહે છે. વરસાદ રણને ઠારતો નથી, વધારે સળગાવે છે. એક નાનકડા ઝાપટાનું સુખ આખી જિંદગીની પીડા બની જાય છે.