ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પદ્માવતી’


‘પદ્માવતી’ [ર.ઈ.૧૭૧૮/૧૭૭૪-સુદ ૫, મંગળવાર] : થોડાક સોરઠા સિવાય દોહરા-ચોપાઈમાં રચાયેલી ૭૭૫ કડીની શામળનું પ્રથમ સર્જન મનાયેલી આ વાર્તા (મુ.) છે. ચંપાવતીનો સુંદર અને ચતુર રાજકુંવર પુષ્પસેન પ્રથમ વણિકપુત્રી સુલોચનાને અને પછી ધારાના કુંતીભોજની કુંવરી પદ્માવતીને કેમ પરણે છે તેની એમાં વાર્તા છે. નાયકના બંને પ્રણયલગ્નમાં સુલોચના અને પદ્મવતી જ પહેલ કરતાં દેખાડાયાં છે. પહેલાં લગ્ને નાયકને પિતા તરફથી દેશવટો અપાવ્યો અને બીજા લગ્ને પદ્માવતીના પિતાના કોપથી મરવાની ઘડીનો અનુભવ તેને કરાવ્યો, જેમાંથી તેને બચાવવામાં અને પદ્માવતી તથા સુલોચનાનો મેળાપ કરાવી પિતાને ઘેર માન સાથે પહોંચાડવામાં ગુણકા ચંદ્રાવલી મહત્ત્વની કામગીરી બજાવે છે. વાર્તામાં પુષ્પસેન અને પદ્માવતીને નજીક લાવવામાં તેમ જ બંનેની ચતુરાઈ સિદ્ધ કરવામાં સમસ્યાબાજીને શામળે સારી કામે લગાડી છે. પદ્માવતી અને સુલોચના વચ્ચે સમસ્યાની રમત ખેલાવાઈ છે ! આ વાર્તા શામળનું સ્વતંત્ર સર્જન મનાય છે એ ખરું, પણ જૂની વાર્તાપરંપરામાંથી કેટલાંક કથાઘટકો એમણે મેળવ્યાં અને પ્રયોજ્યાં હોવાનું અભ્યાસીઓથી અદીઠ રહેતું નથી.[અ.રા.]