ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ મીરાંબાઈ


પદ(મીરાંબાઈ) : ગુજરાતી, રાજસ્થાની અને વ્રજમાં હસ્તપ્રતો અને મૌૈખિક રૂપે ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોની સંખ્યા આમ તો ઘણી મોટી છે. પરંતુ એમનાં પદોની જૂનામાં જૂની ૨ હસ્તપ્રત - ૧ ડાકોરની (લે.ઈ.૧૫૮૬) ૬૯ અને બીજી કાશીની (લે.ઈ.૧૬૭૧) ૧૦૩ પદવાળી-ઉપલબ્ધ થાય છે, જેમાંની પહેલી તેમની કોઈ લલિતા નામની સખી દ્વારા લખાઈ છે. કાશીની પ્રતમાં ડાકોરની પ્રતનાં ૬૯ પદ એ જ ક્રમમાં પહેલાં મળે છે અને બીજાં ૩૪ પદ નવાં ઉમેરાયેલાં છે. એટલે આ પદોને મીરાનાં સૌથી વધુ અધિકૃત પદો માનવાનું વલણ વિદ્વાનોનું છે. આ પદો પાછળથી શબ્દો, પંક્તિઓના ઓછાવત્તા ફેરફાર સાથે અનેક રૂપે જનસમાજમાં ફેલાયાં તેમ જ બીજાં અનેક પદ એમાં ઉમેરાયાં. માત્ર ગુજરાતીમાં ૪૦૦ જેટલાં એમનાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. આ સૌથી જૂની ૨ હસ્તપ્રતોનાં પદોની ભાષા પ્રાચીન રાજસ્થાની છે. કૃષ્ણપ્રીતિ એમની કવિતાનો સ્થાયી ભાવ છે, પરંતુ પ્રેમલક્ષણા ભક્તિની કવિતામાં કૃષ્ણપ્રીતિની આસપાસ રહીને પણ જે ભાવવૈવિધ્ય ગુજરાતી-હિન્દી કવિતામાં સધાયું છે તે મીરાંબાઈનાં પદોમાં એટલા પ્રમાણમાં નથી. કોઈપણ પ્રકારની સાંપ્રદાયિકતાથી મુક્ત એમનાં પદોમાં વાત્સલ્યપ્રીતિ નથી અને શૃંગારપ્રીતિમાંય વિરહપ્રીતિ જ મુખ્ય છે. સંભોગપ્રીતિ તો કવચિત્ કોઈ પદમાં અને તે પણ એના સંયત રૂપમાં વ્યક્ત થઈ છે. મનોમન જેને પોતાનો પતિ માની લીધો છે તે કૃષ્ણના મિલન માટેનો ઊંડો તલસાટ ને એમાંથી જન્મતાં વ્યાકુળતા-દર્દ એમનાં પદોમાં ઘૂંટાઈઘૂંટાઈને વ્યક્ત થાય છે. એમની કવિતાનો ઉત્તમાંશ આ પ્રેમવિહ્વળ દશાને વ્યક્ત કરતાં પદો છે. કોઈ રચનાચાતુરી વગર ક્યારેક કોઈ હૃદયસ્પર્શી કલ્પનથી, અત્યંત લાઘવ ને સાવ સરળ પણ સંગીતમય પદાવલિથી આ પદોમાં રહેલો વિરહભાવ એની તીવ્રતા, ગહનતા ને કોમળતા સમેત હૃદયને સ્પર્શે છે. ફાગણના હોળીખેલનના દિવસ હોય કે અસાડની વર્ષા હોય, પીંછીના આછા લસરકાથી પ્રેમવિહ્વળ સ્ત્રીનું ચિત્ર તેઓ આંકી દે છે. પતિના આગમનની રાહ જોતી વિરહિણીનું ચિત્ર “ઊંચો ચઢચઢ પંથ નિહારયાં કલપકલપ અખયાં રાંતી” કે પ્રિયતમની પ્રતીક્ષાની તીવ્રતા, વ્યાકુળતા, કંઈક થાક ને નિરાશા એ સૌ ભાવોને વ્યક્ત કરતાં “પાના જ્યું પીલી પડી રે લોગ કહ્યાં પિંડ બાય” ને “ગણતાંગણતાં ઘીશ ગયાં રેખાં આંગરિયાં રિ શારી” એ ચિત્રો મીરાંની કલ્પનનિર્માણની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંત છે. વિરહિણી સ્ત્રીના મનોભાવ રૂપે વ્યક્ત થયેલી કૃષ્ણમિલન માટેની આ વ્યાકુળતામાં શૃંગારની પ્રગલ્ભતા ને સાંસારિક વાસનાનો સ્પર્શ નથી, રિસાળપણું કે માનિનીપણું પણ નથી. એમાં દાસીપણું છે, સહજતા ને સાત્ત્વિકતા છે. કૃષ્ણરૂપવર્ણનનાં પણ કેટલાંક પદ મીરાંબાઈ પાસેથી મળે છે, જે કૃષ્ણ સતત એમના ચિત્તમાં રમ્યા કરતા હશે એની પ્રતીતિ કરાવે છે. મીરાંબાઈએ પોતાને કુટુંબ સાથે થયેલા સંઘર્ષની અંગત જીવનની વીગતોનો ઉલ્લેખ કરતાં કેટલાંક આત્મચરિત્રાત્મક પદો રચ્યાં છે. એમનો સાધુસંતો સાથેનો સમાગમ, રાણાનો રોષ, એમને મારી નાખવા માટે રાણાએ મોકલેલો ઝેરનો પ્યાલો કે કરંડિયામાં મોકલેલો નાગ, વગેરે વીગતોનો એમાં ઉલ્લેખ છે. આ પદોમાંથી મીરાંબાઈની અવિચલિત ગિરિધરનિષ્ઠા, ભક્તિની મસ્તી ને જગનિંદાની બેપરવાઈ ઊપસી આવે છે. પ્રભુભક્તિનો મહિમા કરતાં પણ થોડાંક પદ મીરાંએ રચ્યાં છે. ગુજરાતીમાં મુદ્રિત રૂપે ઠીકઠીક મોટી સંખ્યામાં ઉપલબ્ધ થતાં મીરાંબાઈનાં પદોમાં એમનાં અધિકૃત ગણાતાં ઘણાં પદ પ્રક્ષેપો સાથે ને પાઠભેદે મળી આવે છે, પરંતુ એમની કવિતાનો ઉત્તમાંશ જેમાં છે તે વિરહભાવનાં પદ ગુજરાતીમાં વિશેષ નથી. આત્મચરિત્રાત્મક પદોની સંખ્યા મોટી છે. એ સિવાય દાણલીલા, કૃષ્ણની મોરલીના સૂર કે કૃષ્ણના અબોલાથી જન્મતી વ્યાકુળતા, કૃષ્ણને ભોજન માટે અપાતાં ઇજન વગેરે ગોપીભાવનાં વિશેષ પ્રમાણમાં મળતાં પદો; “સત્સંગનો રસ ચાખ પ્રાણી” કે “મળ્યો જટાધારી જોગેશ્વર બાવો” જેવાં નાથસંપ્રદાયની અસર બતાવતાં પદ કે “જૂનું થયું રે દેવળ જૂનું થયું” જેવાં નિર્ગુણઉપાસનાવાળાં વૈરાગ્યબોધક પદ વગેરે મીરાંની સૌથી જૂની ગણાતી ઉપર નિર્દિષ્ટ પ્રતોમાં નથી. એમાંનાં કેટલાંક પદ અન્ય મધ્યકાલીન કવિઓનાં હોવાનું સ્વીકારાયું છે. બીજાં પદોનું મીરાંકર્તૃત્વ શંકાસ્પદ હોવાનો હિન્દી વિદ્વાનોનો મત ઉચિત લાગે છે.[જ.ગા.]