ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પંચદંડ’


‘પંચદંડ’  : પુરોગામી કવિઓને હાથે વિક્રમ-મહિમાની સ્વતંત્ર વાર્તા બનેલી, દુહા-ચોપાઈની ૫૮૦ કડીઓમાં રચાયેલી આ વાર્તા (મુ.)ના વસ્તુનો ઉપયોગ શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’માં પાંચમી પૂતળીએ કહેલી વાતો તરીકે કરી લીધો છે. વિક્રમરાજએ દેવદમની ઘાંચણની પુત્રી દમનીને હરસિદ્ધિમાતા અને વેતાળની સહાયથી જીતી તેને પરણી દેવદમનીના બતાવ્યા મુજબ ઉમયાદે પાસેથી ઊડણદંડ, રાક્ષસ પાસેથી અજિતદંડ, રત્નમંજરી પાસેથી અભયદંડ, બ્રાહ્મણકન્યા પાસેથી વિષધરદંડ અને કોચી કંદોયણ પાસેથી પ્રતાપદંડ કે જ્ઞાનદંડ, એમ પાંચ દંડ અને સાથે પત્ની તરીકે કેટલીક સુંદરીઓ મેળવ્યાની કથા એમાં કહેવાઈ છે. આ પાંચ દંડમાં રાજા પાસેથી હોવી જોઈતી ચતુરંગી સેનાનું પ્રતીક સમજી શકાય. મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધભાવે આકર્ષે એવી જાદુઈ વિદ્યાઓ અને ચમત્કારોની બહુલતા આ વાર્તાની વિશિષ્ટતા કહેવાય. બીજી વિશિષ્ટતા વીર વિક્રમનાં પરદુ:ખભંજક પરાક્રમોની કહેવાય, જેમાં વેતાળની એને ઘણી સહાય મળી રહેતી હોય છે. એક વાર્તામાં તો સ્ત્રીને હીણી ચીતરતા સ્ત્રીચરિત્રની વાત આવે છે, જેમાં વિક્રમનો પોતાની રાણી પતિવ્રતા હોવા વિશેનો ભ્રમ ભાંગે છે.[અ.રા.]