ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સુદામાચરિત્ર’


‘સુદામાચરિત્ર’ : ભાગવતના દશમસ્કંધના ૮૦-૮૧મા અધ્યાયોમાં નિરૂપાયેલી શ્રીકૃષ્ણના શાલેય મિત્ર શ્રીદામ (સુદામા)ની કથા પ્રેમાનંદે રસિક આખ્યાન રૂપે ખીલવી છે. ભારતની ઘણી ભાષાઓમાં અને ગુજરાતીમાં પણ અનેક કવિઓએ એ ગાઈ છે. સુદામાનો વેશ સારો ન હોઈ દક્ષિણની ભાષાઓમાં ‘કુચેલ’-ઉપાખ્યાન તરીકે તે ઉલ્લેખાઈ છે. ઋષિપત્ની પતિને શ્રીકૃષ્ણ પાસે દ્વારકા મોકલે છે, ભેટમાં તાંદૂલની પોટકી છોડવા વખતે ઋષિ સંકોચ અનુભવે છે, શ્રીકૃષ્ણ મુલાકાતને અંતે પ્રત્યક્ષ કશું આપતા નથી, પોતાને ત્યાં પાછા વળે છે ત્યારે ઋષિ ભાગ્યપલટો થયેલો જુએ છે-એ પ્રસંગો અને ઋષિના તે તે વખતના પ્રતિભાવો અંગે કેટલુંક પાયાનું મળતા-પણું બધાં નિરૂપણોમાં હોવા છતાં કથા આખા સંદર્ભની વૈયક્તિકતા ખિલવવા ઘણો અવકાશ આપનારી છે અને પ્રેમાનંદે એનો પૂરતો લાભ લઈને એક સુરેખ આખ્યાન નિપજાવ્યું છે. આરંભનાં પાંચ, અંતે નિર્વહણનાં ત્રણ જેટલાં અને વચ્ચેનાં દ્વારકામાં પ્રવેશ્યા અને ત્યાંથી નીકળ્યાં તેના છ કડવાં (અને થોડીક કડીઓ)માં થયેલું ચૌદ કડવાંનું વિભાજન સંઘેડાઉતાર ઘાટ આપે છે, જે એના આકર્ષણનું એક મુખ્ય કારણ રહ્યું છે. વચલો દ્વારકાનો ખંડ ‘મિત્ર’ માધવ સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે અને એટલોક સમય સુદામાની એક વિશુદ્ધ-વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ મળે છે. ગુજરાતીમાં નરસિંહ મહેતા, સોમ, ભાલણ, (‘દશમસ્કંધ’માં) દામોદરસુત જગન્નાથ, ધનદાસસુત સુંદર, મોતીરામ આદિએ સુમાદાચરિત આપ્યું છે. નરસિંહ, ભાલણ અને પ્રેમાનંદ કૃષ્ણનો સુદામાના મિત્ર તરીકે ઉલ્લેખ કરીને ભાગવતમાંના ‘સૌહૃદસખ્યમૈત્રી’ના ભાવને સવિશેષ ઘૂંટે છે. નરસિંહ અને સોમ સુદામા અને ઋષિપત્નીના સંવાદને સુપેરે ખીલવે છે. પ્રેમાનંદ જે રંગ ઉમેરે છે તે છે સ્ત્રીને યથાર્થ પરિસ્થિતિનો સામનો કર્યા વગર છૂટકો નથી તે કારમી વીગતના આલેખનનો. ‘એ તો જ્ઞાન મને ગમતું નથી રે’ - ત્યાં સ્ત્રીને ‘જ્ઞાન’નો તિરસ્કાર છે એવું નથી. ‘રુએ બાળક, લાવો અન્ન’ એ હકીકત એને કેવળ ‘જ્ઞાન’માં ડૂબી જતાં રોકે છે. ‘અન્ન વિના ધરમ સૂઝે નહીં... ઊભો અન્ને સઘળો સંસાર’ આ યથાર્થતાનો સ્ત્રીએ સ્વીકાર કરવાનો રહે છે એ સાંસારિક જીવનની કરુણતાની મીંડ પ્રેમાનંદના ગાનને વિશેષતા અર્પે છે. ઋષિપત્નીની છબી જેટલી સુરેખ ઊપસી છે તેવી ઋષિની ઊપસવા પામી નથી. દ્વારકા જતા સુદામાનું ચિત્ર ઋષિને ભોગે, હાસ્યપ્રેરક માત્ર નહીં, હાસ્યાસ્પદ બને છે, એમાં હજી બાહ્ય, શારીરિક, વેષભૂષા-વિષયક દારિદ્રમૂલક વીગતો કારણભૂત છે. પણ દ્વારકા છોડ્યા પછી ‘મૂળગા મારા તાંદૂલ ગયા!’ અને કૃષ્ણે પોતે સેવાસરભરા કરી તે ‘લટપટ કરી મારા તાંદૂલ લેવા’ એવી એમની આરોપાત્મક, ભલેને ક્ષણજીવી, ટીકા એમના મનની કૃપણતા ખુલ્લી કરનારી છે. વતન પાછા ફર્યા પછી ઝૂંપડીને બદલે ‘એક મુષ્ટિ તાંદુલે’ આણેલા મહેલાતના વૈભવ વચ્ચે ઋષિનું સુરેખ ચિત્ર આપવા જતાં વળી કવિની કલમે એમની ગરવાઈ અળપાઈ છે, નવા આવાસમાં જવા તેડતી-વધાવતી પત્ની અને સહેલીઓ પ્રત્યે ‘પાપણીઓ તમને પરમેશ્વર પૂછશે’ એવો ઋષિનો પ્રત્યાઘાત કવિની હાસ્યની હથોટીને અપરસ સુધી જાણે કે તાણી જાય છે. સુદમા અંગે કદાચ મૂળ ભાગવતની કથામાં જ મુશ્કેલી છે. સખ્યભક્તિનો નમૂનો આપતાં, ભાગવતકારે ઋષિકુટુંબને શ્રીકૃષ્ણના પ્રાસાદરૂપે જેને ‘જાડો’ રોટલો કહે છે એટલાનો સધિયારો મળ્યાનું નિરૂપણ કર્યું હોત તો પૂરતું હતું. ઝૂંપડીવાસીને વૈભવવિલાસભર્યા મહેલમાં મૂકવાની કોઈ અનિવાર્ય જરૂર ન હતી. કૃતિના આરંભમાં “મન જેનું સંન્યાસી” એવું સુદામાનું વર્ણન અથવા અંતે “વેશ રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ” એવું વર્ણન પ્રેમાનંદ આપે છે તે વાચ્ય કોટિનું રહી જાય છે, ખરેખર ઋષિની એવી દશા વર્તે છે એવી પ્રતીતિ કરાવનારું નથી. આખ્યાન દ્વારકામાં બે મિત્રોના ભાવસઘન મિલનનો સખ્યભાવે સાયુજય-અનુભવ કરતા જીવાત્મા-પરમાત્માના મિલનનો નિર્દેશ કરતાં વચલાં કડવાંમાં મૈત્રીકાવ્ય તરીકે દીપી ઊઠે છે. આખી કૃતિમાં વર્ણનની, ચિત્રાંકનની કળાનો પદેપદે પરિચય થાય છે. “વેરાણા કણ ને પાત્ર ભરાણું”માં સોનાથાળીમાં પોટલીના પૌંઆ પડતાં થતો રણકાર પ્રત્યક્ષ થાય છે. વતનની ઝૂંપડીએ પગ તો લઈ આવ્યા પણ ઋષિ “ધામ દેખી ભૂલો પડ્યો”-એમાં પોતાના ઘરની શેરીએ પહોંચનારનું ભૂલા પડેલા તરીકે વર્ણન એ એક રમ્ય વકોકિત છે. ‘દશમસ્કંધ’ના પોતાના ગુજરાતી રૂપાન્તરમાં ૪૫મા અધ્યાયમાં મૂળ ભાગવતમાં નથી તે વડા નિશાળિયા સુદામા સાથેનો પ્રસંગ બહેલાવીને પ્રેમાનંદે ગાયો છે. ‘દશમસ્કંધ’ અધૂરો રહ્યો, નહીં તો એંશી-એક્યાશીમા અધ્યાયમાં એમના હાથે સુદામાના પાત્રની ખીલવણી કેવી થાત-પોતાના ‘સુદામાચરિત્ર’ને અનુસરતી એ હોત કે ભાગવત પ્રમાણેની કાંઈક વધુ ગૌરવયુક્ત ભક્તની હોત-તે જોવા મળત. નોંધવું જોઈએ કે ભાલણ જેવા સુકવિના ‘દશમસ્કંધ’નાં ‘સુદામા-ચરિત્ર’નાં કડવાંમાં લગભગ પ્રેમાનંદના સુદામાની યાદ આપે એવી મૂર્તિ રજૂ થઈ છે. સુરેખ વર્ણનો અને ચિત્રો, રસાળ બાની અને લય અને ‘તને સાંભરે રે’-‘મને કેમ વીસર રે’માં ધબકતી મિત્રગોઠડીની સહૃદયતા અને ચારુતાને કારણે ‘સુદામાચરિત્ર’ યોગ્ય રીતે જ એક અત્યંત લોકપ્રિય શિષ્ટ કૃતિનું સ્થાન મેળવી ચૂક્યું છે.[ઉ.જો.]