ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસાગર-૧


દેવસાગર-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક વિનયચંદ્રના શિષ્ય. ‘કપિલકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, શ્રાવણ સુદ ૧૩, સોમવાર)ના કર્તા. ‘અંચલગચ્છ દિગ્દર્શન’ ઉપર્યુક્ત કૃતિ હેમચંદ્રાચાર્યના ‘અભિધાન ચિંતામણિ’ ઉપર ‘વ્યુત્પત્તિ-રત્નાકર’ નામે સંસ્કૃત વૃત્તિ (ર.ઈ.૧૬૩૦) તથા ૨ શિલાપ્રશસ્તિઓ (ર.ઈ.૧૬૧૯ અને ૧૬૨૭) વગેરેના રચનાર વિનયચંદ્ર-રવિચંદ્રશિષ્ય વાચક દેવસાગરને નામે મૂકે છે. પરંતુ પ્રસ્તુત કૃતિમાં ગુરુનામ વિનયચંદ્ર મળે છે તે ઉપરાંત કવિ પોતાને માત્ર મુનિ તરીકે ઓળખાવે છે તે જોતાં તેના કર્તા ઉક્ત વાચક દેવસાગર ગણવા કે કેમ તે વિશે શંકા રહે છે. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]