ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શ્રેણિક-અભયકુમાર-ચરિત’


‘શ્રેણિક-અભયકુમાર-ચરિત’ : મુખ્યત્વે વસ્તુ, દુહા અને ચોપાઈ ને કવચિત્ છપ્પાને પ્રયોજતી ૩૬૮ કડીની દેપાલકૃત આ રાસ-કૃતિ(મુ.) શ્રેણિક અને તેના પુત્ર અભયકુમારના બુદ્ધિચાતુર્યની રસપ્રદ કથા કહે છે. આ વિષયની એ સૌથી પહેલી ગુજરાતી કૃતિ તરીકે નોંધપાત્ર ઠરે છે. પ્રસેનજિતરાજાએ પોતાના સો પુત્રોની પરીક્ષા કરવા યોજેલી કસોટીમાં શ્રેણિક પાર ઊતર્યો પણ એ માટે એણે ખાજાંનો ભૂકો કરવો પડ્યો, કૂતરાની પંગતમાં જમવું પડ્યું ને બળતા ઘરમાંથી ઉત્તમ વસ્તુ તરીકે એ ભંભ નામનું વાજિંત્ર લવ્યો, તેથી ગમાર ગોવાળિયો કહીને રાજાએ એને રાજસભામાં આવવાની મના કરી. દેશાટને નીકળેલો શ્રેણિક પોતાની પાસેની મંત્રવિદ્યા ઉપરાંત વજ્રાકરપર્વતના અધિદેવતાની કૃપાથી મળેલા રત્નોના પ્રતાપે સંકટોમાંથી બચે છે અને રાજાની અવકૃપાથી ગરીબ બની ગયેલા ધનશ્રેષ્ઠીને સહાયરૂપ થઈ પોતે પણ સંપત્તિવાન બને છે ને એની પુત્રી સુનંદાને પરણે છે. પુત્રના ચાલ્યા જવાનું દુ:ખ અનુભવતા પ્રસેનજિતને સાર્થવાહ પાસેથી શ્રેણિકની ભાળ મળે છે ને એને લાગણીભરેલા ઠપકાના પત્રો મોકલે છે; જેના શ્રેણિક પણ યોગ્ય ઉત્તરો આપે છે. છેવટે એ પોતાની નગરીમાં આવી રાજ્યધુરા સંભાળે છે. મંત્રીની યોગ્ય પસંદગી માટે પાણી વગરના કૂવામાંથી કશા સાધન વિના વીંટી કાઢી આપવાની કસોટી એ રચે છે. ગર્ભાવસ્થામાં જ જેને પોતે છોડ્યો હતો એ એનો પુત્ર અભયકુમાર આ વીંટી પોતાના બુદ્ધિચાતુર્યથી કાઢી આપે છે ને પિતાપુત્રનું મિલન થાય છે. કથાપ્રસંગોને સામાન્ય રીતે લાઘવથી રજૂ કરતી આ કૃતિમાં પ્રવાહિતા અને પ્રસાદિકતા છે ને કવચિત્ વર્ણન, મનોભાવનિરૂપણ ને સુભાષિત વચનથી એમાં અસ્વાદ્ય અંશો પણ આવ્યા છે. વસ્તુ-છંદના અર્ધચરણને બેવડાવીને કવિએ એની ગેયતા વધારી છે એ ધ્યાનાર્હ છે.[જ.કો.]