ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંક (Act)


અંક (Act) : નાટકનો મુખ્ય એકમ કે વિભાગ. એ એક કે વધુ દૃશ્યોમાં વિભક્ત હોય છે. સંસ્કૃત તેમજ ગ્રીક નાટકોમાં સામાન્યત : પાંચ અંકોનો સમાવેશ થતો. આ પરંપરા ઓગણીસમી સદીના અંતભાગ સુધી ભારતીય ભાષાનાં નાટકોમાં પણ મહદ્ અંશે જળવાઈ. વીસમી સદીના આરંભ સાથે યુરોપીય રંગભૂમિની અસરના પરિણામરૂપ ભારતીય રંગભૂમિ ઉપર ત્રણ અંકનાં નાટકો ભજવાવા લાગ્યાં. છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી બે અંકનાં નાટકો પણ પ્રચારમાં આવ્યાં. માત્ર એક અંકનાં નાનાં નાટકો, જે સમય જતાં સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ (એકાંકી) તરીકે આગળ આવ્યાં તે પણ વીસમી સદીમાં જ વિશેષ પ્રચાર પામ્યાં. સંસ્કૃત નાટકોની અસર હેઠળ લખાયેલાં ગુજરાતી નાટકો પાંચ અંકમાં પ્રાપ્ત થાય છે, જેવાંકે : ‘જયા જયન્ત’, ‘શાહાનશાહ અકબરશાહ’ (ન્હાનાલાલ) વગેરે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટ્યલેખન ત્રિઅંકી નાટકો તરફનો ઝોક બતાવે છે, જેવાંકે : ‘સુમંગલા’ (શિવકુમાર જોષી), ‘કુમારની અગાશી’ (મધુ રાય). છેલ્લા બે દાયકામાં આધુનિક વિશ્વરંગભૂમિનાં વલણો સ્વીકારીને ચાલતું નાટ્યલેખન દ્વિઅંકી નાટકો પણ લાવ્યું છે, જેવાંકે : ‘સુમનલાલ ટી. દવે’ (સુભાષ શાહ) ‘પીળું ગુલાબ અને હું’ (લાભશંકર ઠાકર). પ.ના.