ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સંપાદક-પરિચય

સંપાદક-પરિચય

કિશોર વ્યાસનો પરિચય

કિશોર વ્યાસ(ઈ.૧૯૬૬) ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ છે.

કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એના ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’,‘હાજી મહંમદ અલારખિયા શિવજી’ અને ‘મૈત્રીભાવ’ એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ,‘સંવિવાદના તેજવલયો’(હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ’ અને ‘નિર્દેશ’ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં ‘મનીષા-ખેવના-ગદ્યપર્વ’ જેવા સામયિકોની સમગ્ર સૂચિ તથા ‘બુંદ બુંદની સૂરત નિરાલી’ (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. છેલ્લા પાંચેક વર્ષથી તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરે છે ને લગભગ એટલાંજ વર્ષોથી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાંગી સામયિક સ્વાધ્યાય ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પૂરવાર થશે. આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા’ અને ‘સિંહનો મોબાઈલ’(બાળવાર્તાઓ), ‘દે દામોદર દાળમાં..’(હાસ્યનિબંધ),‘દેવળાને ઝાંપે’ (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે. કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ(જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ‘ટ્રેનમાં ગાંધીજી’ પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે. કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ’ પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. — રાજેશ પંડ્યા


♣ ♣ ♣

કિશોર વ્યાસના પ્રકાશિત પુસ્તકો

 • પરિચય પુસ્તિકા
  • ગુજરાતી સાહિત્યિક સામયિકો, ૧૯૯૯, પરિચય ટ્રસ્ટ, મુંબઈ.
  • હાજી મહમ્મદ અલારખિયા શિવજી,૨૦૦૯, પરિચય ટ્રસ્ટ, મુંબઈ.
  • મૈત્રીભાવ, ૨૦૧૬, પરિચય ટ્રસ્ટ, મુંબઈ.


 • બાળવાર્તાઓ :
  • લપસણીની મજા, ૨૦૦૬, પ્રકા.પોતે

 

 • હાસ્ય નિબંધો :
  • દે દામોદર દાળમાં..(હાસ્યનિબંધો) પ્ર.આ.૨૦૧૬, પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.(ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત)


 • સંશોધન :
  • સંવિવાદના તેજવલયો (શોધનિબંધ), ૨૦૦૦, પ્રકા.પોતે(ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કૃત) આ.બીજી, સાહિત્યિક પત્રકારત્વ નામે, પ્ર.પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ.
  • ટ્રેનમાં ગાંધીજી (ગાંધીજીના ટ્રેનપ્રવાસની ભૂમિપુત્ર સામયિકમાં પ્રગટ લેખમાળા), પ્રકા.પોતે. ૨૦૨૦.


 • સંપાદન :
  • સામયિક લેખસૂચિ-૨૦૦૧-૨૦૦૫, પ્ર.આ.૨૦૦૯, પ્રકા.પોતે.
  • સામયિક લેખસૂચિ-૨૦૦૬-૨૦૧૦, પ્ર.આ.૨૦૧૧, પ્રકા.ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
  • સામયિક લેખસૂચિ-૨૦૧૧-૨૦૧૫, પ્ર.આ.૨૦૧૮, પ્રકા.પોતે.
  • બુંદબુંદની સૂરત નીરાલી, ૨૦૦૯, પ્ર.પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ.
  • મનીષા-ગદ્યપર્વ અને ખેવના :સ્વાધ્યાય સૂચિ, પ્ર.આ. ૨૦૧૩, પ્રકા.પોતે.


 • વિવેચન :
  • પુનર્લબ્ધિ (અભ્યાસ લેખો ), ૨૦૦૪, પ્રકા. પોતે (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત)
  • વિકલ્પ (સમીક્ષા સંગ્રહ), ૨૦૦૮, પ્રકા.પોતે
  • નિર્દેશ (વિવેચન-અભ્યાસ લેખો), પ્ર.આ. ૨૦૧૩, પ્રકા.પોતે.


 • સંસ્મરણો :
  • દેવળાને ઝાંપે, પ્ર.આ.૨૦૧૪, પ્રકા.વિદ્યાગુરૂ ફાઉન્ડેશન, સાવરકુંડલા.


 • પ્રકાશ્ય
  • સામયિક સંદર્ભ (ગુજરાતી સામયિકો, સંપાદકો અને સાહિત્યિક પત્રકારત્વના ગ્રંથોનો સંદર્ભ ગ્રંથ) પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.
  • સિંહનો મોબાઈલ (બાળવાર્તાઓ) પ્રકા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.