ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસાઈત


અસાઇત સાહિત્યસભા: ગુજરાતના લોકનાટ્ય ભવાઈના આદ્ય સર્જક અસાઇતની સ્મૃતિમાં ૧૯૭૩માં ઉત્તર ગુજરાતના ઊંઝા નગરમાં સ્થપાયેલી આ સંસ્થા ઊંઝા, વિસનગર, મહેસાણા, મોડાસા, કલોલ અને અમદાવાદમાં કાર્યરત છે. ઊંઝા, વિસનગર અને મહેસાણામાં સંસ્થા દ્વારા ચિલ્ડ્રન થિયેટર (બાળરંગભૂમિ)ના વર્ગો નિયમિત ચાલે છે. મૌલિક ગુજરાતી નાટકોનાં પ્રકાશનો, લોકસાહિત્ય ક્ષેત્રે સંશોધન-સંપાદન અને પ્રકાશનની પ્રવૃત્તિ, બાળસાહિત્યના ક્ષેત્રે નાટકો, વાર્તાઓ અને કાવ્યોનાં પુસ્તકોનું પ્રકાશન નાટ્યતાલીમ શિબિરો, બાળનાટ્યતાલીમ શિબિરો, નાટ્યલેખનશિબિરો, ‘સ્વરાંજલિ’ જેવા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો, ગાયન, વાદન અને નર્તનનું શિક્ષણ આપતી સ્વ. વસંતરાય બ્રહ્મભટ્ટ સંગીત વિદ્યાલય જેવી સંસ્થાનું સંચાલન, એકાંકી અને બહુઅંકી નાટ્યમહોત્સવોનું આયોજન નાટક અને રંગભૂમિ વિશેનું ‘કલાવિમર્શ’ નામનું સામયિક – આવી અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન આ સંસ્થા કરે છે. વિ.રા.