ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ-૨


માંડણ-૨ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જ્ઞાનમાર્ગી સંત કવિ. કવિની કૃતિઓમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે વતન રાજસ્થાનનું શિરોહી. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ હરિ કે હરિદાસ હોવાની સંભાવના. માતા મેધૂ. કવિની ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત ‘પ્રબોધ-બત્રીશી/‘માંડણ બંધારાનાં ઉખાણાં’(મુ.)ની અખાના છપ્પા પર અસર છે. લોકોના દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો આમ તો કવિનો હેતુ છે, પરંતુ તત્કાલીન પ્રજાજીવનમાં પ્રચલિત અનેક ઉખાણાંને કથયિતવ્યમાં સમાવવાના આગ્રહને લીધે ઘણે સ્થળે કૃતિની પ્રાસાદિકતા જોખમાય છે. કબીરના શિષ્ય જ્ઞાનીજીની હિન્દી કૃતિ ‘જ્ઞાન-બત્તીસી’થી પ્રભાવિત થઈ કવિએ આ કૃતિ રચી હોવાનું મનાય છે. એ સિવાય ૭૦-૭૫ કડીઓવાળા ૭૦ ખંડમાં ચોપાઈ અને દુહાબંધમાં રચાયેલું ‘રામાયણ’ અને એ પ્રકારના જ કાવ્યબંધમાં રચાયેલું ‘રુકમાંગદ-કથા/એકાદશી મહિમા’ (લે.ઈ.૧૫૧૮) કવિની આખ્યાનકોટિની રચનાઓ છે. રોળા અને ઉલાલાના મિશ્રણવાળા છપ્પયછંદમાં રચાયેલી ‘પાંડવવિષ્ટિ’ પણ તૂટક રૂપે કવિની મળે છે. ‘સતભામાનું રૂસણું’ મનાતી કૃતિ કવિએ રચી હોવાનું મનાય છે, પરંતુ એની કોઈ પ્રત ઉપલબ્ધ થઈ નથી. કવિની નામછાપવાળાં, પણ મરાઠીની અસર બતાવતાં ૨ પદ(મુ.) આ કવિનાં હોય એમ મનાય છે. કૃતિ : ‘પ્રબોધબત્રીશી અથવા માંડણ બંધારાનાં ઉખાણાં’ અને કવિ શ્રીધરકૃત ‘રાવણમંદોદરી-સંવાદ’ સં. મણિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૩૦ (+સં.). સંદર્ભ : ૧. અખો-એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૨૭; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. ગુસાસ્વરૂપો; ૭. પ્રાકકૃતિઓ;  ૮. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘માંડણ અને સંતમત’, કાન્તિકુમાર ભટ્ટ;  ૯. ગૂહાયાદી.[નિ.વો.]