ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/‘જીવરાજશેઠની મુસાફરી’


‘જીવરાજશેઠની મુસાફરી’ [ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, પોષ સુદ ૧] : ધોળકાના જીવરામ (ભટ્ટ)નું હીર છંદની ચાલમાં રચાયેલું ૮૭ કડીનું આ કાવ્ય (મુ.) પ્રેમાનંદના ‘વિવેક વણઝારો’ને અનુસરતી રૂપકકથાની પ્રકૃતિએ અદ્વૈતના જ્ઞાનબોધનું નિરૂપણ કરે છે. શિવ-બ્રહ્મથી જુદા પડી ભવાબ્ધિમાં ઝૂકાવતા, માયાની ભ્રાન્તિમાં ફસાઈ અટવાતા ને છેવટે નિવૃત્તિને વરી ભક્તિ ને જ્ઞાન રૂપી પુત્રો પામીને શિવત્વ સાથે અદ્વૈત પામતા જીવતત્ત્વની વાત કવિએ શિવરાજના પુત્ર જીવરાજ શેઠની વેપાર અર્થે થતી મુસાફરીના વીગતપૂર્ણ ને રસિક વર્ણન રૂપે આલેખી છે. રૂપકકથામાં રૂઢિને જ અનુસરતા ને કાવ્યની છેલ્લી કેટલીક પંક્તિઓમાં કથાનાં પાત્રો સાથે એમણે યોજેલાં પારિભાષિક સંજ્ઞાઓનાં સાદૃશ્યોની સમજૂતી આપતા કવિનું ધ્યાન વિશેષપણે કથારસને બહેલાવવા પર રહ્યું છે એ લાક્ષણિક છે.[ર.સો.]