ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અપેક્ષાઓનો


અપેક્ષાઓનો અનુભવસ્તર (Horizon of expectations) : આ સંજ્ઞા હાન્સ રોબર્ટ યાઉસે પોતાના અભિગ્રહણ સિદ્ધાન્તમાં વાપરેલી છે. વાચકો સાહિત્યકૃતિ વાંચે છે અને મૂલવે છે એની પાછળ સાંસ્કૃતિક ધોરણો, ધારણાઓ અને કેટલાક માનદંડો ક્રિયાશીલ હોય છે. પ્રચલિત રૂઢિઓ, કલાવ્યાખ્યાઓ કે તત્કાલીન નૈતિક સંહિતાઓ વાચકની ક્રિયાશીલતાને પુષ્ટ કરે છે. વાચકના આવા અનુભવસ્તરોમાં ઐતિહાસિક પરિવર્તન શક્ય છે અને તેથી જ આવનારી પેઢીઓમાં વાચકો એની એ સાહિત્યકૃતિમાં બિલકુલ જુદા જ અર્થ જોવા પામે છે. ચં.ટો.