ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ રવિદાસ


પદ(રવિદાસ) : ગરબી, ગરબો, ધોળ, સરવડાં, કાફી, રેખતા આદિ પ્રકારો અને વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં અને અનેક પ્રસંગે વિવિધ પ્રકારની ધ્રુવાઓનો વિનિયોગ કરી રમણીય ગેયતા સિદ્ધ કરતાં ૩૫૦ ઉપરાંત પદો (મુ.) વિષય અને નિરૂપણરીતિના વૈવિધ્યથી પણ ધ્યાન ખેંચે છે. અહીં જ્ઞાન અને ભક્તિમાર્ગના પ્રવાહીનું વિલક્ષણ સંમિશ્રણ થયેલું છે. થાળ, બાળલીલા, ઉદ્ધવસંદેશ, શૃંગારલીલા વગેરે કૃષ્ણચરિત્રના પરંપરાગત વિષયો આલેખાયા છે અને એમાં પ્રણયાર્દ્ર ગોપીભાવનાં, મનોરમ કૃતકકલહનાં અને પ્રગલ્ભ સંયોગશૃંગારનાં ચિત્રણો પણ મળે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં આ પદોની બહુલતા ધ્યાન ખેંચે આવી છે, તો બીજી બાજુથી સદ્ગુરુમહિમા, નામમહિમા, વૈરાગ્યબોધ અને અધ્યાત્મજ્ઞાનનાં પદો પણ ઠીક સંખ્યામાં મળે છે. ખીમ-રવિ પ્રશ્નોત્તરીનાં પદો તેમ જ પ્રીતમદાસ વગેરેને પત્રો રૂપે લખાયેલાં પદોમાં જ્ઞાનચર્ચા જ છે. સદ્ગુરુ પ્રત્યેનો કવિનો આર્દ્ર ભક્તિભાવ સ્પર્શી જાય એવો છે. જ્ઞાન-વૈરાગ્યનાં પદોમાં રૂપકાત્મક નિરૂપણરીતિનું પ્રાધાન્ય દેખાય છે. રેંટીડો/ચરખો, કટારી, હોક્કો વગેરે તો પરંપરામાં કાવ્યપ્રકાર તરીકે રૂઢ થઈ ગયેલી રૂપકગ્રંથિઓ છે. અવિનાશીનો વિવાહ, કાયાગરબો, ઝાલરી વગેરે પણ આવી રૂપકગ્રંથિવાળી રચનાઓ છે. આ ઉપરાંત માર્મિક દૃષ્ટાંતગ્રથન અને સીધી સોંસરી વાણીથી પણ આ પદોની અભિવ્યક્તિ અસરકારક બનેલી છે. ખીમદાસ તથા શામદાસના ‘ઉમાવા’ (=મૃત્યુગીત) જેવી પ્રાસંગિક રચનાઓ પણ રવિદાસે કરેલી છે. રવિદાસનાં પદો પર હિંદીનો પ્રભાવ છે, અને રેખતા વગેરે પ્રકારની કેટલીક રચનાઓ તો હિંદીમાં જ છે. કંઠસ્થ ભજનપરંપરામાં રવિદાસની કૃતિઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.[જ.કો.]