ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસીદાસ-૩


તુલસીદાસ-૩ [               ]: ઉદાધર્મ સંપ્રદાયના જીવણદાસની પરંપરાના જણાતા કવિ. સાખી, ઢાળ અને ચાલ એવા વિભાગો ધરાવતાં ૧૬ કડવાંની કૃષ્ણ-ગોપી વિષયક ‘રાસલીલા’ (મુ.), સીતાસ્વયંવરના પ્રસંગ સાથે રામવિવાહનું વર્ણન કરતી ‘સોનાનું પત્ર’ એવા શીર્ષકવાળો અંશ સમાવતી આશરે ૪૦ કડીની ઢાળ, ચાલ, વલણ, આદિ એવા વિભાગો ધરાવતી ‘સીતાજીનો સોહિલો’ (મુ.) તથા સીતાહનુમાન-સંવાદનાં ૨ પદ (મુ.) - એ કૃતિઓના કર્તા. તુલસીદાસને નામે ‘રાસ-પંચાધ્યાયી’ નોંધાયેલી છે તે ઉપર્યુક્ત ‘રાસ-લીલા’ જ હોવાનો સંભવ છે. આ સંપ્રદાયના અધ્યારુ ધનરાજનાં મનાતાં કીર્તનોમાં પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતા ૩૩ કડીના ‘સંત સોહાગો’ (મુ.)માં ‘તુલસી’ નામ વણાયેલું મળે છે તે કદાચ આ કવિની કૃતિ હોય. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૨. ઉદાધર્મભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ગૂહાયાદી.[ચ.શે.]