ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખીમદાસ-૧-ખીમ સાહેબ


ખીમદાસ-૧/ખીમ(સાહેબ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૦૧] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. રવિસાહેબના શિષ્ય. જ્ઞાતિએ લોહાણા. ભાણસાહેબના પુત્ર. માતા ભાણબાઈ. જન્મ વારાહીમાં. જન્મવર્ષ ઈ.૧૭૩૪ નોંધાયું છે પણ બધા સંદર્ભોનો એને ટેકો નથી. હરિજનજ્ઞાતિના ત્રિકમભગતને શિષ્ય તરીકે સ્વીકારી એમણે પોતાની સમદૃષ્ટિનો પરિચય કરાવેલો. માછીમારોમાં રામકબીર સંપ્રદાયનો પ્રચાર કરેલો એથી આ કવિ ‘દરિયાપીર’ તરીકે ઓળખાયેલા. ઈ.૧૭૮૧માં રાપર(કચ્છ)માં જગ્યા બાંધી ત્યાં નિવાસ કર્યો. ત્યાં જ જીવત્સમાધિ લીધી. કાફી, ગરબી, આરતી વગેરે પ્રકારો બતાવતાં ખીમસાહેબનાં પદો (કેટલાંક મુ.) વધારે હિંદીમાં, થોડા ગુજરાતીમાં અને ક્વચિત્ કચ્છીમાં મળે છે. યોગની પરિભાષા અને રૂપકાદિ અલંકારોનો આશ્રય લેતાં આ પદોમાં કબીરપરંપરાના તત્ત્વજ્ઞાન, અધ્યાત્મઅનુભવનું તથા સદ્ગુરુમહિમાનું આલેખન છે તેમ જ બાહ્યાચારો પર આકરી ટકોર પણ છે. કવિનાં પદોમાં ‘ખીમદાસ’ ઉપરાંત ‘ખીમ/ખેમ’ એવી નામછાપ પણ મળે છે એટલે ખેમના નામે નોંધાયેલાં પદો પૈકી કેટલાંક આ કવિનાં હોવા સંભવ છે. સાખી ને ચોપાઈબંધની ૫૮ કડીની જ્ઞાનમાર્ગી હિંદી કૃતિ ‘ચિંતામણિ’ (ર.ઈ.૧૭૭૦/સં. ૧૮૨૬, ચૈત્ર સુદ ૭, ગુરુવાર; મુ.) આ કવિની અન્ય રચના છે. કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. ભજનસાગર:૧; ૩. ભસાસિંધુ; ૪. યોગવેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (+સં.); ૫. રવિભાણ સંપ્રદાયની વાણી:૧, પ્ર. મંછારામ મોતી, -; ૬. સતવાણી. સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ:૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. ભાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૬૫; ૩. રામકબીર સંપ્રદાય, કાંતિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૪. સોસંવાણી - પ્રસ્તાવના. [ર.સો.]