ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘હું વાટ જોઉં છું’ - મણિલાલ હ. પટેલ.

From Ekatra Wiki
Revision as of 00:37, 12 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪. ‘હું વાટ જોઉં છું’ □ મણિલાલ હ. પટેલ



વિખૂટો પડી ગયેલો હું નિજથી
ધૂપધોઈ વેળાની વાટ જોઉં છું
આ હથેળી જેવાં મેદાનો ઘાસછાયાં
એમાં વરસાદ વહ્યાનાં કોતરો ઝીણાં જાણે-
હસ્તરેખાઓ પૃથ્વી કે પ્રદેશની, -તે
વાંચી આપનારની વાટ જોઉં છું
ને પાસે જ
આ ઓરમાયાં ઝાડ કૈં પલળે પરગજુ
ઉપરનીચે અંદર બહાર હજુ
ઓગળીને વહી જવા ચાહે વેળાભેળાં
તાર તાર ભોળાં નર્યા જળબંબોળાં
બથ ભરીને વ્હાલ કરવાનું મન ને
ઊભો છું અળખામણા છોકરા જેવો
વરસાદ થંભવાની વાટ જોતો !
કાળાં કડૂચી ગંધાળા થડથડાળાં
એની ખાલ ખાવા ઉત્સુક રક્ત ફક્ત
ઊભાં છે એવું નથી આલોકમાં
એનાં પાંદ, પાંદે પાંદે ચાંદ ચઈતરના
ને સૂરજ શિશિરના સત્યમ્ શિવમના
ચ્હેરા ચોગમ સવારસાંજ બ્હેરા-
વાટ જોતા વેમાનની સ્ટેન્ડે સ્ટેન્ડે ગોકુળવાસીઓ
શેરીઓમાં ગાન સાથે વાગે ઘૂઘરી વૈકુંઠમાં-
એમ જ નથી જાવું-
એષણાઓ યાનની જળઝિલણી એકાદશીએ
વસી ગઈ હતી કન્યા કોક વન્ય મનમાં
હું તનમાંથી નીકળી જવાની વાટ જોતો હોઉં-
એમ ઊભો છું -કેમ ઊભો છું એની તો મને,
કોઈને ય ક્યાં ખબર છે !
પ્રજા તો પાંગળી,
પ્હાડ ટોચે ઊંચકાયેલી આંગળી જેવાં
મંદિરોમાં મ્હાલે છે
ચાલે છે યતિ-મતિ-રતિ-સતીની વાતો
મનમાં રોપેલી રાતો
હવે વૃક્ષો થઈ જવાના દિવસો છે આપડા
બાપડાં જળભીનાં આ થડ
અડીએ તો ઊનાં ઊનાં અંદરથી
જોયા કરું જળડાળોને ઝરમરતી
તીર્થો બની ગયાં છે આ વૃક્ષસ્થળો
તમને મળ્યાની યાદમાં વૃક્ષસ્થળો-
લીલીવખ વેળામાં પલળતાં જોઉં છું
નહીં પડાયેલા સાદ
સૂનમૂન યાદ અને સૂનો સૂનો વરસાદ
જાણું છું જળની ભાષા પામવી અઘરી છે
ટગરી નીચે ઊભો છું તળની ભાષાને તાગતો
પૂર્વજો પાસે ચપટી કુલેર માગતો
ભૂલો પડી ગયો છું હું
આ ખુલ્લાં મેદાનોના ખાલીપામાં
ક્યાંય નજરાય નહીં તમારું વસ્ત્ર
કે નથી આવતી વાસ
ને આસપાસ અડાબીડ વ્યવહારો
ધરાઈ ગયો છું શિસ્ત પાળ્યાની શિક્ષાથી
ને ધરમ ધક્કાઓ મદીના મક્કાઓ છતાં
કક્કો જ ક્યાં પૂરો આવડયો છે તમારી પોથીનો
-પ્રેમનો !
જવા દો જગા નહીં મળે કોરી, કટકી,
લાગતું હતું કે નહીં વરસે આ આભ ક્યારેય
પણ ગાભનો તાગ વસમો છે વ્હાલા !
પુષ્પ ચૂંટીએ કે પાંદ, મૂળ તો રહે જ છે...
ઉતારીએ ઉપાન કે પટકૂળ, કૂળ તો રહે જ છે…
એક ગંધ જે ઓસરતી નથી
એક ત્વચા જે અંધ નથી
હું ઊભો છું કમળની ભાષામાં
કોરી કાઢવા તિમિર ને તેજ
પણ ભેજ સૂકાતો નથી એટલે
ચિત્રને બદલે ઊઘડે છે ડાઘા
ને વાઘાઓને વ્હાલ કરતી વ્રતવતી
કન્યાઓનાં ઝુંડવાળી આ વેળામાં
પલળતો ઊભો છું-પડખામાં
લ્યે તો મને કોણ લ્યે !
ખોબામાં જળબુન્દ ઝીલી ઊભેલાં
મોતી મઢ્યાં પર્ણો ને મુક્તામઢી
પાંખડીઓ સ્વર્ણપુષ્પોની, પળની
થાય કે હમણાં જ મને સમાવી લેશે
એમની સ્મિતોજ્જવલાહસ્તિમાં...
પણ જે જે મધુર તે બધું ય ક્ષણભંગુર
ને બેવડાયા કરે એકલાપણું !
પુષ્પાળાં વૃક્ષો જેવું ઊડવાનું મંન
પડીને પાદર થઈ જાય ખંડેર શું
પાછા ડેરાઓ ઉપડે -ક્યાંક દૂર દૂર
અહીં નહીં હજી ય દૂર...
પણ આ મરુભૂમિમાં
મોગરાઓ ક્યાંથી હોવાના ગાંડાતુર ? !
ઊડેથી ઊઠતા પ્રશ્નનો પડઘો
આથમી જાય રોજ સૂરજ સંગે
ને રાત તો કહે કે 'રતિયાળી' !
બીજી પાલી, ત્રીજી પ્યાલી
ને સવાર પડે ખાલી ખાલી
પાછા જળકમળ ને અંજળ આશ
આનાથી તો ઘાસ હોવું શું ખોટું
ઊગી આવે છેક અંદર સુધી-
એની પ્રકૃતિ જ આદિમ !
પણ આ કાળી ડિબાંગ સડકોનું શું ?
કચ્ચરી નાખતી કાળી ચીસોનું શું ?
આ અવાજો-દરવાજો-વાસજો-નાસજો
ઓહ!
આ જળ, કળ ને કાળની રમત
મમત મેલી દેવામાં જ મજા છે, બાકી-
ખરજવાં ને ખૂજલી ખણીએ એટલાં ખાટે
વાટે ને ઘાટે જંતુડા ઘા ચાટે-
ચોરે ને ચૌટે ચાંદાસૂરજ ફદફદી ગયા છે
એકધારા વરસાદમાં ઢળી પડયા છે બૂરજ
ને હું નીતરી થયેલી નરવી ક્ષણની ઘૂપધોઈ વન્ય ક્ષણની
વૃક્ષોમાંથી અજવાળું પ્રકટ્યાની
વાટ જોતો ઊભો છું
જનમોજનમથી
અંધારાંની ઓથે....

***