ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્પણકાવ્ય


અર્પણકાવ્ય : તૈયાર થયેલો ગ્રન્થ કોઈને અર્પણ કરવાની પ્રથા સાહિત્યક્ષેત્રમાં પ્રચલિત છે. ક્યારેક ગ્રન્થની સાથે સુસંગત હોવાને કારણે કોઈ વ્યક્તિને સ્મરવામાં આવે છે; ક્યારેક વ્યક્તિ પરત્વેનો લેખકનો અહોભાવ કે સદ્ભાવ જ અર્પણનું કારણ બને છે. આ અર્પણ અર્ધપંક્તિમાં, પંક્તિમાં, પંક્તિઓમાં કે પૂરા કાવ્ય રૂપે થયેલું જોવા મળે છે. પ્રહ્લાદ પારેખે ‘બારીબહાર’માં સોમાલાલ શાહને અર્પેલું અનુષ્ટુપનું એક ચરણ ‘(રંગના કવિને કરે’), રા.વિ. પાઠકે ‘શેષનાં કાવ્યો’માં સદ્ગત પત્નીને અર્પેલી સ્રગ્ધરાની પૂરી પંક્તિ ‘(વેણીમાં ગૂંથવાતાં કુસુમ ત્યહીં રહ્યાં અર્પવાં અંજલિથી’), કે પછી ‘કાન્તે’ ‘પૂર્વાલાપ’માં રમણભાઈ નીલકંઠને અર્પેલું શિખરિણીસોનેટ ‘(ઉપહાર’) આનાં વિવિધ ઉદાહરણ છે. ચં.ટો.