ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રાગ-પ્રાગજી-પ્રાગદત્ત-પ્રાગદાસ-પ્રાણરાજ-પ્રાગો


પ્રાગ/પ્રાગજી/પ્રાગદત્ત/પ્રાગદાસ/પ્રાણરાજ/પ્રાગો : આ નામે જ્ઞાનવૈરાગ્યની, કૃષ્ણભક્તિની અને માતાના ગરબા રૂપે કૃતિઓ મળે છે. જ્ઞાનના ૧ કક્કામાં કવિ પોતાને આત્માનંદના શિષ્ય તરીકે ઓળખાવે છે. આ આત્માનંદ કોઈ રામાનંદ સાધુ હોવાનું અને કવિ રામાનંદ સાધુઓથી પ્રભાવિત હોવાનું અનુમાન ‘કવિચરિત’માં થયું છે. ‘દિનમણિ’ નામની હિંદી કૃતિની ર. ઈ.૧૭૮૨ છે એને આધારે કવિ ઈ.૧૮મી સદીમાં થઈ ગયાનું કહી શકાય. ‘જ્ઞાનના દ્વાદશ-માસ/મહિના’, ૩૩ અને ૩૪ કડીના ૨ કક્કા, ‘ચિંતામણિ/ચેતવણી’, કેટલાંક પદો(ર. મુ.) તથા હિન્દીમિશ્ર ગુજરાતીમાં મળતી ‘રામરસાયણ’ એ કૃતિઓના કર્તા પ્રીતમના પુરોગામી તરીકે ઓળખાવાયેલા જ્ઞાનમાર્ગી કવિ પ્રાગ/પ્રાગદાસ છે. પ્રાગ/પ્રાગજીને નામે ‘તિથિ/પંદરતિથિ’ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં પદો મળે છે, તેમ જ ૨૯/૩૪ કડીનો ‘ચોસઠ જોગણીનો ગરબો’ (મુ.) પ્રાગદત્ત/પ્રાગરાજ/પ્રાગદાસને નામે મળે છે. ‘ગૂહાયાદી’ અને ‘કવિચરિત’ આ બધી કૃતિઓના કર્તા એક જ હોવાનું માને છે, પરંતુ એ શંકાસ્પદ જણાય છે. ‘તિથિ/પંદર-તિથિ’ તથા કૃષ્ણ ભક્તિનાં પદો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ પ્રાગજીનાં હોવાની સંભાવના છે, અને ‘ચોસઠ જોગણીનો ગરબો’ તથા બીજો માતાનો ૫ કડીનો ૧ ગરબો(મુ.)ના કર્તા કોઈ ત્રીજા પ્રાગદાસ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. નકાસંગ્રહ; ૩. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૪. પ્રાકાસુધા : ૧, ૫. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.[કી.જો.]