ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચાતુરીઓ


ચાતુરીઓ : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ અને ‘ચાતુરી-ષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જો કે એમાં પણ ‘ચાતુરી-ષોડશી’નાં ૧૬ પદો તો સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પદોની માળા મુખબંધ ને ઢાળ અને પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સખીના પ્રશ્નના ઉત્તર રૂપે રાધા કૃષ્ણ સાથેનો પોતાનો કામવિહાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભો છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ કે વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને રોકતા કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પદોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઊતરે છે. કૃષ્ણ લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છ-સુરેખ થયેલું છે ને ક્વચિત્ નર્મ-મર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મનોહર થયું છે, પણ આ પદોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત લાગવા સંભવ છે. આ છાપ ઊભી થવામાં ‘ષોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારલેખનનો ફાળો વિશેષ છે.[ચ.શે.]