ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવેસ્તા


અવેસ્તા : ઈરાનમાં થઈ ગયેલા પારસી કોમના મહાન પેગંબર અષો જરથુષ્ટ્રે ઈરાનમાં જે ધર્મ પ્રવર્તાવ્યો તે જરથોસ્તી ધર્મ તરીકે ઓળખાય છે. અષો જરથુષ્ટ્રના જન્મ પહેલાં ઈરાનની પ્રજા અને ભારતમાં આવેલી આર્ય પ્રજા એક જ પ્રદેશમાં સાથે વસતી હતી. એમનો ધર્મ સમાન હતો અને એમની ભાષા પણ એક હતી. એટલે જરથુષ્ટ્રી ધર્મનું પ્રાચીન વેદધર્મ સાથે ઘણી બાબતમાં સામ્ય જોવા મળે છે. અષો જરથુષ્ટ્રે કોઈ નવો ધર્મ પ્રવર્તાવ્યો નથી પણ ઈરાનની પ્રજામાં જે ધર્મભાવના અને ધાર્મિક ક્રિયાકાંડો ચાલતાં હતાં તેમાં જમાનાને અનુસરીને અને પ્રજાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરીને તેમણે ધર્મનું નવું સંસ્કરણ કરેલું. એ ધર્મ દ્વારા તેમણે નીતિમય અને સદાચારી જીવન ગુજારવાનો ઉપદેશ કર્યો. સેવા અને પરોપકારનાં કાર્યો પર તેમાં ભાર મૂકવામાં આવ્યો છે. જરથોસ્તી ધર્મનો ગ્રન્થ ‘અવસ્તા-વ-ઝંદ’ નામથી પ્રસિદ્ધ છે. અવસ્તાનો અર્થ જ્ઞાન એવો થાય છે અને ઝંદ શબ્દ પણ સંસ્કૃતના ‘જ્ઞા’ ધાતુ સાથે સંબંધ ધરાવે છે. તેનો અર્થ પણ જ્ઞાન એવો થાય છે એટલે ‘અવસ્તા-વ-ઝંદ’નો ઉચિત અર્થ કરીએ તો જ્ઞાન અને તેની સમજૂતી એવો થાય છે. અહીં યશ્ન વિભાગમાં યજ્ઞકાર્યની મહત્તા દર્શાવવામાં આવી છે. એનો એક ભાગ હોમયશ્ન છે, તેનું સામ્ય વેદકાલીન સોમયાગ સાથે છે. બીજો વિભાગ વીસ્પરદમાં યજ્ઞ સમયે પઠન કરવાના મંત્રોનો સંગ્રહ છે. ત્રીજા વિભાગ વંદીવાદમાં નીતિનિયમો અને સદાચારનાં કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા વિભાગ યસ્યમાં દેવોના આહ્વાહન માટે અને એમની ઉપાસના માટેના મંત્રો છે. પાંચમા વિભાગ ખોર્દેહ અવસ્તામાં પ્રાર્થનાને લગતા શ્લોકો છે. આની ભાષા વેદભાષા સંસ્કૃતને મળતી આવે છે. જેમ વેદમાં તેમ અવેસ્તામાં પણ અગ્નિ, યજ્ઞ, પુરોહિત વગેરેનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. વેદમાંનો ‘મિત્ર’ શબ્દ અવેસ્તામાં ‘મિશ્ર’ તરીકે અને ‘અસુર’ શબ્દ ‘અહૂર’ તરીકે યોજાયા છે. વેદકાળમાં હિંદુધર્મની જેમ અવેસ્તામાં પણ અગ્નિનો અત્યંત મહિમા કરવામાં આવ્યો છે. દરેક જરથોસ્તીગૃહમાં અગ્નિ જલતો રાખવાની આજ્ઞા છે. મ.પા.