ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આક્ષેપ


આક્ષેપ : વિરોધમૂલક અલંકાર. અહીં કંઈક વિશેષ કથન કરવાની ઇચ્છાથી બોલવા યોગ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. તે વિષય વક્ષ્યમાણ હોય કે કથિત હોય તે પ્રમાણે આક્ષેપના બે પ્રકાર માનવામાં આવે છે. આક્ષેપમાં ચાર તત્ત્વો આવશ્યક છે. ૧, કંઈક કહેવાની ઇચ્છા છે. ૨, તે કથનયોગ્ય વસ્તુનો નિષેધ થાય છે. ૩, આ નિષેધ ઉચિત ન હોવાથી તે માત્ર દેખાવ પૂરતો (આભાસમાત્ર) હોય છે. ૪, નિષેધ દ્વારા સીધા કથનથી જે પ્રગટ ન થઈ શકે તેવા વિશેષ અર્થની સિદ્ધિ થાય છે. જેમકે ‘‘હે નિષ્ઠુર આવ. કોઈક (સ્ત્રી) માટે તને કંઈક કહું. અથવા રહેવા દે, વગર વિચાર્યે કાર્ય કરનાર એ સ્ત્રીનું ભલે મૃત્યુ થાય. હું તને કંઈ કહીશ નહિ.’’ અહીં દૂતી નાયક સમક્ષ પ્રસ્તુતની રજૂઆતને રોકીને નિષેધનો આભાસ રચે છે. છતાં નાયિકાની અત્યંત કામાતુર દશાનું સૂચન આ નિષેધ દ્વારા જ થાય છે. આ વક્ષ્યમાણ વિષય આક્ષેપનો પ્રકાર છે. જ.દ.