ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ પ્રેમસખી પ્રેમાનંદ


પદ(પ્રેમસખી પ્રેમાનંદ) : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ પ્રેમસખી પ્રેમાનંદે ૧૦ હજાર જેટલાં પદો ગુજરાતી અને હિંદીમાં લખ્યાં છે એવું મનાય છે, પરંતુ અત્યારે ઉપલબ્ધ ચારેક હજાર પદોમાંથી ત્રણેક હજાર પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. કંઈક પ્રસંગકથનનો તંતુ ભળેલો હોય એવી ઠીકઠીક સંખ્યામાં રચાયેલી પદમાળાઓનાં પદ પણ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. તિથિ, વાર, રાશિ, માસ, ગરબો, ગરબી સ્વરૂપે મળતાં આ પદોમાં એમાંના રવાનુકારી શબ્દો, વર્ણસામર્થ્યની જન્મતું નાદતત્ત્વ, સંગીતના વિવિધ રાગમાં સહેલાઈથી ગાઈ શકાય એવા એમનો શબ્દબંધ ઇત્યાદિથી જે સંગીતતત્ત્વનો અનુભવ થાય છે તે કવિના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન અને ભાષાપ્રભુત્વને પ્રગટ કરે છે. કવિનાં કૃષ્ણભક્તિનાં પદોમાં ગુજરાતી-હિંદીમાં વિક્સેલી પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનું અનુસંધાન છે. કૃષ્ણની ગોકુળલીલાની વિવિધ સ્થિતિઓને આલંબન તરીકે લઈ કવિએ વિવિધ ભાવવાળાં અનેક પદ રચ્યાં છે. એમાં કૃષ્ણને જગાડવા માટે રચાયેલાં પ્રભાતનાં પદો છે, જસોદા અને ગોપીઓ પાસે કૃષ્ણે કરેલાં તોફાનને આલેખતાં નટખટ કૃષ્ણની છબી ઉપસાવતાં વિનોદની છાંટવાળાં બાળલીલાનાં ને દાણલીલાનાં પદ છે, કૃષ્ણના રૂપનું વર્ણન કરતાં પદો છે, કૃષ્ણ અને ગોપીઓના રાસનાં પદ છે, તો ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની શૃંગારપ્રીતિનાં પદો પણ છે. એમનાં શૃંગારનાં પદોમાં સંભોગ ઓછો, વિરહ વિશેષ છે. કાવ્યત્વની દૃષ્ટિએ પણ વિરહનાં પદો વધુ આસ્વાદ્ય છે. ગોપીના ચિત્તમાં કૃષ્ણ પ્રત્યે જન્મેલું અદમ્ય આકર્ષણ, એને અનહત સંભળાતા વાંસલડીના સૂર, એમાંથી જન્મતી બેચેની અને પોતાના સાંસારિક જીવન પ્રત્યેની ઉદાસીનતા આલેખી કૃષ્ણ માટેના ગોપીહૃદયમાં રહેલા તલસાટને કવિ વાચા આપે છે. કૃષ્ણના મથુરાગમન પછી ગોપીઓની વિરહવ્યાકુળતાને પણ કવિએ આલેખી છે. સહજાનંદને કવિ કૃષ્ણસ્વરૂપ ગણતા હોવાથી સહજાનંદભક્તિનાં પદો ‘પ્રેમાનંદકાવ્ય’ (ભાગ ૧-૨)નાં કૃષ્ણભક્તિનાં પદો સાથે ભળી ગયાં છે. એમાં ‘હરિસ્વરૂપ ધ્યાનસિદ્ધિ’નાં ૩૦ પદોમાં કવિએ સહજાનંદ સ્વામીનાં મુખ, નયન, નાસિકા, ભુજ, છાતી જેવાં અંગો, એમની ચાલ, સામુદ્રિક લક્ષણો, રૂપ, વસ્ત્રાલંકાર, ટેવો ઇત્યાદિનું વીગતે વર્ણન કર્યું છે. સહજાનંદ પ્રત્યેની પ્રીતિ એ પદોમાં અનુભવાય છે ખરી, પરંતુ કવિનાં ઉત્તમ પદો તો સહજાનંદવિરહનાં છે. સહજાનંદ સ્વામીને પ્રવાસગમન કરવું પડતું ત્યારે સહજાનંદના વિયોગમાંથી ઘણાં વિરહભાવનાં પદો રચાયાં છે. પરંતુ એમાંય સહજાનંદ સ્વામીના મૃત્યુ પછી રચાયેલાં, કવિના શોકસંતપ્ત હૃદયમાંથી નીકળેલાં વિરહનાં પદો, એમાંથી પ્રગટતી ઉત્કટ વેદનાથી વધુ ધ્યાનાર્હ છે. એ સિવાય દીક્ષાવિધિ, સત્સંગી વૈષ્ણવનાં લક્ષણો, વૈરાગ્યવાન શિષ્યનાં લક્ષણો, હરિભક્તે પાળવાના નિયમો વગેરે વિશે સાંપ્રદાયિક રંગવાળાં બોધાત્મક પદો કવિએ જેમ રચ્યાં છે તેમ અન્ય ભક્તકવિઓની જેમ સંસાર પ્રત્યે અનાસક્તિ કેળવવાનો બોધ આપતાં વૈરાગ્યનાં પદો પણ લખ્યાં છે. આ પ્રકારનાં પદોમાં પોતાને ઇશ્વરના ચરણમાં રાખવાની પ્રાર્થના કરતાં પદો એમાંના આર્જવથી, એમાં અનુભવાતી સૂફીઓના જેવી પ્રેમમસ્તીથી વધુ કાવ્યગુણવાળાં બન્યાં છે.[ચ.મ.]