ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અમરુશતક


અમરુશતક : સાતમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા મનાતા અમરુ (અમરુક કે અમરૂક પણ લખાય છે)રચિત અમરુશતક સાહિત્યરસિકો અને સાહિત્યશાસ્ત્રીઓ બંનેનું માનીતું રહ્યું છે. પ્રેમ (Love), શૃંગાર (erotics) અને જાતીયતા (sexuality) આ ત્રણે સંસ્કૃત સાહિત્યનો વિષય રહ્યાં છે. છતાં, અમરુશતકના સંદર્ભે, પ્રેમ અને જાતીયતાનું નિરૂપણ તેને અનોખી કૃતિ ઠરાવે છે. અહીં જાતીયતાનું આલેખન હોવા છતાં, તે ક્યાંય અશ્લીલ બનતું નથી. તેનું એક કારણ, અમરુની સુરુચિ હોવા ઉપરાંત, મોટા ભાગનાં પદ્યો સ્ત્રીના મુખમાં મૂક્યાં છે તે છે અને પરિણામે આ નિરૂપણને એક કલાત્મક કુમાશ અને આભિજાત્ય સાંપડ્યાં છે. અહીં પ્રેમનાં અનેક રૂપોને નાટ્યાત્મક તેમજ કલાત્મક આકાર સાંપડ્યો છે. એટલે આનંદવર્ધન જેવા સંસ્કૃત સાહિત્યના મર્મજ્ઞ વિવેચકે અમરુના એક શ્લોકને સો પ્રબંધો બરાબર કહ્યો છે. વિ.પં.