ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નારાયણ-ફાગુ’


‘નારાયણ-ફાગુ’ : છેવટના ૩ સંસ્કૃત શ્લોકો સાથે ૬૭ કડીની આ રચના (લે. ઈ.૧૪૪૧)માં આવતા ‘નતર્ષિ’ (=ઋષિઓ જેને નમે છે) શબ્દને કારણે એના કર્તા નતર્ષિ કે નયર્ષિ નામના જૈન મુનિ હોવાની ને “કીરતિ મેરુ સમાન” એ શબ્દોને કારણે કવિના ગુરુ કીર્તિમેરુ હોવાની સંભાવના કરવામાં આવેલી છે. તો બીજી બાજુથી કૃતિમાં જૈન તત્ત્વના અભાવને કારણે એને જૈનેતર કૃતિ પણ માનવામાં આવી છે. વસ્તુત: હસ્તપ્રતના લહિયા કીર્તિમેરુ, કૃતિની શબ્દાનુપ્રાસવાળી શૈલીનું કીર્તિમેરુની અન્ય રચનાઓ સાથે સામ્ય ને કૃષ્ણની રાણીઓનો ગોપીઓ તરીકે ઉલ્લેખ વગેરે કેટલીક હકીકતો કૃતિના કર્તા જૈન કવિ કીર્તિમેરુ હોવાની સંભાવનાનું સમર્થન કરે એવી છે. ફાગ, અઢૈયા, રાસક અને આંદોલાના બંધથી રચાયેલી આ કૃતિમાં ‘આંદોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચના ગૂંથાયેલી છે એ ખાસ નોંધપાત્ર છે. કવિ પ્રથમ ‘પ’ વર્ગના આગર સમા (એટલે પુષ્પ, પદ્મિની, ફળ, ફૂલ, બળદ, ભક્ત, મણિ આદિથી યુક્ત) સોરઠદેશનું ને પછી દ્વારિકાનું વર્ણન કરે છે. તે પછી કૃષ્ણનાં પરાક્રમ ને વૈભવનું યશોગાન ગાય છે ને તે પછી કૃષ્ણનાં એની રાણીઓ સાથેના વસંત-વન-વિહાર, રાસલીલાને શૃંગારલીલાનું આલેખન કરે છે. ‘વસંતવિલાસ’નો પ્રભાવ દર્શાવતી કલ્પનાઓ ને ઉક્તિઓ તથા આંતરયમક ને પ્રાસાનુપ્રાસ વાળી મધુર કાવ્યશૈલી ધરાવતા આ કાવ્યનો શૃંગાર સંયમપૂર્ણ ને પ્રૌઢ છે તેમ જ એમાં થોડા ભાવાવિષ્ટ ઉદ્ગારો પણ જડે છે - સૂર્યના ઊગ્યા પછીયે અંધારું રહે તો કોને દોષ દેવો ? તારી પ્રીત પછીયે આશા પૂરી ન થાય તો શું દુ:ખ ધરવું ? [જ.કો.]