ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સાખીઓ’ અખાજી


‘સાખીઓ’(અખાજી) : હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલી અખાની ૧૭૦૦ ઉપરાંત મુદ્રિત સાખીઓમાંથી ૨૦૦ ઉપરાંત સાખીઓ ગુજરાતી ભાષામાં છે. ૧૦૦૦ ઉપરાંત અંગોમાં વહેંચાયેલી મળતી આ સાખીઓનું અંગવિભાજન છપ્પાના જેવું જ શિથિલ છે તે ઉપરાંત એમાં છપ્પાના ઘણાં વિચારો ને દૃષ્ટાંતો નિરૂપાયેલાં મળે છે. બહુધા એક પંક્તિમાં વિચાર અને એક પંક્તિમાં દૃષ્ટાંત એ રીતે ચાલતી આ સાખીઓમાં કવચિત્ વિચાર બે કે વધુ સાખી સુધી સળંગ લંબાતો હોય એવું પણ બને છે. ક્યારેક થયેલો નવાં તાજગીપૂર્ણ દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. જેમ કે, ભણેલોગણેલો પંડિત હોય તે કીડીને પાંખ આવવા જેવું છે-એ ખરું ચાલી ન શકે, ખરું ઊડી પણ ન શકે. એકંદરે સરળ અભિવ્યક્તિ ધરાવતી આ સાખીઓ હિંદી પરંપરાના કેટલાંક વિશિષ્ટ સંસ્કારો પણ ઝીલે છે.[જ.કો.]