ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વીકો સીસોદિયાનો વેશ’


‘વીકો સીસોદિયાનો વેશ’ : કોઈ કર્તા-નામછાપ વગરનો ચિતોડગઢના રજપુત સરદાર વીકાનો વીર, હાસ્ય ને પ્રણયના અંશવાળો આ ભવાઈ-વેશ(મુ.) વહેલી સવારે ભજવાતા વેશોમાં ખૂબ જાણીતો છે. ૪ ખંડમાં વહેંચાઈ જતા ને જુદીજુદી વાચના રૂપે મળતા આ વેશની પહેલા ૩ ખંડની ભાષા પર મારવાડી બોલીની ઘણી અસર છે. રત્નાવળાના મુખે ગવાયેલાં ચોથા ખંડનાં પદો મારવાડીની અસરથી મુક્ત છે. પહેલા ખંડમાં વીકો પોતે પૂછનારને ક્યાંથી આવ્યા એ જણાવી પહેલાં ગણપતિ, મહાદેવ, અંબિકા, ગોપાળજી, રામચંદ્રજી અને હનુમાનજીની સ્તુતિ તથા રાણા રાયસંગ, રામસંગ, જોરાવરસંગ, અમીરસીંગ, અજિતસિંહ ને સવાઈસિંહજીની પ્રશસ્તિ કરે છે. બીજા ખંડમાં વીકો પોતે સીસોદિયો અને એહડાઉજી એમ બે નામે કેમ ઓળખાયો તેની રમૂજી કથા કહે છે. પોતે સવાશેર ઉકાળેલું સીસું પીને હજમ કરી ગયો એટલે સીસોદિયો કહેવાયો, અને ચિતોડના રાણાને દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ થયું ત્યારે પોતે બાદશાહના હાથીને ગંડસ્થળમાં સાંગ મારી હઠાવ્યો અને એહડાઉજી કહેવાયો. ત્રીજા ખંડમાં મોતિયો માંગણ વીકા પાસે દાન માગવા આવે છે તે પ્રસંગ રમૂજી સંવાદ રૂપે આલેખાયો છે. ચોથા ખંડમાં વીકાની પત્ની રત્નાવળાનાં પોતાના પતિને સંબોધી રચાયેલાં પ્રેમનાં ગીતો છે. વીકાની શૂરવીરતા અને તેના પડછંદ દેહ પર વારી ગયેલી રત્નાવળા વીકાને રાજદરબારમાં પાછા ન જવા માટે અને પોતાની સાથે રહી શાંતિમય જીવન વિતાવવા વિનવે છે એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રત્નાવળાના છલકાતા પ્રેમની અભિવ્યક્તિ અહીં અસરકારક બની છે. કૃતિ : ૧. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨(અં.); ૨. ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪; ૩. ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુક્લ, ઈ.-; ૪. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૫. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી, ઈ.-. [જ.ગા.]