ગુજરાતી નિબંધ-સંપદા/હરનિશ જાની/દિલ હૈ કિ માનતા નહીં

દિલ હૈ કિ માનતા નહીં

હરનિશ જાની

મારે દોઢ વર્ષમાં ચાર એન્જિયોપ્લાસ્ટી અને એક બાઇપાસ સર્જરી કરાવવી પડી. પહેલી વાર હાર્ટએટૅક આવ્યો. હૉસ્પિટલમાં જવું પડ્યું. મારી માંદગી એક સમાચાર બની ગઈ. પેપરમાં છપાયું. આપણે ખુશ થયા. પરંતુ તેથી દરદમાં કાંઈ ફેર ન પડ્યો અને જે લોકોને મળવા નહોતું આવવું, તેમને બહાનું મળ્યું કે અમારા વાંચવામાં નહોતું આવ્યું. મેં તેમને જણાવ્યું કે ન અવાયું એનો વસવસો ન રાખતા. તમારાથી હૉસ્પિટલમાં આવી શકાય એટલે ખાસ બીજી વાર પણ જઈશ. ગયા મહિને મારી પાંચમી એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી. હૉસ્પિટલમાં જવાની આગલી સાંજે મારા દીકરાએ કહ્યું કે, ‘ડેડી, હું મારી જૉબ પરથી રજા ન લઉં તો ચાલે?’ મેં કહ્યું, ‘બેટા, તારે રજા ન લેવી હોય તો વાંધો નથી.’ એ સાંભળીને મારી પત્ની બોલી, ‘જોને, હું તને સવારે નવ વાગે હૉસ્પિટલ પર ઉતારીને મારી જૉબ પર જાઉં તો કેવું? સાંજે પાંચ વાગે તો તું રૂમમાં પાછો આવી ગયો હોઈશ.’ મેં કહ્યું કે, ‘ઑપરેશન માટે જાઉં છું. કાંઈ વાળ કપાવવા નથી જતો.’ ઘરનાંને એમ કે મને તો ટેવ પડી ગઈ છે.

ઘણા મિત્રો તો હંમેશાં કહેતા કે હવે પછી હૉસ્પિટલમાં જવાના હો તો જણાવજો. ગઈ વખતે અમે રહી ગયાં હતાં. મારી પત્નીની બહેનપણી પ્રતિમા તો નિયમિત પૂછે કે, ‘સાંભળ્યું કે તમે પાછી એન્જિયો કરાવી?’ દરેક વખતે હું કહું કે, ‘પ્રતિમાબહેન, લાગે છે કે કોઈકે અફવા ફેલાવી છે.’ પ્રતિમાબહેન પછી ઉમેરે કે, ‘તમારા માટે હું અને કૌશિક ફ્લાવર લઈને આવીશું.’ હું કહું કે, ‘પ્રતિમાબહેન, મને ફ્લાવરનો શોખ નથી. એકાદ પુસ્તક લઈને આવજો.’ તો કહે, ‘તમારી પાસે બુકો તો ઘણી છે. બુકે પણ રાખો, ગમશે.’

મારા મિત્ર સુરેનભાઈ એકે વખત હૉસ્પિટલમાં આવી શક્યા નથી. છ મહિના પહેલાં મારે ત્યાં આવ્યા અને મને એક સીડી- પ્લેયર અને ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સીડીનો સેટ ભેટ આપ્યો. બૉક્સ ખોલવાની ના પાડી. તેમનું માનવું હતું કે આ તો દિલનો મામલો છે. પાછો હાર્ટઍટૅક આવે અને એમને જણાવવાનો ટાઇમ પણ ન મળે અને હું તેમની શુભેચ્છા વિના રહી ન જાઉં. હૉસ્પિટલની પથારીમાં એમનું મ્યુઝિક સાંભળું અને એમને યાદ કરું. મારા દીકરાએ મારા હાર્ટઍટૅકની રાહ જોયા વિના તે સીડી-પ્લેયર વાપરવા માંડ્યું છે. અમારા મિત્ર અરવિંદભાઈને મારી પહેલી એન્જિયો પછી મગજ શાંત રહે તે માટે રામાનંદ સાગરની ‘રામાયણ’નો પહેલો વસાવેલો ડીવીડી સેટ ઉછીનો આપ્યો. રામાયણ જોવાઈ રહે તે પહેલાં મારે હૉસ્પિટલમાં બીજી વાર જવાનું થયું. ‘જાની, તમે રામાયણ પૂરું કરો. પાછું આપવાની ચિંતા ન કરો.’ પછી બાઇપાસ સર્જરી કરાવી. ત્યાર પછી મારી હાલત સારી નહોતી એવી હાલતમાં જો રામાયણ પાછું માગે અને કદાચ દુ:ખ થાય અને પાછો હાર્ટઍટૅક આવે તો? એટલે એમણે રામાયણ મને કૃષ્ણાર્પણ કર્યું.

શરૂઆતની મારી એન્જિયોપ્લાસ્ટી પછી મિત્રો મને ‘ગેટ વેલ સૂન’નાં કાર્ડ મોકલતા. કોઈક મિત્રો હૉસ્પિટલમાં કાર્ડ લઈને આવતા. શરૂઆતમાં તેઓ મને હોલમાર્કનાં મોંઘાં કાર્ડ મોકલતા. પાછળથી તેમને લાગ્યું કે આ ભાઈ તો હૉસ્પિટલમાં છાશવારે દોડે છે. તેને કદાચ હૉસ્પિટલ પોષાય, પણ આપણને આવાં મોંઘાં કાર્ડ ન પોષાય. એટલે પછી હાથે લખેલું કાર્ડ લાવતા થયા. એક વખતે મારા મિત્ર હરેન્દ્ર જાની મારી તબિયત જોવા હૉસ્પિટલમાં આવ્યા, ત્યારે હાથે લખેલું કાર્ડ લઈને આવ્યા હતા. મેં તેમના દેખતાં એ કાર્ડ ખોલ્યું. અંદર સંદેશો લખ્યો હતો કે ‘તમારા કાળજા કેરા ટુકડા માટે વધાઈ.’ મને તે વાંચીને સમજ ન પડી. એટલે મેં કહ્યું, ‘હરેન્દ્રભાઈ, આ ઑપરેશનથી મારા કાળજાના ટુકડા થયા નથી, સંધાયા છે.’ મારી વાત સાંભળીને ચમક્યા અને બોલ્યા, ‘અરે બાપ રે! આ કાર્ડ તો પેલા ભરતભાઈનાં પત્નીને આપવાનું હતું. તે આ જ હૉસ્પિટલમાં બીજા ફ્લોર પર છે. તેને બેબી જન્મી છે. હમણાં તેમને જ મળીને આવ્યો.’ મેં કહ્યું કે, ‘કાંઈ નહિ, મને તમારા કાર્ડનો વાંધો નથી.’ હરેન્દ્રભાઈ ગભરાઈને કહે, ‘તમને વાંધો નથી તે તો સમજ્યા, પણ એમને મેં તમારું કાર્ડ આપ્યું છે તેનું શું?’ મેં પૂછ્યું, ‘તેમાં તમે શું લખ્યું છે?’ તે બોલ્યા, ‘તેમાં મેં તમારા માટે લખ્યું છે કે – ‘જોયું ને તમારી કુટેવોનું પરિણામ?’

મારી બાઇપાસ સર્જરી પછી ઘણા મિત્રોએ મારી તબિયતની ચિંતા વ્યક્ત કરી. મારે શું ખાવું અને શું ન ખાવું એની સલાહ આપી. લગભગ દરેક જણે મને હંમેશાં કહ્યું કે વજન ઉતારો. નહીં તો પાછા પછડાશો. ઘણા તો : ‘જુઓ, મેં તમને નહોતું કહ્યું?’ એમ કહેવા માટે ફોન કરીને જાણી લે કે હું ક્યાં છું. આ બધા ટીવી પર કયા શેર ખરીદવા અને કયા શેર વેચવા એની સલાહ આપતા શેરબજારના દલાલો જેવા છે, ભાઈ, તને એટલું જ્ઞાન છે તો તું શેર-સ્ટૉકના ધંધામાં પૈસાદાર થઈ જા ને!

મારી ચિંતા કરનારા બે મિત્રોને તો પોતાને હાર્ટઍટૅક આવી ગયા! મારા ડૉ. વાડકર મારી સારવાર કરતાં કરતાં સ્વધામ પહોંચ્યા. શરીરે પાતળા હતા પરંતુ બીડી અને સ્કૉચના પ્રેમે તેમને હાર્ટઍટૅક આપ્યો. પરંતુ જ્યારે નવા ડૉ. પટેલે મને ડૉક્ટર બદલવાનું કારણ પૂછ્યું ત્યારે બોલવું પડ્યું, ‘મારા પહેલા ડૉક્ટર મારી સારવાર કરતાં મરી ગયા.’ કહેવાની હિંમત નહોતી. એટલે કહ્યું કે, ‘હવે મારા ગામમાંથી તે અન્ય ગામમાં ગયા છે.’ દશ વરસ પહેલાં જ્યારે હું તંદુરસ્ત હતો અને ડૉક્ટર પાસે ગયો હતો; ત્યારે મેં ડૉક્ટર બદલવાના કારણમાં સાચું કહ્યું, ‘મારા અમેરિકન ડૉ. કાસ્કેનને હાર્ટઍટૅક આવ્યો હતો અને એ પહોંચી ગયા છે.’ હવે આ બધી વાર્તા પટેલસાહેબને કહેવાનો અર્શ શો!

સેન્ટ ફ્રાંસિસ હૉસ્પિટલનો સ્ટાફ મારાથી થાકી ગયો હતો. મોટાભાગના દરદીઓ જીવનમાં એકાદ વાર હૉસ્પિટલમાં જાય; એમને દર્દીને મળતી સવલતો સાથે બહુ નિસ્બત ન હોય. પરંતુ હું ‘રેગ્યુલર વિઝિટર’ના લિસ્ટમાં ગણાઉં! હું તો કિચનનું મેન્યુ મંગાવી ઑર્ડર પણ કરતો. આપણું હાર્ટ નબળું હતું : પરંતુ પેટ તો તંદુરસ્ત; રૂમમાં કેબલ ટીવીનું કનેક્શન માંગતો. છાતીમાં પ્રૉબ્લેમ હતો, પેટમાં નહીં. ઑપરેશન-રૂમની તો વાત જ અલગ હતી. નસીબવાળા જ ચાલતાં ઑપરેશન-રૂમમાં જાય. આપણે ભડવીરની જેમ ચાલતા. પત્ની કહે કે રામનું નામ લે. મેં કહ્યું કે હવે આ ઘડીએ રામનું નામ! રામજી ઓળખે નહીં અને મારી પાસે આઈ.ડી. કાર્ડ માગે… દરમિયાન શરીર પર એકે કપડું કે એકે વાળ ન હોવાં જોઈએ. દરેક વખતે એ કામ જેનિફર નામની નર્સ કરતી. છેલ્લે જ્યારે ગયો ત્યારે મેં કહ્યું કે, ‘મને તૈયાર કરવાનો લાભ દર વખતે તું એકલી લે તે ન ચાલે. નેન્સીને પણ મારાં કપડાં કાઢવાની તક આપ.’ છેલ્લે મને એક વાતની ખબર પડી કે દરદીના ઑપરેશન વખતે ટેબલની આજુબાજુ શી વાતો થાય છે. એનેસ્થેસિયાને લીધે મારું શરીર બહેરું હતું; પરંતુ મારું મગજ સતેજ! ડૉક્ટર પટેલ લંડનમાં છે. તાજેતરમાં જ લંડન ફરી આવ્યા હતા. તેમની સાથે મારા ઑપરેશન દરમિયાન જેનિફર અને નેન્સી ન્યૂયૉર્ક અને લંડનના ટ્રાફિકની વાતો કરતાં હતાં. મારાથી બોલ્યા વિના ના રહેવાયું. ‘ડૉક્ટરસાહેબ, મારા દિલનો ટ્રાફિક જામ થયો છે. એને બરાબર દોડવા દો.’ હવે મને સમજાયું કે દરદીઓના પેટમાં કાતર કેમ રહી જાય છે! ગયે વખતે તો તમે લાંબું જીવવાની ઇચ્છા દર્શાવતા ન હતા અને આ વખતે કેમ?’ મેં કહ્યું કે, ‘ઐશ્વર્યા રાયને છેવટે કોણ લઈ જાય છે એ જાણવાની ઇચ્છા છે.’

છેલ્લે ઑપરેશન-થિયેટરમાંથી મને રૂમમાં લાવ્યા ત્યારે મારા ટેબલ ઉપર ફૂલોનો સુંદર ગુલદસ્તો પડ્યો હતો. જોઈને હું ખુશ થયો. કોનો એમ વિચારું ત્યાં નર્સ બોલી, ‘હૉસ્પિટલની બાજુમાં આવેલા ફ્યૂનરલ હૉલમાંથી દિલનાં દરદીઓને માટે મોકલવામાં આવે છે.’ [જૂન ૨૦૦૨]