ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સિદ્ધિખંડન’


‘સિદ્ધિખંડન’ : જ્ઞાની કવિ બાપુસાહેબ ગાયકવાડની ઉદ્બોધન શૈલીમાં રચાયેલી ૨૦ કાફીઓની આ કૃતિ(મુ.)ના પ્રારંભમાં કવિ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જવા માટે સાચા ગુરુની સેવા કરવાની શિખામણ આપે છે. અને બાકીની કાફીઓમાં યોગીઓએ સિદ્ધ કરેલી અણિમા, ગરિમા, મહિમા, દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે ૧૮ સિદ્ધિઓ ગર્વને વધારતી હોઈ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાય રૂપ જ બને છે એમ કહે છે. દૃષ્ટાંતોથી કવિએ પોતાની વાતને સમર્થિત તો કરી છે, પરંતુ એમનું વક્તવ્ય ઓછું ચોટદાર બની શક્યું છે.[દે.દ.]