ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/સમતાનો મેરુ

સમતાનો મેરુ

સ્વામી આનંદ

પૂર્વપુણ્ય કહો, કે નરા ભાગ્યબળે કહો ‘સાધુ’ શબ્દ મને જિંદગીભર બહુ પ્રિય રહ્યો. આ શબ્દ સાંભળતાં કે વાંચતાંવેંત મારું મન ને માથું સદાય ઝૂક્યાં છે. નૈતિક કે અધ્યાત્મિક એવી કશી સૃશ્ટિની ઓળખ, ચરિત્રબળના અનુરાગ જેવા કશા સંસ્કાર કે કમાણીની પૂંજી મારી ગાંઠે હોય, તો તેનું હાડ સાધુ પુરુશોએ બાંધ્યું. સાધુ એટલે જટા વધારી, રાખ ચોળી, પંચાગ્નિ તાપનારા બાવા નહિ:

રાસભ રાખભર્યા રહે, વહાલા વીરા રે જટાવાળાં જુઓ વડવૃક્ષ, ઘરો ગુણ ધીરા રે

સાધુ એટલે સાધનાવન્તા, જીવનને સાધના ગણીને જીવનારા, જિંદગીના તમામ ઝીણામોટા વહેવાર ‘मय्यर्पित मनोबुद्धिः’વાળી પ્રભુસમર્પણ ભાવનાથી કરનારા ભક્ત માણસો. પ્રાચીન ઋશિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા જગમાન્ય, અગર તો સ્વ. મશરૂવાળા કે નાનાભાઈ ભટ સુધીના ઘણાખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારનાં લાખો કરોડો દુન્યવી માનવીઓની જેમ જ એમણે પોતપોતાનાં કામકાજ વહેવાર માનવધર્મ અદા કર્યાં. તેમ કરતાં કરતાં અસંખ્ય માટીપગાં દુન્યવી માણસોની જેમ એમણે પણ ભૂલો કરી. નબળાઈઓ બતાવી. પડ્યાઆખડ્યા, ગાફેલગીરી કીધી. છક્કડો ખાધી, વેદિયા-બાવળાય ઠર્યા. પણ દરેક વેળા જાગી-સમજીને પાછા ઊઠ્યા, ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ પોતાની આગળ, પોતાના મિત્ર-પરિવાર સમક્ષ કે દુનિયા સમક્ષ, કબૂલીને આગળ ધપ્યા. અને અંતે જિંદગીની બાજી જીતીને પ્રભુચરણે વિરમ્યા.

આ બધા સત્પુરુશો કે સંતોના અનુજોનો વર્ગ જ જિંદગીમાં સદાકાળ મારો આરાધ્ય અને મારા ગુરુસ્થાને રહ્યો. સંસાર ઉપરના તેમ મારા ઉપરના એના ઉપકારને લેખું નથી. આ અંગે મારી વૃત્તિ હંમેશાં

સબ ધરતી કાગજ કરું, કલમ કરું વનરાઈ સાત સમદર શ્યાહી કરું, ગુરુ ગુણ લિખ્યા ન જાઈ

વાળા ઋણાભાવની રહી છે.

જૂના કાળના ઋશિમુનિઓ સૌ ગૃહસ્થાશ્રમીઓે હતા; જોગીજતિ નહોતા. અને આપણાં ઇતિહાસ પુરાણોયે પણ ત્યાગ સંન્યાસને જિગરજાનથી બિરદાવ્યા છતાં સરવાળે ગૃહસ્થાશ્રમનો જ મહિમા ગાયો. ભલભલા જતિજોગી તપસ્વીઓને જીવનદર્શનમાં સંતુલન અને સમન્વય શીખવા સારુ એમણે ગૃહસ્થાશ્રમી ઋશિઓનાં આશ્રમોમાં, અગર તો અભણ ઘરવાળી બાઈ કે કસાઈઓને ઘેર મોકલ્યા. નામદેવ, તુકારામ, નરસી, નાનક, કબીર, રામકૃષ્ણ ઠાકુર બધા જ ગૃહસ્થાશ્રમી હતા.

મારા જીવનમાં મેં સાધુબાવાઓ પાસેથી અલબત્ત બહોળો ઉપકાર મેળવ્યો. છેક બચપણે એમની બાંય પકડી ત્યારથી એમની દુનિયાયે જ જપતપ સંયમ ત્યાગવૈરાગના સંસ્કાર મારામાં સીંચ્યા. મારી સાધુ બ્રાન્ડનું મને જિંદગીભર અભિમાન પણ રહ્યું. પણ મારું ખરું હાડ તો ગૃહસ્થાશ્રમી ગુરુજનોયે જ બાંધ્યું, એમ કહેવામાં સાધુ-આલમને કે મારા અંચળાને હું મુદ્દલ અન્યાય નથી કરતો.

મારું આવું ઘડતર કરનારાઓમાં આરંભકાળના તેમજ તે પછીના રામકૃષ્ણાનુયાયી સાધુઓને તેટલા જ ભક્તિભાવે કુડીબંધ ગૃહસ્થાશ્રમીઓને હું ગણાવી શકું. લોકમાન્ય તિલકદાદા, ગંગાધરરાવ દેશપાંડે, ચિંતામણરાવ વૈદ્ય, જનાર્દન વિનાયક ઓક, ગાંધીજી, નાનાભાઈ ભટ અને બીજા ડઝનબંધ અદના કે અજ્ઞાત ગુરુજનો, જેમણે ટીપીટૂંપીને મારું ઘડતર કર્યું, એ બધા ગૃહસ્થાશ્રમી હતા.

ગંગા સમી ઉપકારક અને આકાશગંગા સમી મનોહારી આ હારમાળામાં ઉદયકાળના તેજરશ્મિ સમા હતા વામનદાદા. મારા હાડમાં પાયાનું ખમીર જો કોઈએ સીંચ્યું હોય, સિંહણના દૂધ સમા ભારોભાર નરવા અદ્વૈત વેદાંત સાથે સંતોની આસ્થા સેવાભક્તિના અસલી સંસ્કાર વહેલી વયે કોઈએ મારા હાડમાં ધરબ્યા હોય, તો તે એ જ ગૃહસ્થાશ્રમીએ.

[૧]

પિતા ગુજર્યા ત્યારે વામનદાદાની ઉંમર માંડ પંદર. ચાર ભાઈબહેનમાં સૌથી મોટા. જેમતેમ મૅટ્રિક સુધી પહોંચેલા. ત્યાં ઘરનો મોભ તૂટ્યો. કુટુંબને માથે પહાડ પડ્યો.

બાઈને ઊંચે આભ ને નીચે ધરતી રહ્યાં. ત્રણ દીકરા-દીકરીને સૉડે લઈ મોટાને સામો બેસાડ્યો:

‘કેમ કરશું દાદા? શૅ’રમાં મુંથી મોલમજૂરી નૉ થાય. કાકા કને જઈને રઈયેં? ગામડાગામમાં નીંદવા લણવા, ખડ વાઢવાય જવાય.’

‘હા બાઈ, તમારું ધ્યાન પોંચે ત્યમ કરો. જ્યાં જવું હોય ત્યાં મૂઠી જુવાર ને પીઠલું કે અંબાડી (વાડવેલા)ની ભાજી ભાગ્યમાં લખાવીને આવ્યાં છયેં. ધરતીને છેડે જશું તોય એ ચત્કોર (ચૉથિયું રોટલા)ની ફડશ થવાની નથી.’

છોકરાં બધાં માને બાઈ કહેતાં.

કાકા ગામડાગામમાં તલાટી. વરસોથી ઘરભંગ થયેલા. પત્ની એક નાનકાને મૂકી ગયેલી. તેને ઉછેરે. હવે ખાસો મોટો થવા આવેલો. પણ દાદાથી બે વરસે નાનો.

ચારે છોકરાંને લઈ બાઈ ગામડે દિયરને ઘેર જઈ રહ્યાં.

તે કાળે ગામડાના તલાટીનો પગાર આઠ-દશ રૂપિયા. બાપદીકરો હતા ત્યાં સુધી તો નભ્યે જતું. હવે ભોજાઈ ને એનાં ટાબરાં ઉમેરાયાં. બધાંને કેણી મૅતે પાલવવાં?

બાઈએ ગાય રાખી. ગાવત્રીની સેવા માંડી. છાણગોઠા કરે. વાછરુ ટોવે, ખડ વાઢવા જાય.

જુવારના ચૉથિયું રોટલા ઉપર ટાબરિયાંવને ટીપું દૂધ કે છાશ મળવા લાગી.

પણ દાદાએ આગમ વાંચ્યા.

‘બરકત આપણને ન સદે, બાઈ! જુવારનો ચત્કોર ને અંબાડીની ભાજી જ લખી છે કિરતારે આપણે કપાળે.’

ગામમાં મૉ’વા આવ્યો ને ગાય મરી ગઈ!

વળતે દંને બાઈએ વાછરડીને કપાળે કંકુનું ટીલું કર્યું ને પાડોશીને ખીલે લઈ જઈ બાંધી આવ્યાં!

[૨]

કારમી ગરીબી. રોળાગરમાં કાકા એકલપંડે; ખાનારાં સાત. ઘરની તાવડી-તોલડીને બારદકાળી બાચકા ભરે.

દાદાનું ભણતર તો ક્યારનું અટક્યું હતું. કાકાનો કેશુય ભણવા જેવડો. પણ હાઈસ્કૂલને ગામે મોકલીને ભણાવવાની ત્રેવડ નહિ, એટલે દાદા એને ઘેર ભણાવે. બીજા બે રઘુ-ગણપત નાના. ગામનિશાળે જાય. દ્વારકી લગાર મોટી. ઘરકામમાં બાઈને મદદ કરે એવડી.

બાઈના આગ્રહથી કાકાએ વામનદાદાને તલાટીની નોકરીની આશાએ તાલુકા કચેરીને આંગણે અરજી-ઉમેદવાર તરીકે બેસાડવાની પેરવી કરવા માંડી.

‘દાદા! છ-બાર મહિને તું નોકરીએ વળગશે, ને કેશુય કાલ સવારે મોટો થાશે. લગાર ભણીને મૅટ્રિક લગણ પોંચશે, તો વગેસગે એનુંય ઠેકાણું પડશે.’

બેવ ભાઈ ઝટ મોટા થાય અને નોકરીએ ચડી કાકાને પડખે ઊભા રહે, એ દિવસની બાઈએ વાટ જોવા માંડી.

દાદાએ તાલુકાને ગામે જઈ તલાટીની જગાના અરજી-ઉમેદવાર તરીકે કચેરીને ઓટલે બેસવા માંડ્યું. કેશુને સાથે લઈ ગયા. બેવ ભાઈ સવારે વહેલા ઊઠી કસરત કરે, ભેળા બેસી રાંધેખાય, કચેરીએ જાય, દાદા અરજી લખામણીના બેપાંચ આના રળે. સાંજે આવીને ઘરકામ આટોપે. રાત્રે દાદા કોડિયાને દીવે કેશુને ભણાવે, કચેરીકામની માહિતી આપે, ને દસ વાગે બેવ સૂએ. ત્રીજે મહિને દાદાએ કેશુને મિડલ સ્કૂલમાં દાખલ કરાવ્યો.

વરસવળોટ વીત્યું હશે. નવરાતરના દિવસ. બેવ ભાઈ દશેરા કરવા ઘરને ગામ ગયા.

બરાબર માતાની આઠમને દિવસે કેશુને ધખતા તાવે લાલચોળ બળિયા ઊઠ્યા! નાકે, કાને, જીભે, તાળવે તલપૂર જગા બાકી ન રહી. દશેરા દશેરાને ઠેકાણે રહ્યા.

દાદાને હૈયે આગાહી થઈ ચૂકી હતી:

‘આ મોતનું તેડું છે.’

પણ કશું બોલ્યા વગર મૂંગે મૂંંગે ભૂખ-તરસ ભૂલી રાતઉજાગરા કરી જીવ પ્રાણ નિચોવીને કેશુની સારવાર-શુશ્રૂશા કરી. બળિયામા ઓસડ નહિ, દાણા ઉપર રાખ જ માત્ર ચાળીને ભભરાવવાની. બાઈએ બાધા-આખડીઓ રાખી. કાકાએ મંતરનારા બોલાવ્યા. બધું વ્યર્થ.

એકાદશીની સવારે કેશુએ પ્રાણ છોડ્યા!

કાકા દાઝ્યાડઘાયા હાર્યાલૂંટાયા જેવા સૂનમૂન. દાદા થાકભૂખ રાત-ઉજાગરાના માર્યા લથડિયાં લે. સમશાનેથી આવતાંવેંત હૈયાફાટ રોકકળ વચ્ચે ઘરખૂણેથી ચત્કોર ટુકડો ફંફોસી મીઠા જોડે ખાઈ લઈ એક કોરાણે ઘસઘસાટ ઊંઘમાં પડ્યા! વળતી સવારે જ ઊઠ્યા, ને વળી પાછા સૂઈ ગયા. કુલ્લે કલાક છત્રીસ.

આ વજ્રાઘાત પછી કાકાનું જીવન કરમાઈને કોચલું થઈ ગયું. ન કોઈ જોડે બોલે ન ચાલે. ઘરમાં, નોકરીકામમાં, જમતાં માળા ફેરવતાં, દિવસે રાત્રે કશામાં જીવ ન રહ્યો. તલાટીનું સરકારી કામ ઘણુંખરું દાદાએ સંભાળવા માંડ્યું.

વરસવળોટ વીત્યું ને દાદાને તલાટીકામ પૂરું આવડી ગયું. એવામાં જ નજીકમાં ક્યાંક તલાટી કે કારકુનની કોક જગા ખાલી પડી. દાદાએ અરજી મોકલી. બાઈને હૈયે હાશ વળી.

‘દાદા! તને નોકરી મળશે એટલે આપણે ચંદારાણાને તાં કાકા માટે પાશેર દૂધનો ઉકડો બાંધશું.’

‘માડી! મૂઠી જુવાર ને અંબાડીની ભાજીની આપણી સનદ તો ભલો ભ્રમ્માય ખૂંચવી શકે એમ નથી. એ ઉપરાંતનું આવે તે સંધાયનો દૂધનો ઉકડો બાંધી દેશું ચંદરાણાને તાં. પણ ભેંશ ભાગોળે ત્યાં શેખસલ્લીના શા મનસૂબા? આશાના મહેલ ઊંચા, બાઈ! પણ નીચું કાચું કારભારું!’

ને અલખના લેખ વાંચતાં હોય એમ આકાશ ભણી જોઈ રહે. બાઈ ડોકું ધુણાવે ને મનમાં ગણગણે:

‘સુદામાના જ કુળનો.’

પણ પછી તો સાચે જ દાદાની નોકરીની નિમણૂકનો કાગળ આવ્યો. પણ —

આગલી રાતે જ ઘરના દશરથ રાજાએ એના રામના વિજોગે ઝૂરીઝૂરી શોશાઈ કંતાઈને પ્રાણ તજ્યા હતા!

નિમણૂકનો ખલીતો ટપાલી ઓશરીમાં નાખી ગયો હશે, તે કાકાના અંતવિધિ અને સમશાનજાત્રાની ધાંધલમાં એમ ને એમ પડી રહેલો. વળતી સવારે જ દ્વારકીએ જોયો, ને ઊંચકી લઈને દાદા કને જઈ આપ્યો.

બાઈ: ‘શેનો કાગળ છે?’

‘કાલે ટપાલી નાંખી ગયો હશે, તે અત્યારે જ દ્વારકીએ જોયો. — ગામે તલાટી તરીકે મારી નિમણૂક થઈ છે.’

બાઈ: (ઊંડો નિસાસો મૂકીને) ‘દેવબાપાએ જમણે હાથે દીધું, ને ડાબે હાથે સેરવી લીધું!’

દાદા: ‘આપણી ચત્કોર જુવાર અને અંબાડીભાજીની સનદ કાયમ છે, બાઈ! એમાં કોઈ મીનમેખ કરે એમ નથી.’

ચિત! તું શીદને ચિંતા કરે? કૃશ્ણને કરવું હોય તે કરે.

આઠની ઊગી તો દસની આથમી. નોકરી. નોકરી મળી; પણ બાઈને, દાદાને, ઘરનાં સમજણાં છોકરાંને, કોઈને એનો રતિપૂર આનંદ નહોતો.

દાદા નાના રઘુને ગીતનો શ્લોક ગોખાવી રહ્યા છે:

यथा दीपो निवातस्थो नेंगते सोपामा स्मृता।

‘એટલે કે પવન વગરના ઘરમાં બળતા દીવાની શગ જેમ કંપતી નથી, તેમ માનવીનું મન સુખદુઃખ વચ્ચે અવિચળ રહે ત્યારે એ જીત્યો કહેવાય. સમજ્યો રઘુ?’

‘ના.’

‘તું હજી નાનકો છે, બચ્ચા. મોટો થઈશ ત્યારે સમજીશ.’

‘જીવીશ તો ને?’

દાદાએ નાક આંગળી અડાડી:

‘ચૂપ! એવું ના બોલિયેં. બાઈ સાંભળે તો દુ:ખી થાય. (સ્વગત) બાપડાને દેવબાપો જ બોલાવતો હશે, ભલો હશે તો. આ કુળના નબીરા સાચે જ અવનવું ભાગ્ય લખાવીને ગાંઠે બાંધી લાવે છે!’

મૂઠી જુવાર ને પીઠલું કે વાડવેલાની ભાજી કુટુંબને કપાળે કાયમ રહ્યાં. દાદાએ જળકમળવત્ રહી તલાટીની નોકરી કરવા માંડી. ન જમણે જોવું, ન ડાબે.

ગામડાની નોકરી, ઑફિસ, પટાવાળો, — કશું ન મળે. ઘરઆંગણે બેઠાં જ રોજેરોજનાં સરકારી કામ કરે; બાકી બધો વખત વેદાંતના ગ્રંથો વાંચે. કોરું પોથી-પંડ્યાવનું વેદાંત નહિ; સંતોનું, વિવેકાનંદનું.

विवेका सहित वैराग्याचें बळ धगधगीतो ज्वाळ अग्नि जैसा।

એ વેદાંત અને એમના રોજિંદા જીવનવ્યવહાર વચ્ચે કશો ભેદઆંતરો ન મળે. શુકદેવજી જ જન્મેલા. પગલે પગલે વેદાંત. ડગલે ડગલે સમજણ. વિવેક તેવો જ વૈરાગ્ય. અન્તેવાસીને હૂંફવે તેટલો જ દઝાડે.

વીસ ઉંમરે લગન કર્યાં. દ્વારકીને તો બાઈએ વહેલી જ પરણાવી દીધી હતી. દીકરી ગઈ, વહુ આવી. એક ખાનારું ઓછું થયું, ને બીજું આવ્યુંં. ચોથિયું રોટલો ને પીઠલું-અંબાડી કાયમ રહ્યાં.

નાના રઘુ-ગણપત બેઉ હવે મોટા થયા હતા. નિશાળે જાય, પણ સાચું જીવનનું ભણતર તો દાદા જ ઘરઆંગણે ભણાવે.

સંસારની ઘટમાળ ચાલુ રહી. ઘડિયાળાંની રેત ને પુલ હેઠળનાં પાણી સર્યે ગયાં. ક્ષણે ક્ષણે એમ અવિરત સરે એનું જ નામ સંસાર. દાદાની નિમણૂક શહેરની કચેરીએ થઈ. રઘુ હાઈસ્કૂલે પહોંચ્યો. અને મૅટ્રિક પહોંચવા અગાઉ જ હૉસ્પિટલ આસિસ્ટન્ટના ભણતરમાં ગયો. તે કાળે જવાતું. દસ રૂપિયા સ્કૉલરશિપેય મળી!

કટમ કોળ્યું. રાધાભાભીએ બાઈને પોતરાનું મોં દેખાડ્યું. નામ પાડ્યું નારાયણ.

પણ દાદાની નોકરી રૂ. દસની; ને શહેરના વસવાટ. શહેરમાં ન મળે વાડવેલા, ન ખેતરશેઢા. ચત્કોર જુવાર-રોટલો ને પીઠલું-અંબાડી કુટુંબને ભાગે કાયમ રહી, શહેરના વસવાટમાં કારમી ગરીબી વધુ સાલે.

[૩]

બરાબર એ જ અરસામાં એક ખુશનુમા સવારે બ્રિટિશ હકૂમત સામે આઝાદીના ઢોલ ધડૂક્યા!

૧૯૦૪-૦૫ની સાલ. લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. ત્યાંના ગવર્નર બેમ્ફાઈડ ફુલ્લરે હિંદના હિંદુમુસલમાનને બ્રિટિશ હકૂમતની અણમાનીતી ને માનીતી બૈયરો કહ્યા. આખી હિંદી પ્રજા બેઠી થઈ ગઈ. દેશની ત્રીસ કોટિ પ્રજાને કંઠેથી વંદે માતરમ્‌નો ઘોશ ઊઠ્યો:

ત્રિંશ કોટિ કંઠ કલકલ નિનાદ કરાલે દ્વિત્રિંશ કોટિ ભુજેર્ધૃત-ખર કરવાલે કે બોલે મા! તુમિ અબલે!

એ જ દિવસોમાં અમદાવાદના એક અજ્ઞાત ડ્રૉઇંગમાસ્તરે મુકુટ-ત્રિશૂળ-ધારિણી દેવીનું ચિત્ર દોર્યું. રવિવર્માની લક્ષ્મી સરસ્વતીની હરોળનું. નામ દીધું ‘હિંદ દેવી’. આ ચિત્ર વીજળી વેગે રાજામહારાજાના મહેલોથી માંડીને શહેર ગામ ચોરેચૌટે ને પાનવાળાઓની દુકાનો સુધી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી, દેશને ખૂણેખૂણે ફેલાઈ ગયું. ખુદ કવિવર ટાગોરે પણ તે પર મુગ્ધ થઈને ‘અયિ ભુવનમનોમોહિની!’વાળું અમર ગીત લખ્યું.

આ ભારતમાતા હિંદી મહાસાગરના અગાધ જળરાશિમાંથી અચાનક ઊઠીને સીધી અંબા દુર્ગા ભદ્રકાળી જોડે બેસી ગઈ. જીવતી જ્યોત કુળસ્વામિની બનીને ત્રીસ કરોડ હિંદીવાનોને હૈયે જડાઈ ગઈ! દેશનું આબાલવૃદ્ધ સૌ કોઈ એની પ્રીતિભક્તિમાં ન્યોછાવર થવા થનગની ઊઠ્યું!

ગામેગામ રણ ઊઠ્યાં. લાલ, બાલ, પાલનાં અને હિંદના દાદા દાદાભાઈ નવરોજીનાં નામ આખા દેશમાં ગાજી ઊઠ્યાં. ચોરેચૌટે, ગામભાગોળે ને શાળાકૉલેજોમાં ભાવનાના ચરુ ઊકળે.

મવાળિયા આગેવાન બધા આથમી ગયા. સ્વદેશી બૉયકોટ, રાશ્ટ્રીય કેળવણીની સ્લોગનો વહેતી થઈ. મુંબઈ અમદાવાદની કાપડમિલોને તડાકો પડ્યો. વેલાતી કાપડ બૉયકોટ!

એક દિવસ વહેલી સવારે બાઈએ દાદાને કચેરીનાં કાગળિયાં ઉથામીને પોટલામાં બાંધતા જોયા.

‘શું કરછ દાદા! અત્તારના પો’રમાં?’

‘આ કચેરીનાં કાગળિયાં ભેળાં કરું છું. ચારજ સોંપી દેવાનો છે. કાલે નોકરીનું રાજીનામું આપીને આવ્યો છું.’

‘રાજીનામું.’

‘હા બાઈ!’ આ પરદેશી હકૂમતે દેશની ત્રીસ કરોડ પ્રજાને ગુલામીની બેડીઓ પહેરાવી છે. તેનો હથોડો કેટલા દિવસ થાઉં?’

ટાઈમ પહેલાં જ મસમોટું પોટલું ખાંધે લઈ કચેરીએ પહોંચ્યા. ચારજ દઈ થોડી જ વારમાં ઘેર પાછા આવીને રોજની જેમ પંચિયાભેર ઓશરીની કોરે ફાટેલ આસનિયું નાંખીને બેઠા.

‘દીકરા! આવું ક્યાંથી સૂઝ્યું?’

‘ઍન ટાણે સૂઝ્યું, બાઈ! પ્રભુની મહેર છે. એ દીનદયાળો એના પારશદને પાપનો ધંધો કેમ કરવા દે?’

‘પણ આપણું કેમ થાશે દીકરા? રઘુની કૉલરશિપ વાટકીનું શિરામણ. એટલામાં એના ભણતરનું ને ઘરસંધાયનું કેણી મૅતે ચાલવાનું?’

‘પડશે તેવા દેવાશે બાઈ! ‘પડું, પડું?’ તો હરિચંદ રાજા કે’ ‘હમણાં જ પડી લે,’ અટલેં પાર આવે, આપણાં ચત્કોરભાજી કોઈ કાળોપહાડેય આપણા ભાગ્યમાંથી ભૂંસી શકે એમ નથી. તું શીદને ચિંતા કરછ બાઈ?’

દુ:ખમાં જ પરમેશ્વર આપણી પડખે રહે, સુખમાં ઓઝલ થઈ જાય. માટે જ કુંતા માયે કહ્યું, ‘હે કૃષ્ણ! દુ:ખને સદાય અમારું સંગી રાખજે, કાઢી લેતો ના.’

સુખ કે માથે સિલ પડો, સાહિબ નામ બિસરાય બલિહારી ઉસ દુ:ખ કી જો પલપલ નામ જપાય.

બાઈ અવાક. ઘર મૂંગું. રઘુ બહાર એને કામે. ગણુ નારુ નાદાન ઉંમરના. સમજુમાં એકલી રાધાભાભી. ઘરને ખૂણે મૂંગી રડે. બાઈએ હૈયે લીધી.

‘દીકરી! તારો પરણ્યો શુકદેવજીની સમજણ ને સુદામાજીનો વૈરાગ ગાંઠે લઈને આવ્યો છે, ભગવાનને ઘરેથી. વપતવખાથી હારીશ તો આ કુળમાં તારો ઉગારો ન મળે.’

પહોરવાર રડીને બાઈએ સોહાગણના સેંથાનું સિંદૂર ભીંજવી મૂક્યું!

હું દાદાના સમાગમમાં એવી ઉંમરે આવ્યો કે જ્યારે માણસની જિંદગીના પાયા અને એના મનમગજની બેઠક બંધાય છે, ને એ કાઠું કાઢે છે. બરાબર એ તબક્કે દાદાએ મારા ઘડતરને જે ઘાટ અણસાર આપ્યાં, તે જિંદગીભર ઓછેવત્તે અંશે કાયમ રહ્યાં. ધર્મ અને દેશભાવનાના અધકચર્યા સંસ્કાર તો મળી ચૂક્યા હતા; પણ જિંદગીના પાયાનાં પોલાદ તો દાદાએ જ સીંચ્યાં.

નાનપણમાં તાપી નર્મદાનો કે એવો કોઈ મસમોટો રેલવે પુલ બંધાતો હતો, ત્યારે પાડોશી છોકરાંઓને મોઢે મેં સાંભળેલું કે નદીને તળિયે ફૂટ જાડાઈની પોલાદની ચૂડીઓ ઉતારીને માંય સેંકડો ટન સીસું ગાળીગાળીને ઠાંસોઠાંસ સીંચવામાં આવતું. મારા જીવનના પાયામાં એવાં જ પોલાદ દાદાએ ઠાંસોઠાંસ ધરબ્યાં.

તરતાં મને દાદાએ જ શીખવ્યું. એક મોટા બારકોશિયા નવાણે લઈ જાય. નીચે અરધો ડઝન જુવાનિયા તરતા હોય. દાદા મને થાળાના મંડાણ ઉપર ઊભો રાખે. કહેશે,

‘માર ભૂસકો!’

હું ધ્રૂજું. કહું, ‘ધાસ્તી લાગે છે.’

‘માળા મૂરખ! આટલા આ તારા ભેરુબંધો તરી રહ્યા છે. એ તને ડૂબવા દેશે? અક્કલસે તો ખુદા કો પિછાણ—પાણીમાં પડ્યા વગર તરતાં કઈ રીતે શીખીશ?’

‘ચાલ, માર કૂદકો. એક બે ને સાડા ત્રણે પાધરું જ ન ઝંપલાવ્યું તો આ જો, — આમ ધક્કો જ દેવાનો. તારી જોડે જ ઊભો છું જો!’

ત્રણ ધૂબકે તરતાં શીખવ્યું.

કૂવાનવાણ શું, ભવસાગર જ તરતાં શીખવ્યું.

[૪]

દાદાએ રાષ્ટ્રીયશાળા કાઢી. ને જેરામ પટેલે અખાડો. સાથીઓ મળતાં વાર ન લાગી. માબાપો અને વાલીઓ ઘરના છોકરાઓને તિલક કરી, ફૂલમાળ પહેરાવી, ખોબામાં કંકુછાંટેલ નાળિયેર આપી, સગાંવહાલાં સાજનમાજન સાથે દાદાની શાળામાં દાખલ કરાવવા આવે. દાદા અને એમના સાથી શિક્ષકો કિશોરોને જીવ તોડીતોડીને દેશાભિમાનના પાઠ ભણાવે; રાષ્ટ્રીય ગીતો ગવડાવે. અખાડામાં જેરામ પટેલ કુસ્તી, દંડપટાના દાવપેચ શીખવે.

રવિવારે સવારના વારાફરતી બે શિક્ષકો અને ટોળુંએક વિદ્યાર્થી ગામ ફરે. ઘેરેઘેરથી મૂઠીફંડ જુવાર ઊઘરાવે, ગૂણી દોઢ ગૂણી થાય. છ માસ્તરો સરખેભાગે વહેંચી લે. એટલામાં વળતા દીતવાર સુધી કટમકબીલો પોસવાનો. પણ મનને વસવસો ઊપજે એ બીજા.

નિધડક વરતે રે દૃઢ ધીરજ મન ધારી, કાળકર્મની રે શંકા દેવે વિસારી. વહેલુંમોડું રે નિશ્ચે કરી એક દિન મરવું જગસુખ સારુ રે કો દિ’ કાયર મન નવ કરવું. અંતર પાડી રે સમજીને સવળી આંટી…

સાંજવેળાએ મેદાન ચોગાનમાં સભાઓ થાય. બાળક બૂઢાં ને અખાડિયા જુવાનોનાં ટોળાં ઊભરાય. હૈયેહૈયું દળાય ને તલપૂર જગા ન રહે.

દાદાની વક્તૃત્વ શક્તિ સોળે કળાએ ખીલી ઊઠી. મોટાં શહેરોનાં પણ આમંત્રણો આવે. જેપુરિયા સ્ટાઇલના સફેદ સાફામાં દાદા ભાશણ કરવા પ્લૅટફારમ ઉપર ઊભા રહે. ત્યારે લાલા લજપતરાય જેવા દેખાય. દસવીસ હજાર જુવાનોની મેદનીઓ મંત્રમુગ્ધ થઈ એકધ્યાન એકપ્રાણે દાદાની ગજબ પ્રેરણાદાયી વાણી સાંભળે: ધોધમાર તેવી જ અસ્ખલિત.

સભાને છેડે મતવાલા જુવાનો શિસ્તબદ્ધ કતારોમાં લશ્કરી અદાએ ઊભા રહી દાદાને સૅલ્યૂટ આપે. દાદા તે અપાર મમતાથી ઝીલે. ગામેગામ ને શહેર-કસ્બાં દાદાના વક્તૃત્વથી ગાજી ઊઠ્યાં. દેશના અગ્ર હરોળના નેતા વક્તાઓમાં દાદાની ગણના થવા લાગી.

પછી છાપું કાઢ્યું. નામ રાખ્યું ‘તરુણ ભારત.’ બંગાળમાં અરવિંદ ઘોષે ‘વંદે માતરમ્’ અંગ્રેજી દૈનિક કાઢ્યું હતું, તેની જ સ્થાનિક ગામઠી આવૃત્તિ જેવું. આ ‘વંદે માતરમ્’ દૈનિકે આપણા આઝાદી આંદોલનના આરંભકાળે પછીના ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ જેવો જ ભાગ ભજવેલો. દેશનો તમામ અંગ્રેજી શિક્ષિતવર્ગ એનાં લખાણો રોજ રોજ ભૂખાળવાની અધીરાઈથી વાંચતો. અને અમે જુવાનિયાઓ લખાણોના ફકરેફકરા ગોખીને તેનાં પારાયણો કરતા.

‘વંદે માતરમ્’ની પાછળ ‘કર્મયોગિન્’ સાપ્તાહિક નીકળેલું. એનો મુદ્રાલેખ હતો:

मामनुस्मर युद्ध च।

 (ગીતા અધ્યાય ૮)

આ બધા ઊહાપોહે તે કાળે હિંદી જુવાનોમાં વિદેશી હકૂમત સામે ‘સરફરોશી કી તમન્ના’ પેદા કરી, દેશની આઝાદી માટે માથું હથેળીમાં લઈને અને કેડે કફન બાંધીને ઝઝૂમવું, મારવું અને મરવું એ ધર્મયુદ્ધ છે; આખી પ્રજાને નિ:શસ્ત્ર કરી મેલીને પોતાના લશ્કરી ભરડા હેઠળ જકડી રાખનારી સલ્તનત સામે જે મળે તે શસ્ત્રથી લડવું લાજમ છે; એ ધર્મયુદ્ધ છે; — એવી પ્રેરણા હજારો લાખો નવયુવકોએ ભગવદ્ગીતામાંથી મેળવી. આમ આ દેશના ઇતિહાસમાં કદાચ પહેલી જ વાર ગીતા અધ્યાત્મિક ધર્મજાળમાંથી નીકળીને દેશની મુક્તિનું સંજીવનશાસ્ત્ર બની ગઈ. અસંખ્ય અંગ્રેજી ભણેલા જુવાનોએ એની પારાયણો કરવા માંડી.

વધુમાં, યુરોપના દેશોમાં થયેલી ક્રાંતિઓ તથા પ્રજાકીય સ્વતંત્રતા માટેની લડતોના ઇતિહાસ પણ એમનામાં તેટલી જ ચાહનાપૂર્વક વંચાવા લાગ્યા. મૅઝીનીનાં પ્રેરણાદાયી લખાણો, ગૅરીબાલ્ડીની જહેમતો, કારબોનારી અને બીજી છૂપી મંડળીઓ, આયરીશ પ્રજાની લડતો, વગેરેની અસર તળે બંગાળ, ઉત્તર હિંદ, પંજાબ, દખણમાં અને બીજે સંખ્યાબંધ છૂપી મંડળીઓ સ્થપાઈ. તે કાળે ‘સેવા’ મેવા લૂંટવાની સનદ નહોતી. દેશસેવા ‘સતીનું બિરુદ’ હતી. સતીના સતનાં પારખાં જિંદગીમાં એક જ વાર થાય, જ્યારે દુનિયાને આશીર્વાદ દેતાં દેતાં પતિનું માથું ખોળામાં લઈ બળતી ચિતા ઉપર ચડી જવું પડે.

દાદા અને તેના સાથીઓ કારમી ગરીબીમાં જીવતા. મૂઠીફંડના ઉઘરાણામાં બે ભાગ જુવાર અને ત્રીજો ભાગ પંચભેળ હોય. દરેક કુટુંબને ભાગે કુલ ૨૫-૩૦ રતલ આવ્યું હોય. સોઈઝાટકી પંચભેળ જુદાં કરી રાંધેખાય. આટલી આ ‘ચોથિયા’ની જોગવાઈ. આખું કુટુંબ તેટલા પર અઠવાડિયું કાઢે. ક્યારેક દુરાણી વકીલનો માણસ બપોરવેળાએ છાનોમાનો આવીને બાઈને બે રૂપિયા આપીને જાય. દાદાને દુરાણી જોડે સગાભાઈનો નાતો. પણ ઘરનાં છોકરાં અંદરોઅંદર પણ આ વિશે અક્ષર ન બોલે. દાદા જાણે તો તે દિવસ ન જમે.

[૫]

પછી તો બંગાળમાં બૉમ્બ ફૂટ્યા. ઉત્તર દખ્ખણ પંજાબ મહારાષ્ટ્ર ક્યાંયે અંગ્રેજ હાકેમોની ખેર ન રહી. સલ્તનતની ઊંઘ ઊડી ગઈ.

સલ્તનતે સૌ પહેલાં તો તિલકદાદાને એમના ‘કેસરી’ સાપ્તાહિકના લેખો માટે રાજદ્રોહના આરોપસર છ વરસ દેશનિકાલની સજા દઈ બ્રહ્મદેશમાં માંડલેના કિલ્લા પર લઈ જઈ જેલમાં પૂર્યા. અરવિંદ ઘોશને બંગાળના ક્રાંતિકરો જોડે અલીપુર બૉમ્બ કેસમાં સંડોવ્યા. અરવિંદબાબુના ‘બંદે માતરમ્’ જેવા જ બલ્કે ક્યારેક સરસાઈ કરી જાય એવા પ્રેરણાદાયી અને ક્રાંતિકારક બંગાળી ‘યુગાંતર’ના તંત્રી બ્રહ્મબાંધવ ઉપાધ્યાય પોતાની ઉપર કામ ચલાવવાના વિદેશીઓની અદાલતના અધિકારને માનવાની ના પાડીને અનશન કરી મૂઆ.

આ બધી એંધાણીઓ ઓળખીને જ એ જ દિવસોમાં હિંદી સરકારે સર ચાર્લ્સ ક્લીવલન્ડ નામે સિમલાના એક વડા ગોરા અમલદારને દેશ આખાની ચળવળ દાબી દેવા ખાસ નીમ્યો. પ્રાંતેપ્રાંતમાં દમનનો કોરડો વીંઝાવા માંડ્યો. મવાળિયા આગેવાનોને સરકારે હાથમાં લીધા. છાપાંબંધીનો કાયદો કર્યો. એણે દેશનાં તમામ આઝાદ ખવાસનાં છાપાંને પોતાના ખપ્પરમાં લીધાં.

બૉમ્બ પિસ્તોલની ખુમારીવાળા ક્રાંતિકારી જુવાનો છૂપી મંડળીઓ સ્થાપીને પ્રાંતેપ્રાંતમાં ફરવા લાગ્યા. બંગાળમાં ખુદીરામ બોઝ, કનાઈ દત્ત, મહારાષ્ટ્રમાં ચૌદ પાવરની પૂરજોશ બળતી ડીટમાર ચીમની પહોરવાર મૂઠીમાં પકડી રાખીને ટાઢી હિંમ્મતનો પરચો આપનાર અનંતા કાન્હેરે, અને એમ પ્રાંતેપ્રાંતના કલૈયાકુંવર જેવા કૈક દૂધમલ નવજુવાનો હસતે મુખે ફાંસીએ ચડ્યા. નાશિક કાવતરા કેસમાં સાવરકર ભાઈઓ અને બીજા અનેક ક્રાંતિકરો જનમટીપ કાળાંપાણી અને એવી મોટી સજાઓ પામ્યા. અરવિંદબાબુના ભાઈ બારીન્દ્ર ઘોશ, કાશીના સંન્યાલ ભાઈઓ તથા એમના સાથીઓ, દિલ્લીવાળા લાલા અમીરચંદ, દહેરાદૂનવાળા રાશબિહારી બોઝ, દ્રાવિડના ચિદમ્બરમ્ પિલ્લે, અમેરિકામાં સ્થપાએલી ‘ગદર’ પાર્ટીના પંજાબી ક્રાંતિકરો, એમ કાશી, કાકોરી, ગ્વાલિયર, દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને દ્રાવિડ પ્રાંતોના સેંકડો હજારો જોધારમલો ફના થયા, કાળે પાણીએ ગયા, ફાંસીએ ચડ્યા, ગોળીએ દેવાયા!

‘સરફરોશી કી તમન્ના’વાળા રામપ્રસાદ બિસ્મિલ, ઝાંસીવાળા ચંદ્રશેખર આઝાદ અને દિલ્લીની તે કાળની વડી કાઉન્સિલ સભામાં જાનખુવારીની નેમ વગર માત્ર સલ્તનતને આગમનાં એંધાણ ઓળખવા સૂચવતો ‘સુવાણિયો’ બૉમ્બ નાંખનાર સરદાર ભગતસિંઘ આ મહિમાવંતી જમાતના કળશ હતા.

[૬]

રઘુનું ભણતર પૂરુંં થયું. એક સવારે ખબર આવી કે કોઈ કસ્બાને ગામે પચીસ રૂ. માસિક પગારે એને નોકરી મળી. કુટુંબમાં અવનવા ઉત્સાહનું મોજું ફરી વળ્યું. ઘરનાં છોકરાંએ જિંદગીમાં પહેલીવહેલી વાર બાઈના મોં ઉપર હરખની રેખા ઊમટેલી જોઈ.

પણ દાદાના વૈરાગમાં ફેર ન પડ્યો.

‘આપણા કુળની સનદને બરકત જોડે અદાવત છે બાઈ! એને છેટો રાખજો, નીકર આપણા ઘરણનો રાહુ એને ગળશે.’

‘ખમ્મા મારા રઘુ ગણુને! એવું તે શું બોલતો હઈશ દાદા! સવારને પૉર સૂરજનારણના રથની મોઢા આગળ દસ સસ્તર બટુ “તથાસ્તુ” “તથાસ્તુ” કે’તા દોડતા હોય છે.’

ઘરકુટુંબની દુનિયાએ પડખું બદલ્યું. નાનાં મોટાં સૌના ચહેરા પર લગાર ઉમંગ ઊમટ્યો. બાઈએ વહેલી વહેલી કન્યા શોધીને રઘુના ચાર હાથ કરી દીધા.

પણ કુલ કહાણીને છ આઠ મહિના થયા ન થયા ને રઘુની અચાનક માંદગીનો તાર! સૌના હોશ ઊડી ગયા. દાદા કહે,

‘તેડું, કિરતારના ઘરનું.’

બાઈ સાથે માંદાને ગામ પહોંચ્યા. દસ દહાડા મટકું માર્યા વગર દિવસરાત દવાપાણી માવજત કર્યાં. પણ બાપડી નવોઢાનું કિસ્મત ફૂટી ગયું હતું!

સમશાનેથી લોક પાછું ફર્યું ત્યારે પાડોશણ બાઈઓના ટોળા વચ્ચે બાપડી ગભરુ પારેવડી વહુ અને સાસુ બેવ લાકડું થઈ પડેલાં. વળતે દિવસે એ જ હાલતમાં દાદા બેવને શહેર લઈ આવ્યા.

રાધાભાભી ગણુ નારુને સાચવવા ઘેર રહેલાં. ડઘાઈ ગયાં. અતિ કારમી વેદના હેઠળ હૈયું બહેર મારી જાય છે ને માણસની આંખેથી આંસુ ફૂટી શકતું નથી.

‘રાધી! ઘરમાં ટાઢોસૂકો ટુકડો હોય તો આપ મને. મીઠા જોડે ખાઈશ. દસ દિવસના થાક ઉજાગરે માથું ભણભણે છે. ચોથિયું પેટમાં નાંખીને ઊંઘી જાઉં.’

ખાઈને સોડ તાણી. બાર પંદર કલાકે લઘુશંકા પૂરતા ઊઠ્યા. વળી પાછા ઊંઘી ગયા. કુલ છત્રીસ કલાકે પૂરા જાગ્યા.

ઊઠી, કોગળો કરી મોઢું ધોઈ, રાબેતા મુજબ પંચિયાભેર ઓશરીની કોરે ફાટેલું આસન નાંખીને બેઠા.

જુએ તો ઘરમાં નરી રડારોળ ને ધ્રુસકાં. બાઈનું છાતીફાટ રુદન ઘરમાં ટોળે વળેલાં પાડોશી બૈરાંઓથી પણ જોયું જતું નહોતું.

‘બાઈ! બાઈ! કલ્પાંત કર્યે શું વળે! સમતા રાખો માડી! સંસાર પંખીનો મેળો. વેળા થ્યે સૌને ઊડી જાવું છે. કોકે આગળ, કોકે પાછળ. આપણું લેખ હશે પાછળ રહેવાના. લેણાદેણીનો ખેલ છે બાઈ! સંધોય. લીધું-દીધું ચૂકવીને ચાલતો થિયો બાપડો; ને સુખિયો થિયો. આપણે ઘરે જ નવાઈનું મોત થોડું જ આવ્યું છે બાઈ? ઘરેઘરની એક જ રામકહાણી છે:

‘તનધર સુખિયા કોઈ ન દીખિયા.’

‘માડી! ઓલી જિંદગી હારી બેઠેલીને સોડે લ્યો બચાડીને. આપણે તો કાલ સવારે ચાલી નીકળીશું પણ એને તો બાપડીને જનગાની કાઢવી છે.’

દુખણી દુહાગણને એનાં પિયેરિયાં માવતર તેડી ગયાં.

રઘુની પાછળ બરાબર એક મહિને બાઈનો દીવો બુઝાયો. એના છુટકારા બદલ દાદાએ લાખ લાખ ધન્યવાદ દેવબાપાને આપ્યા. બાઈની જિન્દા લાશ જેવી જિંદગી સાચે જ કોઈથી જોવાતી નહોતી.

અને ખરેખર જ દેવબાપો આ વખતે કુટુંબ પ્રત્યે કૂણો થયો. થોડા જ અરસા બાદ રઘુના સાસરાને ગામથી ખબર આવ્યા કે કુંવારી કન્યા જેવડી સદ્યવિધવા પણ કશાક રોગચાળામાં સપડાઈને મરણ પામી હતી.

દાદા કહે, ‘त्वमेव माता च पिता त्वमेव। મા ને બાપ બેવ તું જ ન હોય તો તને આવડી દયા કેમ સૂઝે!’

ગંગાનાં નીર વળી પાછાં પુલ હેઠળ વહ્યે ગયાં. વળી પાછી ઘડિયાળાંની રેત સર્યે ગઈ.

વરસો વહ્યાં તેમ તેમ ગણપત ખાસો મોટો થયો, ને નારુ પણ નિશાળે જવા લાગ્યો. દાદાની દેશસેવા અને વેદાંતવ્યાસંગ યથાવત્ ચાલુ. કુટુંબમાં પણ હવે ચાર રહ્યાં. પણ ચોથિયું જુવાર-રોટલો અને પીઠલાની અગર તો અંબાડીભાજીની સનદ દાદાએ ચીવટપૂર્વક જેમની તેમ જાળવી રાખી હતી.

[૭]

દાદાને બીજા એક કાકા મુંબઈમાં હતા. સગા કાકા. વહેલી વયે મુંબઈ જઈ વસેલા. અને ભણીગણી સ્વતંત્ર જિંદગી ગાળેલી. તેથી મુંબઈ બહાર વસતા દાદાના કે તલાટીકાકાના કુટુંબ જોડે કશો સંબંધસંપર્ક રહેલો નહિ. જિંદગીભર સ્કૂલ કે એવે ક્યાંક શાસ્ત્રી તરીકે સંસ્કૃત ભણાવી નિવૃત્ત થઈ ગયેલા. બહારગામવાળા બેઉ ભાઈઓનાં કુટુંબો પર ગુજરેલી આસમાનીના સમાચાર તો આ મુંબઈગરા કુટુંબને વખતોવખત મળેલા. પણ ખરખરાના કાગળ સંદેશા ઉપરાંત વધુ કશો સંપર્ક બેમાંથી એકે ભાઈના કુટુંબ જોડે થયેલો નહિ.

અચાનક આ મુંબઈવાળા કુટુંબને પણ કુળના કિસ્મતની ઝાળ લાગી કે રામ જાણે, પણ આ શાસ્ત્રીકાકાનો પણ એકનો એક જુવાન દીકરો અકસ્માત્ ઝડપાયો! આમ વૃદ્ધ કાકાકાકી અને એમનું કુટુંબ એકાએક દુ:ખને દરિયે ઝીંકાયું.

દાદાને ખબર આવ્યા.

કહે, ‘એક વધુ.’

સાંત્વનના કાગળ ઉપરાંત આ વસમા કાળે કાકાકાકીના દુ:ખમાં ભાગ લેવા દાદાએ એમને રૂબરૂ મળવા મુંબઈ જવાનું ઠરાવ્યું.

ભાડું જોગવીને ગયા.

વૃદ્ધ કાકાકાકી આ કારમા ઘાથી મર્માહત. કુટુંબ આખામાં તેવી જ રડારોળ ને કલ્પાંત.

પણ દાદાને તો

મુશ્કિલેં ઈતની પડીં મુઝ પર કિ આસાં હો ગઈં!

વાળો ઘાટ હતો.

રહ્યા તેટલા દિવસ રાબેતા મુજબ પંચિયાભેર ચાલીની ઓશરીની કોરે જૂની ચટાઈ નાખી થાંભલીને ટેકે બેસે, અને ઘરનાં જોડે, કે આવે જાય તેમની જોડે, વેદાંતવૈરાગ્ય ભાવભક્તિની વાત કરે.

કાકાકાકી, પિત્રણ બહેનો, કુટુંબ આખાને ઘણુંઘણું સાંત્વન મળ્યું.

મરનારની પાછળનાં ક્રિયાકર્મના દિવસ પૂરા થયે દાદાએ વિદાય લીધી.

જુવાન દીકરાએ મરીને કુટુંબનો તૂટેલો ધાગો જોડી આપ્યો. કેમ જાણે અરધી સદીથી ખાંજરે પડેલી લોહીની સગાઈને અચાનક જીવતી કરી દીધી હતી.

દાદાને મુંબઈથી પાછા ઘેર ગયાને માંડ બે મહિના વીત્યા હશે, ને કાકાકાકી તરફથી ગણપતના ભણતર અંગે પૂછપરછના કાગળો આવવા લાગ્યા:

‘ચિ. ગણુ ત્યાં ભણે છે, પણ આગળનું વિચારવું ઘટે. અહીં આપણે મુંબઈમાં બધી સગવડ છે; ઘરઆંગણે રહીને ભણવામાં મુદ્દલ કશી મુશ્કેલી નથી. એને કૉલેજનું ભણતર ન કરવું હોય તો વૈદું ભણાવીએ. મુંબઈમાં ખાસું ચાલે એમ છે. નામાંકિત આપાશાસ્ત્રી વેદ જોડે આપણે ઘર જેવો નાતો છે. અમારેય હવે તમ વન્યા કોણ છે? ગણુય દીકરો જ છે ને?’

વિધિવત્ દત્તકની દરખાસ્ત નહિ, પણ મુદ્દે કાકાનું મંતવ્ય એ જ હતું.

દાદાએ આગમ વાંચ્યા. ટાળવા છટકવાનો પ્રયત્ન વ્યર્થ લાગ્યો.

રાધાભાભી કહે, ‘નારુ નઈં છોડે. ગણુકાકા વન્યા એકલો આંયકણે હીજરાય. મૂળે જ પાપિયાના પિતર જેવો છે. કાકા વગર કંતાઈને સોસવઈ જાય.’

જરા રહીને ઉમેર્યું:

‘ને વળી ભાવોજી એને ઘેર ભણાવેય છે.’

‘જો રાધી! ગણપતને આજ લગણ આપણા ચોથિયા-પીઠલાનો ભાગીદાર ગણ્યો એટલું બસ. હવે એનું ભાયગ એને બીજે તાણતું હોય તો આપણે કાં નડીએ? કાકાકાકી આખરે તો એક જ લોહી છે ને?

‘એટલે કહું છું કે ભલે જાય, ત્યાં રહીને ભણશે શીખશે ને બેપાંદડે થશે તો કાકાકાકીને હૈયે ટાઢક. ને આપણેય લહાવો છે ને?’

‘ને નારુ?’

‘એય બાપડો લેણું હશે તે લેશે, ને દેણું ચૂકવશે. એય એનું ભાયગ લઈને આવ્યો છે ને? હું પોતે એને ક્યાં નથી ભણાવતો?’

‘વળી ગણુ મુંબઈમાં વસશે, તો એનેય કોક દિ’ કાકા કને જવાની ને નવા કોકા પહેરવાની હોંશ નહિ થાય? માની જશે. તું પટાવજે લગાર. પણ ગણિયાને તો જવા દઈએ. એય બાપડો લેનસર થાય, ને કાકાનું ઘર ઊખડી ગયું તે ફેર બંધાય.’

વળી કહે,

‘ત્યાં કાકાકાકી એને વિનુને ઠેકાણે જ ગણશે, ને બેન્યું’ય બધીયું એને અછોવાનાં કરશે. આપણે આડાં ન આવીએ. છો બાપડો સુખી થાય.’

(સ્વગત) ‘ભાગ્ય પાંશરું હશે તેટલા દિવસ.’

ગણપત મુંબઈ ગયો તે દિવસે બધાં એને મૂકવા સ્ટેશને ગયાં. ગાડી ઊપડી. નારુ, કાકા દેખાયા ત્યાં લગી હાથ હલાવતો રહ્યો. પછી રડ્યો.

દાદાય ગાડી પ્લાટફૉર્મ છોડી ગઈ ત્યાં લગણ ઊભા થઈ રહ્યા. પછી ધીમો નિસાસો મેલી કહે,

‘Destiny (ડેસ્ટિની)!’

રાધાભાભી: ‘શું કહ્યું?’

‘એનું ભાગ્ય એને લઈ ગયું. કિરતારનું તેડું અહીં આવે કે ત્યાં, એની સૃશ્ટિમાં બધે સરખું.’

રાધાભાભીની આંખે આંસુ ઉભરાયાં. પાલવ વડે આંખ લૂછતાં કહે,

‘તમારે પગે પડું છું. પણ આવું આવું તે શું બોલતા હશો, વેળઅવેળ!’

‘માફ કર રાધી! હું ક્યાં બોલું છું? ઉપરવાળો બોલાવે છે.’

[૮]

આ પછીનાં ટૂંક વરસોના ગાળામાં એમના જીવનનો એક નવો અંક ભજવાયો.

એક વાર મુંબઈ, કલકત્તા, લખનૌ એમ ક્યાંક કશાક અધિવેશનમાં ગયેલા. ત્યાં સાથીઓ જોડે કોઈ ઉર્દૂ નાટક જોઈ આવ્યા. ભાશાનું જોમ જોઈ ખાસા પ્રભાવિત થયા. થોડા અરસામાં પોતે એક નાટક લખ્યું. હાથપ્રત મેં જોએલી. અક્ષર નરાં મોતીની સેરો. એક મહાદેવ સિવાય બીજા કોઈના એવા અક્ષર મેં જિંદગીમાં જોયા નથી.

બસ, ‘આવ્યા, જોયું ને જીત્યું’વાળો જ ઘાટ. આ એક જ નાટકે એમને શ્રેષ્ઠ નાટકકારોની હરોળમાં બેસાડી દીધા!

પછી તો નાટક કંપનીઓવાળા એમના ઉંબરા ઘસે. હજારવાનાં કરીનેય પોતાને ત્યાં લઈ જાય. મહિનાઓ રાખે. એક બે કશાંક લખ્યાંય ખરાં. પણ પહેલાની તોલે એકે ન આવ્યું. કહેતા:

‘જોરાવરીનાં જણ્યાં વરણશંકર કૅ’વાય.’

વખતોવખત નાટકવાળાઓના મુકામ જુદાં જુદાં શહેરોમાં પડે. ત્યાં કંપનીવાળાઓ જોડે જ ઉતારો હોય. પણ ગામેગામ રોજ શાળા- કૉલેજના વિદ્યાર્થીઓ અને જુવાનિયાઓની જ મંડળી જમાવીને બેસે. દરેક શહેરના જુવાનો પણ એમના આગમનની જાણ થતાંવેંત એમને મળવા ઊમટે, ને મધભમરીઓની જેમ વળગે. દિવસરાત, ઘડી મેલે નહિ.

એમાં હાજતમંદોનોય ટોટો ન હોય.

‘દાદા! તમારી છત્રી લઈ જાઉં?’

‘ભલે.’

‘દાદા! મારે ચંપલ નથી.’

‘મારાં પહેરી જા. પેલાં પડ્યાં.’

‘દાદા! આ મારું પહેરણ ગઈ કાલે અખાડામાં બૂરી રીતે ફાટી ગયું. મારે આજે કારંજે જવાનું છે.’

‘પેલું સુકાય મારું. જા પહેરી લે.’

‘ભીનું છે, દાદા!’

‘આ પહેરી જા. એ સુકાશે એટલે હું પહેરી લઈશ.’

પંડ ઉપરનું ઉતારી આપે.

ઇન્ડિપેન તે કાળે નહિવત્, દાદા ન વાપરતા.

આમ ચંપલ, છત્રી, શર્ટ, સાફો, ધોતિયા-ઉપરણાની લહાણી ચાલ્યાં જ કરતી હોય. એકે દિવસ ખાલી કેવો જાય?

‘દાદા! મારે જવા ભાડું નથી.’

દાદા ગજવું અવળું કરીને ઠાલવી દે.

‘દાદા! આ બધા તમને લૂંટવા જ આવે છે, નાહકના. તમને ઓલિયા ફકીર ગણીને.’

‘જો દીકરા! આપણે તો ચોથિયું ટુકડો ને પીઠલા-ભાજીની સનદ લઈને આવ્યા છયેં. એથી વધુ જેટલું આવે છે તે બધું આ લોકોના હકનું હશે, એટલે જ તો લઈ જાય છે બાપડા; પોતાને હાથે. હું તો મારો હાથેય ખરડાવા દેતો નથી. ને દેવબાપાનો ગુણ ગાઉં છું, — કે મને એનો ઓજાર બનાવે છે.

‘અને જો અણહકનું તાણી જતા હશે, તો આપણી થાપણ કિરતારની બૅંકમાં જમે થાય છે. ને એમને ખાતે ઊધરે છે. બળદ જન્મીનેય અદાયગી કરવી પડશે, દીકરાવને. કર્મનો કાયદો અટલ છે. ઈસ હાથ દે, ઉસ હાથ લે.’

આ નાટકો વાળા ગળામાં એમને ખાસા પૈસા મળતા. નાટકની ચોપડીઓ જ આખી ને આખી હજારો વેચાતી. ગાયનો જ નહિ, ગદ્યસંવાદો ઉપર જ પડાપડી. પણ ઉપર કહ્યું તેમ નાટકની કમાણી નાટકમાં સમાણી. રાધાભાભીના ઘરમાં ફૂટેલાં થાળીલોટો, અગર તો ઓસરીની કોરે બેસવાનું ફાટેલું આસન બદલાઈને નવું કદી આવ્યું નહિ!

આ નાટકલેખનવાળા ગાળામાં ચા જોડે ચેવડો ખાવાની ને બીડી પીવાની એમને ટેવ પડી, જે પાછલી જિંદગીમાં ઓછીવતી કાયમ રહી, ટીમરુનાં પાનની જ પીતા સિગારેટ ચિરૂટ કદી ન પીધી. કહેતા;

‘પરલોકવાસ તો કરીશ તે દા’ડે; પણ નટલોકવાસ તો કરી આવ્યો. એની આ એનાયત છે.’

મોટી ઉંમરે ઍપેન્ડિસાઇટીસનો દુખાવો થયો અને ઑપરેશન કરાવવું પડ્યું, એને પણ એઓ આ ધુમ્રપાનની જ બક્ષિસ ગણતા!’

[૯]

ગણપત ગયો એ શાસ્ત્રીકાકા કાંદાવાડીમાં તે કાળે કોકણિયા ચિતપાવન ભ્રામણોનો ગઢ લેખાતી કેશવજી નાયકની ચલીમાં રહેતા. બે સામસામી આવેલી માળ વિનાની બેઠી ચાલીઓ. ખાસા ડબલરૂમ અને ઓશરીવાળી. વચ્ચે વીસ-પચીસ ફૂટ પહોળું આંગણું. ચાલીને નાકે કાંદાવાડીનું પ્રખ્યાત મારુતિમંદિર. હું તો અહીં મોટો થએલો. એકેએક ચાલી, મકાન, દુકાન, ઓટલા, મ્યુનિસિપાલિટીના દીવાના થાંભલા ઓળખીતા; ને સડકના કાંકરાય પગ તળેના. આંખે પાટા બાંધીને કોઈ અધવચ ઉતારી મેલે તોયે કહી દઉં, કયા ઘર કે દુકાન કે ગલી ચાલી સામે ઊભો છું!

ગણપત ગયા પછી હુંયે ગામ શહેર ક્યાંયે ન ટક્યો. અમે બેઉ જાની દોસ્ત, હમઉમર; હેડીના. મેં મુંબઈ દોટ મેલી.

ગણપતને કાકાના કુટુંબમાં ભળી જતાં વાર ન લાગી. પિત્રણ બહેનો ત્રણ. ત્રણે મોટી પરણાવેલી, સૌ સૌને ઘરેબારે, ને છોકરાંછૈયાંવાળી. પણ ગિરગામમાં જ; એટલે રોજ પિયેર આવે જાય. છોકરાં પણ કાકા કાકી બહેનો પાડોશીઓ બધાંના ગણપત ઉપર ચારે હાથ. જાણે વિનુ ભાઈલો જ સરગાપરમાં ના સૉરવાયું તેથી પાછો આવ્યો હતો!

વૃદ્ધ કાકાએ વૈદું લેવડાવ્યું. આપાશાસ્ત્રીને ત્યાં ભણે, ઓસડિયાં ખાંડે ને ચરક સુશ્રુત સંસ્કૃત ગ્રંથો શાસ્ત્રીકાકા ઘેર ભણાવે. બેત્રણ વરસમાં ટપોટપ લાયકાતના સીમાસ્તંભો ટપી ગયો. ચોથે વરસે કશીક ડિગ્રી ઉપાધિ પણ લીધી અને પાંચમે વરસે વૈદાનું પાટિયું લટક્યું. પિત્રણ બહેનોએ ઝટ ઝટ એમનાં કુળમાંથી કોઈ કન્યા જોઈ હાથેવાળોય મેળવી દીધો! કાકાકાકી દુ:ખ ભૂલ્યાં. રાધાભાભી પણ નારુને લઈ દાદા જોડે મુંબઈ આવી લગન મહાલ્યાં.

મંગલકાર્ય વીત્યે પાછાં આવ્યા પછી પણ રાધાભાભીનો ઉમંગ ચાલુ રહ્યો. દાદાને કહે:

‘હવે નારુય કાલ સવારે મોટો થાશે; એનેય મુંબઈ મોકલશું. ત્યાં ભણશે. ત્યાંનું ભણતર આંય કરતાં સારું. ને મૅટ્રિક થઈ જશે પછી ત્યાં ચૉપાટીની કૉલેજ પણ નજીક જ ને?’

‘ધીરી બાપુડિયાં! ભેંસ ભાગોળે, એનાં વલોણાં શાં? માણસના ભાગ્ય આડું પાંદડું છે.’

ને ગંભીર થઈ ગયા. કેમ જાણે આગમનાં એંધાણ વાંચતા હોય!

રાધાભાભી મૂંગાં. રસોડામાં જઈ આંખનાં આંસુ ધુમાડાને કારણે છે એમ મનને મનાવવા ચૂલો ફૂંકવા લાગ્યાં.

છ-બાર મહિના વીત્યા ન વીત્યા ને તાર:

‘ગણપત બીમાર છે. ઝટ આવો!’

‘આવ્યું જ તેડું. હું નહોતો કહેતો, રાધી? કિરતારે આ કુળના એકોએકને ગાંઠે સનદ બંધાવીને મોકલ્યા છે!’

પણ રાધાભાભીને સાંભળવાના હોશ નહોતા.

ત્રણે મુંબઈ ગયાં.

એની એ માંદગી. એના એ ઉજાગરા, એનાં એ દવાપાણી ને બરદાસ. ઘરકુટુંબ ને પડોશ આખામાં હાહાકાર વ્યાપી ગયો.

કાકાકાકી ડઘાઈ હાય ખાઈને હૈયાબહેરાં થઈ ગયાં. દાદાએ અંદરના રૂમને ખૂણે બેવને ઢબૂરી મૂક્યાં. ત્યાં જ દીકરીઓ વારફરતી એમની ટહેલ કરે. ઝાલીને બેસે. આગલા ખંડમાં માંદા પાસે આવવા ન દે. પારેવડી જેવડી વહુ બાપડી પતિને પંખો કરે; કાં ખાટલાનો પાયો ઝાલી રાખીને નીચું ઘાલી બેસી રહે. રાધાભાભી ને બહેનો બધી રાતદિવસ બેય ખંડ ને ચાલીમાં હાંફળિયાં ફાંફળિયાં મારે. નાકાના મારુતિએ જઈ તેલસિંદૂર ચડાવે; કાં બાધામાનતા-આખડીઓ રાખે. દાદા દવા દાક્તર આપ્પા વૈદની તહેનાત ભરે.

પણ એકેએક હૈયું શરૂથી જ હાય ખાઈ ગયું હતું કે બધાં ફોગટ ફાંફાં છે!

દસમે દા’ડે પ્રાણપોક. એની એ રડારોળ, ચીસો ને કલ્પાંત. પારેવડી વહુ બાપડીને પાડોશી ખસેડી લઈ ગયાં. ત્યાં વારે વારે ફિટ આવે.

સોનાપુરથી આવીને ડાઘુઓ વીખરાયા. કાકાકાકી પથારીએ પડ્યાં ક્ષીણ અવાજે કણસે. બહેનો બેઉ ખાટલે માતાપિતાને ઝાલી મૂંગી મૂંગી રડે… રાધાભાભી હાર્યાં લૂંટાયાં જેવાં અંદરબહાર કરે.

દાદા અંદર આવ્યા. ઇશારત કરીને રાધાભાભીને બોલાવ્યાં. ધીમે સાદે કહે:

‘ટાઢુંશીળું ચત્કોર ટુકડો કશું ઘરમાં હોય તો આલો. ભૂખ ને થાક વસમાં છે. દસ દિવસની ઊંઘ ચડી છે, તેણે લથડિયાં આવે છે. કંઈ મળે તો મીઠા જોડે બટકું ઓઝરે ઝૉંસીને ઘોંટાઈ જાઉં.’

બે દિવસનું વાસી જે કંઈ જડ્યું તે કૉળિયો પેટે નાંખીને સૂઈ ગયા લાગલગાટ છત્રીસ કલાક ઊંઘ્યા. પાણીપેશાબ માટે ક્યારેક ઘડીચપકું ઊઠ્યા હશે, તેટલું માફ.

ત્રીજે દિવસે ઊઠી હાથ-મૉં ધોઈ પરવારીને રાબેતા મુજબ પંચિયાભેર ચાલીની થાંભલીએ જીરણ ચટાઈ નાંખીને બેસવા માંડ્યું

ગીતાજ્ઞાનેશ્વરી વાંચે. કાં ‘ભજ ગોવિંદમ્ મૂઢમતે’વાળા સ્તોત્રની કડીઓ બોલે. કોઈ પાસે બેઠું હોય તો સમજાવે:

‘આટલું આ શંકરાચાર્યનું એક “ભજ ગોવિંદમ્” જ હૈયે ત્રોફી લઈએ તોય શીખ્યું સાંભળ્યું બધું સાર્થક થાય, ને જિંદગીના મોહશોક આથમી જાય. હજાર પુટ દીધેલ માત્રા છે, ધન્વંતરિની.’

ઘરમાં દિવસરાત રોકકળ ચાલુ હોય. બહુ થાય ત્યારે કહેશે:

‘અલ્યાંવ! પોથીપુરાણ કથાવાર્તા જિંદગી આખી સાંભળ્યાં, તેય લગાર સંભારશો કે નહિ? અત્યારે નહિ સંભારો તો કે’ દાડે સંભારશો? દુ:ખ, મૉત આપણા એકલાં ને જ માથે પડ્યાં છે શું? નળ, જુધિશ્ઠિર, હરિચંદ રાજા, કોકને તો યાદ કરો. કે પછી ઓલ્યા પાંજરાના પોપટ વાળું જ? રોજ ‘સીતારામ ગંગારામ’ કરતો ના થાકે. પણ કો’ક દા’ડો પાંજરું ઉઘાડું રહી ગયું ને બલાડીએ પાછળથી આવીને બોચી પકડી, તે ઘડીએ ચીંચીંચીં પછી એ બધાં પોથીપુરાણ, ‘ગંગારામ સીતારામ’ જિંંદગી આખી રટ્યાં તેનું શું મહાતમ? કાંક તો સમજો, બેન્યું મારી?

‘મૉત કોને છૂટ્યું છે? લકમાનજી હકીમ મધદરિયે જઈને ભરાયો, તોય મૂઓ. ચારખંડ ધરતીમાં ચાહે ત્યાં સંતાઓ, સાતમે પાતાળ જઈને લપાઓ, મોત આંબ્યા વન્યા રે’વાનું નથી. આપણે કહીએ તે દા’ડે થોડું જ આવવાનું છે? એ જાણે છે, તમે એને જુગને છેડેય કોય દિ’ બોલાવવાનાં નથી.

‘ઓલ્યા કઠિયારાની વાત નથી? જિંદગી આખી લાકડાં કાપીકાપીને ટૂટી મૂવો. તોય પાર ના આવ્યો. જંગલમાં રોજ મૉતને બોલાવે. પણ આવીને ઊભું રયું, તે કૅ’ ઈ તો મેં તુંને આટલો ભારો ચડાવવા બોલાવ્યું’તું.!

‘એટલેં રામનામ અત્તારેં જ લીધું ખપનું.’

લોકો ખરખરે આવે. ડોસાડોસી પાસે જવાની તો હિમ્મત જ કોની ચાલે? દાદા પેસે બેસે. કહેશે:

‘તમે સમતાના મેરુ. તમને દિલસાનો બોલ કહેવાનું અમારું શું ગજું? અમે તો તમારી પાસે બેસીને દિલાસો લેવા આવીએ છીએ.’

કિરતારની દયા પણ કેવી! ગણપતની સદ્યવિધવા પણ પાછળ જ થોડા વખતમાં મૂઈ, અને વડીલ મોટેરાઓંને નચિંત કર્યાં!

કાકાકાકી પણ લાંબું ન જીવ્યાં. એકબીજાથી ટૂંક ગાળે બેઉ મૂઆં.

[૧૦]

પુલો હોળનાં પાણી વળી વહ્યાં, ને ઘડિયાળાંની રેતો સર્યે ગઈ.

દાદાના કુળમાં એકલોએક રહેલો દીવો નારાયણ હવે ખાસો મોટો થયો હતો. હાઈસ્કૂલ ભણતો. પણ કોણ જાણે કેમ, રાધાભાભી એને મોટો થતો જોઈ કદી કૉળાતાં નહિ. નિસાસો જ મૂકતાં. કેમ જાણે એ ઝટ મોટો ન થાય એમ જ માનું હૈયું ઝંખતું હોય. ખરેખર એમને હૈયે કોઈ કારમી ફડક પેસી ગઈ હતી!

અને સાચે જ, નારુ અઢાર વરસનો થયો ન થયો, ને એક સાંજે અખાડેથી કે ક્યાંક ક્રિકેટ મૅચ જોવા ગએલો ત્યાંથી આવ્યો, ને સીધો જ પોતાની ભણવાની ઓરડીમાં જઈ સૂઈ ગયો. દીવાટાણું. દેવારે દીવો કરીને રાધાભાભીએ બોલાવ્યો:

‘નારુ?’

જવાબ નહિ! ધ્રાસકો પડ્યો. અંધારી ઓરડીમાં જઈ જુએ છે તો નારુ તાવે ફફળે!

રાધાભાભીને હૈયે પલીતો ચંપાયો. માનાં મોતિયાં મરી ગયાં. પડોશના કોઈને દાદા હોય ત્યાંથી શોધીને ઝટ ઘેર તેડી લાવવા મોકલ્યું.

દાદાએ આવીને નારુને કપાળે હાથ મૂક્યો. ડિલ આખું ધખે! મનમાં ગણગણ્યા:

‘તાવ નહિ; તેડાગર.’

બસ, હંમેશનો સિલસિલો ચાલુ થયો. એની એ બરદાસ ચાકરી, એના એ રાતઉજાગરા, એનાં એ દવા દાક્તર. કશાની કારી ન લાગે એ નિશ્ચિત જ હતું! દાદાની ઓળખીતી આખી આલમમાં બોકાસો બોલી ગયો.

દસમે દા’ડે એની એ પ્રાણપોક. એનાં એ રાધાભાભીનાં કલ્પાંત ને વલખાં. એનાં એ ડાઘુ સમશાન ને અગ્નિસંસ્કાર!…

‘રાધી! રીઢી થતાં શીખ, મા! જિંદગી આખી સાથ આપ્યો. થોડુંક તો શીખ મારી સામું જોઈને. આમ જો. ચત્કોર બટકું કશું આલ, ઘરમાં હોય તો. થાક ને ભૂખ બેઉ બચકાં ભરે છે. પેટને ડામું, ને ઊંઘી જાઉં.’

રાધાભાભીએ કપાળ કૂટી ઠૂઠવો મૂક્યો.

દાદાએ સૉડે લીધાં.

‘આમ જો, રાધી! તું નહોતી કહેતી, હવે આપણે એકબીજાને જ ટેકે જીવવાનું છે? ગળેફાંસો થોડો ખાવો છે? આતમઘાતી મહાપાપી. સાંભળ. આપણે પાપિયાં નથી. પુન્ય જ કર્યાં છે, પાંચે આંગળિયે. જનમ ધરીને કોય દિ’ કોયનું બૂરું વાંચ્યું નથી. તેં કે મેં. તારેં પછી કર્યું કરાવ્યું સંધું જમે જ થિયું હશે ને, કિરતારને ચોપડે?

‘આ ઈ બધી દૉલતનો વારસો ભોગવવા ગ્યો આપણો નારુ, ભગવાનને ઘર્યે. આંય તો બાપડાયે જનમ ધરીને ચોથિયું ને પીઠલા અંબાડી વન્યા બીજું ક્યાં ભાળ્યું’તું, કોય દિ’?

‘એટલેં સાંસતી થા, બાપુ. સમતા રાખ. આપણેય હવે કેટલા દિ’ જીવવું છે? બૉત ગઈ, થોડી રઈ. દેવબાપો બોલાવશે જ ને, હવે તો? આપણી પાસે હવે રયુંય શું, એને માગી લેવા જેવું?’

કકડી રોટલો ને મીઠું ચાવીને ગળા હેઠ ઉતાર્યું, ને ઘસઘસાટ ઊંઘમાં પડ્યા!

રાબેતા મુજબ છત્રીસ કલાકે ઊઠીને પંચિયાભેર ફાટેલા આસન પર બેઠા, ઓશરીની ધારે:

આયે કા હરખ નહિ, ગયે કા સોચ નહિ, કૈસે નિરદ્વદ ભયો, સમજને કી બાત હૈ; દેહ નેહ નેડે નહિ, મેરે નહિ તેરે નહિ, રાગ ન અલાપ કહીં, દિન હૈ ન રાત હૈ; હાર નહિ જીત નહિ, કાહૂ સોં પીત નહિ, વૈર કભૂ કીત નહીં, વરન હૈ જાત હૈ; એસો જબ જ્ઞાન હોત, તબ હૂ બ્રહ્મજ્ઞાન હોત, બ્રહ્મ કે સમાન હોત, બ્રહ્મ મેં સમાત હૈ!

છેલ્લાં વરસોમાં મળવા આવનારાંને આવતાંવેંત સૌ પ્રથમ હળવે સાદે કહેતા:

‘આવો, બેસો. ભલે આવ્યા. એક અરજ શરૂમાં જ કરી લઉં? છોકરાની માની હાજરી હોય એટલી ઘડી દયા કરીને નારુની વાત ના કાઢતા. બાપડીને ફિટ આવી જાય છે.’

[૧૧]

સમતા અને વૈરાગ્યના આ મેરુ આ પછીયે વરસો જીવ્યા. જાહેરજીવન પણ રહ્યું. એકાદ વેળા ધારાસભા કે વડી ધારાસભામાં પણ કંઈક ગએલા. પણ ત્યાંની ગૂંગળામણમાં એમના જેવો આઝાદ જીવ કેમ ટકે? કહે:

‘એ બજારબગદા વચ્ચે આપણું કામ નહિ.’

કોટ સાફો તો બહુ વહેલે છૂટી ગયેલાં ગાંધીટોપી પણ પાછળથી છૂટી ગઈ. નરાં પહેરણ-લુંગીમાં ઑલિયા ફકીરની જેમ ફરતા. સેવાગ્રામ પણ એક વાર આવેલા. ગાંધી-વિનોબા પ્રત્યે અપાર ભક્તિ. આ વખતનું મારું એમનું દર્શન એ જ હું ભૂલતો ન હોઉં તો છેલ્લું હતું!

દેવમંદિરના ગર્ભાગારમાં બળતા નંદાદીપની નિશ્કંપ જ્યોત સમું આવું મહિમાવંતું જીવન મેં જાતે જોયું, ને સગી આંખે નિહાળ્યું. એણે મહાભારત-કથાના નૉળિયાની જેમ મારું અરધું અંગ તો સોનાનું ન કર્યું, પણ જીવન-ઘડતરના સૌથી કૂણા કાળે એણે મારામાં કોઈ એવો સોનારસ સીંચ્યો કે જેણે જિંદગી આખી મને ગગનગામી ગરુડની પાંખે રહીને દુનિયાને નિહાળતાં શીખવ્યું. જેણે જીવનનાં ભૌતિક મૂલ્યો પ્રત્યે મને અનાસ્થા શીખવી; જેણે સંસારના આધિવ્યાધિ પ્રત્યે ઔદાસીન્ય અને શરીરસુખનાં સાધન ઉપાદાન પરત્વે મારામાં નપુંસકતા સીંચી; જેણે મારા દિલ કે દિમાગને દુન્યવી એશણાઓ કે સંકીર્ણતાનો કાટકશાય કદી ન અડવા દીધો અને જેણે સાધુઆલમમાંથી મળેલા શ્રદ્ધાભક્તિના મારા ટૂકપૂંજિયા સંસ્કારોને ટીપીટૂંપી મઠારીને અવિચળ ઈશ્વરનિષ્ઠાના ઢાળમાં ઢાળ્યા. આ પછીની મારી ખાસી લાંબી જિંદગીમાં જીવનના ઝંઝાવાતોની થપાટો હેઠળ સૌની જેમ મને પણ ઘડી બેઘડી તમ્મર ભલે આવી ગયાં હોય, પણ એ શ્રદ્ધાના ચણતરની એક કાંકરીયે કદી ખરવા પામી નથી, એ બીનાનો મારો આતમરામ સાક્ષી છે.

[૧૨]

આ ચિત્ર હાથીને જોઈ આવેલ આંધળાના વર્ણનની જેમ આંધળિયું કે અતિરંજિત હોઈ શકે. પણ સુદામાના સાગરીત અને સમતાના આ કબીરવડને છાંયે વહેલી વયે હું બેઠો, અને દુર્ભાગ્યે કે સદ્ભાગ્યે એ ટૂંક ગાળાના નિકટ સંપર્ક પછી હું એમનાથી સદાને માટે કપાઈ ગયો, એટલે પરોક્ષભક્તિ જ મારી ગાંઠે રહી. સન્મુખભક્તિને ક્વચિત્ ક્યારેક ગોબો પડવાનું જોખમ. પરોક્ષભક્તિ વન વે ટ્રાફિક છે. એને ઉધારપાસું નથી હોતું. ૧૯૬૫
[સંતોના અનુજ]