ગુજરાતી નિબંધ-સંપદા/સુમન શાહ/કૅમ્પસમાં મિલિટરી-વાન

કૅમ્પસમાં મિલિટરી-વાન

સુમન શાહ

ગુજરાત યુનિવર્સિટીનું માર્ચ-ઍપ્રિલનું કૅમ્પસ હમેશાં મઘમઘાટ હાસ છે. બધાં શિરીષને ફૂલ આવી ગયાં હોય, બધા લીમડાની મંજરી ઝીણું વરસતી હોય. ભૂરા આકાશ નીચે લાલ ગુલમહોર છટાથી ઝૂમતા હોય. બધાંની મિશ્ર મીઠી સુગન્ધ, પૉશે પૉશે ખાવાનું મન થાય એવી. અહીંના ઉનાળાની રાત તો સુન્દર હોય જ છે, સવાર અતિ સુન્દર હોય છે. શહેરમાંથી જૉગિન્ગ માટે રૂપાળા સુખી લોકોની અવરજવર મળસકાની શરૂ થઈ જાય છે. ત્યારે કૅમ્પસના સારસ્વતા ઊંઘતા હોય છે. આમ તો પરીક્ષાની ઋતુ. પણ વાતાવરણમાં નરી તરલતા વરતાય. લૅલાંનાં ધાડાં આખો દિ ક્રેં ક્રેં કરતાં આ છેડેથી પેલે છેડે ગ્રીષ્મને ગજવતાં લાગે. સાંજ નમે ત્યાં અટીરાની ઝાડીમાંથી મોરનું ટોળું નીકળી આવે. કેટલાક ગેસ્ટ હાઉસ તરફ, તો કેટલાક મૅનેજમૅન્ટની દિશામાં ચાંચે ચડ્યું તે ચરતા રહે. કોઈ વરણાગિયો મોર ટીવી-ઍન્ટેનાની શોભા મિનિટો લગી વધારી મૂકે. ઝાડીઓમાં કૉયલો ટહુક્યા જ કરે, તે એવું નિયમસરનું કે ધ્યાન જ ન જાય. બોગનવેલોના બુટ્ટા ભરી લીલાશ ચોપાસ હોય, એટલે બળબળતા તાપની યાદ જ ન આવે. આ દિવસોમાં કૅમ્પસ સાચે જ થોડું અધ્ધર, ઊંચકાયેલું હોય છે.

પણ આ વર્ષે જુદી જ રીતે ઊંચકાયેલું છે. દેશનાં શહેરોમાં અમદાવાદ ઝડપથી વધુ ને વધુ પ્રદૂષિત થનારું શહેર કહેવાય છે. પણ એનું યુનિવર્સિટી-કૅમ્પસ સાવ જ ચોખ્ખું, બલકે તાઝગીપ્રદ છે. અહીં શહેરમાં ગોળીબાર થયો હોય એની ખબર બીજા દિવસે છાપું ખોલો ત્યારે પડે છે. પણ આ વખતે એવું નથી. છેલ્લા અઢી માસથી શહેરમાં અનામતનું આંદોલન ચાલે છે. પરીક્ષાઓ સાવ જ નહીં. રાજ્યના લગભગ સાતેક લાખ વિદ્યાર્થીઓનાં નાજુક ભાવિ સાથે ચેડાં થયાં છે. પ્રવૃત્તિથી ધમધમતા યુનિવર્સિટીના પરીક્ષા-વિભાગમાં સોપો પડી ગયો છે. ગુજરાતની કૉલેજો, હૉસ્ટેલો અને શાળાઓના કોરીડોર્સ પર ધૂળો છવાઈ ગઈ છે. દસમા-બારમાનાં સુકુમાર કિશોર-કિશોરીના ચહેરા આ આતંકથી ગ્લાન ૫ડી ગયા છે. આક્રોશ હજી એમનામાં મહોર્યો નથી, એટલે પોળની રમતોને એમણે નાદાનીથી વહાલી કરી છે. સંખ્યાબંધ નિર્દોષ લોકોને મરણશરણ કરાયા છે. આગ અને લૂંટફાટમાં કરાડોનું આંધણ થયું છે. એક અંદાજ મુજબ અમદાવાદ દસ વર્ષ પાછળ ફેંકાઈ ગયું છે. શહેરમાં ઠેકઠેકાણે કરફ્યુ છે અને પોલીસ તેમજ ‘મિલિટરિકી ગશ્ત જારી હૈ”… છેલ્લા બે દિવસથી અમદાવાદને માથે હૅલિકૉપ્ટરો પણ ફરે છે. દસ મિલિટરી-વાન કૅમ્પસમાંથી ધીમી ગતિએ જતી જોઈ તે રાતે ઊંઘ ન આવી. પછી તો બે કલાકને અંતરે જોવા મળતું એ દૃશ્ય મનમાં ગોઠવાઈ ગયું. વાનમાં આગળ સ્ટૅનગનધારી ઊભા હોય, ને પાછળ સોલ્જર્સની બાજ જેવી ચાંપતી નજરોની કિલ્લેબંધી. મને થયું : યુનિવર્સિટીના મેઈન બિલ્ડિંગથી કુલપતિનિવાસ થઈ મૅનેજમૅન્ટ જતો રસ્તો લશ્કરની હેરાફેરી માટે કદીયે હોય! અરે, અહીં તો રોજ બિચારાં પ્રેમીઓ મળે છે! એમનાં સ્કૂટર ખડાં કરી, અડોઅડ બેસી ગુફતગૂમાં જીવનરસ લૂંટતાં હોય છે. ઝાડ નીચે અંધારામાં લપાયેલી કોઈ ફીઆટમાં ઝીણી ઝીણી વાતો કરતાં યુગલોનાં અંગત મિલનો માટે આ બધા રસ્તા છે. પણ કૅમ્પસનું એ ખુશનુમા મધુર એકાન્ત આજે ભૂંસાઈ ગયું છે. સાત-આઠ વાગે પણ રાતના બેત્રણ વાગે હોય તેવી વિજનતા હોય છે. પાછળ આવતો સાઇકલધારી પીઠમાં છરો તો નહીં ભોંકી દે ને, એવી દહેશત રહે છે! સામેથી આવતો દરેક તમને શંકાથી જુએ છે! રાજિંદો વિશ્વાસ, ઘરોબો ચાલી ગયાં છે. બધાં તનાવથી જોડાયેલાં છે. દરેકના ચિત્તમાં અજંપો અંધકારના કોઈ ડિમ્ભની જેમ કૂદ્યા કરે છે…

લખવાનું કામ હું બેડરૂમમાં કરું છું. કાર્યવશાત્ અમારી પથારી ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિઓથી ભરાઈ ગઈ છે. આ તરફ બૉદલેર છે, અહીં વર્લેં – એનો અંદાજ એમણે કદાચ નહીં બાંધ્યો હોય. એઓ સ્વપ્નદૃષ્ટા છે. એક વડાપ્રધાન માટે એ સારું ગણાય. એકવીસમી સદીમાં પ્રવેશવું એટલે યન્ત્રવિજ્ઞાનની પશ્ચિમી દોડને લાયક બનવું. આ મુખ્ય સ્વપ્નને સાકાર કરવા એમણે બીજાં બે નાનાં સ્વપ્ન પણ આકાર્યાં છે : દેશમાં કમ્પ્યુટર ક્રાન્તિ આવે અને શિક્ષણમાં મૂળગામી પરિવર્તનનો પાયો નખાય. એમને મળેલી અસાધારણ બહુમતીએ એમને સાચી દિશામાં ઉત્સાહિત કર્યા છે. શિક્ષણમાં પરિવર્તનની એમની વાતને એમના સાથીઓ, શાસકો, અધિકારીઓ, યુ.જી.સી., યુનિવર્સિટીઓ અને નાના મોટા શિક્ષણકારો ઝડપથી ઝીલી લેશે. રેલોલ–ની સ્ટાઈલમાં સ્થાપિત હિતો એમાં ભાગ પડાવવા જલદી જલદી આગળ આવશે. શિક્ષણની પ્રવર્તમાન દશાનો વાસ્તવિક ખયાલ તો વિદ્યાર્થી અને શિક્ષક પાસે છે. એ જાણ્યા વિનાનું પરિવતન પી. એમ.ની કૅપનું છોગું જ બની રહે. બાકી એકવીસમી સદીની સવાર થવાને માત્ર ૧૫ વર્ષની જ વાર છે… ૩૦–૪-૮૫
૧૬-૫-૮૫