ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સિંહલ-સુતપ્રિયમેલક-રાસ’


‘સિંહલ-સુતપ્રિયમેલક-રાસ’ [ર.ઈ.૧૬૧૬] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૧૧ ઢાળ ને ૨૩૦ કડીની રાસ કૃતિ(મુ.). ‘પ્રિયમેલક’ એટલે પ્રિયજનનું મિલન કરાવી આપવાનું સ્થળ. એટલે કવિએ એને ‘પ્રિયમેલકતીર્થ-ચોપાઈ’ તરીકે પણ ઓળખાવી છે. દાનનો મહિમા કરવાના હેતુથી રચાયેલા આ રાસની કથા લોકકથા પર આધારિત છે. સિંહલદ્વીપનો રાજકુમાર પોતાના પરાક્રમોથી ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી સાથે કેવી રીતે પરણે છે, છૂટો પડી જાય છે અને આખરે ચારેને પ્રિયમેલક સ્થાનમાં પ્રાપ્ત કરે છે એની અદ્ભુત રસિક કથા એમાં આલેખાઈ છે. સિંહલસુત, કન્યાઓ ઇત્યાદિનાં પાત્ર-વર્ણનો કે વસંતઋતુના વર્ણનમાં કવિની શક્તિ ધ્યાન ખેંચે છે.[જ.ગા.]