ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’


‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’ : ૩ ખંડ અને ૧૦૩૪ કડીની વીરચંદ્રશિષ્ય જ્ઞાનચંદ્રની આ કૃતિ આ વિષયની જૈન કૃતિઓમાં સવિશેષ નોંધપાત્ર છે. એમાં ચીવટભર્યા ને ક્રમબદ્ધ વીગતકથનથી વાર્તા પ્રવાહને હાનિ કર્યા વગર ઇન્દ્રસભા, નગરકોટ, સ્ત્રીસૌંદર્ય આદિનાં વર્ણનો, સત્કર્મોનાં ફલ જેવા વિષયોની સૂક્તિઓ તથા તત્કાલીન સામાજિક આચારવિચારોની ગૂંથણી કવિએ કરી છે. આ તત્ત્વોથી કૃતિને પ્રસ્તાર મળ્યો છે પરંતુ એ એકંદરે રસાવહ નિવડ્યો છે, કેમ કે કવિ પાસે અલંકાર એ પદ્યબંધની ધ્યાન ખેંચે એવી ક્ષમતા છે. સુભાષિતો પણ ઉપમાદિ અલંકારોથી સચોટતા પામે છે ને પ્રાસ, વર્ણસગાઈ ઉપરાંત ચારણી શૈલીની ઝડઝમક પણ કવિ પ્રયોજે છે. કવિએ ઉપયોગમાં લીધેલા છંદોમાં વૈવિધ્ય છે. એમાં દુહા, ચોપાઈ, ગાથા, વસ્તુ ઉપરાંત ત્રિભંગી ને સારસી જેવા ચારણી છંદો પણ છે.[કા.શા.]