ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ ભોજો


પદ(ભોજો) : ચાબખા, પ્રભાતિયાં, કીર્તન, ધોળ, કાફી, આરતી, મહિના, વાર, તિથિ ઇત્યાદિ પ્રકારભેદમાં મુદ્રિત રૂપે ઉપલબ્ધ થતાં ભોજા ભગતનાં પદોમાં ૧૭૫ને હસ્તપ્રતનો આધાર છે. આ પદોમાં કેટલાંક સાધુશાઈ હિંદીમાં છે ને કેટલાંક પર વ્રજભાષાની અસર છે. આ પદોમાં જનસમાજમાં ખૂબ લોકપ્રિય કવિનાં ૪૦-૪૫ ચાબખા છે. તીખા પ્રહારોને લીધે ચાબખા નામથી જાણીતાં થયેલાં આ પદોમાં ઉદ્બોધનશૈલીનો આશ્રય લઈ કવિ સંસારી સુખનું મિથ્યાત્વ બતાવી એ સુખમાં રચ્યાપચ્યા રહેતા અજ્ઞાની મનુષ્યને તીખાં વચનોથી ઢંઢોળી વૈરાગ્ય તરફ વળવાનો બોધ કરે છે. કેટલાક ચાબખામાં ધર્મને નામે પાખંડ ચલાવતા ઢોંગી સાધુઓ પર પ્રહાર કરે છે. જેમ કે સંસારીસુખમાં ડૂબેલા મનુષ્યને ઇંદ્રિયસ્વાદથી લલચાઈ ખાટકીવાસમાં જતા ને પછી ઊંધે મસ્તકે ટીંગાતા ઘેટા સાથે સરખાવે છે. પાખંડી સાધુઓને “રાખો ચોળી પણ રાંડોના રસિયા” કહી એમના ઢોંગીપણાને ખુલ્લુ પાડે છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીના સંસ્કાર, રૂઢોક્તિઓ, દૃષ્ટાંતો ને ઘણી જગ્યાએ યુદ્ધની પરિભાષાનો પ્રયોગ એ સહુને લીધે ચાબખાની વાણી જોરદાર ને સોંસરવી ઊતરી જાય એવી બની છે. “પ્રાણિયા ! ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર” કે “જીવને શ્વાસ તણી સગાઈ” એમના ઉત્તમ ચાબખા છે. અગમ્ય તત્ત્વના અનુભવને વ્યક્ત કરતાં ‘સંતો! અનહદજ્ઞાન અપારા’ જેવાં સુંદર પદો કવિએ રચ્યાં છે, તો ‘કાચબા-કાચબી’ જેવું ભક્તિનો મહિમા કરતું પદ પણ રચ્યું છે. અન્ય વૈરાગ્યબોધક પદોમાં સદ્ગુરુનો મહિમા, જીવનમુક્તનાં લક્ષણો વગેરે વ્યક્ત થયાં છે. કવિએ રચેલાં કેટલાંક કૃષ્ણભક્તિનાં પદોમાં કૃષ્ણજન્મનો આનંદ, કૃષ્ણગોપીની શૃંગારકેલિ ને મથુરા ગયેલા કૃષ્ણને સંદેશો મોકલતી ગોપીના વિરહ વર્ણવાયાં છે. [ર.શ.]