ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિવૃત્તાન્તો


અધિવૃત્તાન્તો(Metanarratives) : આ સંજ્ઞા અનુઆધુનિક પરિસ્થિતિના સંદર્ભમાં ઝાં ફ્રાંકવા લ્યોતારે આપેલી છે. આ સંજ્ઞા, સમાજને સમર્થિત કરતાં અને એને વાજબી ઠેરવતાં, ધર્મ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં અર્થઘટનાત્મક અને સમજૂતીવિષયક લખાણોને ચીંધે છે. આધુનિક કૃતિઓની દેખીતી વિશૃંખલતા, વિસંયોજકતા અને ત્રુટકતાને અતિક્રમી જવા એને અર્થસંકલિત કરવા તેમ જ એને કોઈ વધુ સંગત, અર્થપૂર્ણ એકાત્મક અખિલાઈ બક્ષવા માટે આ પ્રકારનાં અધિવૃત્તાન્તોનો આશ્રય લેવાય છે. અને આ અધિવૃત્તાન્તો આધુનિક કૃતિઓના ‘અવકાશો’ (Blanks) અને ‘નિષેધો’ (Negations)ને વટાવી જવામાં સહાયક નીવડે છે. પરંતુ અનુઆધુનિક નવલકથાઓ તો આ અધિવૃત્તાન્તોને પણ વ્યર્થ બનાવે છે. તેથી આવી કૃતિઓ અખિલાઈમાં પામી ન શકાય એ રીતે લખાયેલી હોય છે. જોન બાર્ટ, ડોનલ્ડ બાર્થેમ, મેગ્વાન કે બ્રાઉટીગનની નવલકથાઓ આનાં ઉદાહરણો છે. ચં.ટો.