ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સ્થૂલિભદ્ર-ફાગુ’


‘સ્થૂલિભદ્ર-ફાગુ’ : ખરતરગચ્છના જિનપદ્મસૂરિકૃત આ ફાગુ(મુ.) ગુજરાતી ફાગુકાવ્યોમાં ‘જિનચંદ્રસૂરિ-ફાગુ’ પછીની બીજી જ રચના હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ચૈત્ર માસમાં નૃત્ય સાથે ગાવા માટેનો નિર્દેશ ધરાવતા દુહા-રોળાબદ્ધ ૨૭ કડી અને ૭ ભાસના આ ફાગુમાં પાટલીપુત્રના મંત્રી શકટાલના પુત્ર સ્થૂલિભદ્ર, દીક્ષા લીધા બાદ, જેની સાથે પૂર્વાશ્રમમાં પોતાને સતત ૧૨ વર્ષનો સહવાસ હતો તે પ્રેયસી ગણિકા કોશાને ત્યાં ગુરુની આજ્ઞા મેળવી ચાતુર્માસ ગાળવા પધારે છે તે પ્રસંગનું નિરૂપણ છે. સ્થૂલિભદ્રના દુષ્કર કામવિજ્યનો મહિમા ગાવો એ આ કાવ્યનો ઉદ્દેશ છે, પરંતુ કવિએ શૃંગારના ઉદ્દીપન-વિભાવ રૂપે કરેલું વર્ષાવર્ણન, શૃંગારના આલંબનવિભાવ રૂપે કરેલું કોશાનું સૌંદર્યવર્ણન, સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચે મૂકેલો માર્મિક સંવાદ, તથા કોશાના મદનપ્રભાવ સામે વિજ્યી થતો બતાવેલો સ્થૂલિભદ્ર અને કોશા વચ્ચે મૂકેલો માર્મિક સંવાદ, તથા કોશાના મદનપ્રભાવ સામે વિજ્યી થતો બતાવેલો સ્થૂલભદ્રનો જ્ઞાનધ્યાનજનિન શાંત સંયમપ્રભાવ-આ સર્વ કાવ્યને આસ્વાદ્ય બનાવે છે. એક નાટ્યાત્મક પરિસ્થિતિનું અવલંબન, રૂઢ છતાં દ્યોતક અલંકારોનું આયોજન, વર્ણધ્વનિનો કવિએ ઉઠાવેલો લાભ તથા લય અને ભાષા પરત્વેની પ્રભુતા કવિના રસિક કવિત્વને પ્રગટ કરે છે. [ચ.શે.]