ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉત્પ્રેક્ષા


ઉત્પ્રેક્ષા : ઉપમેયની ઉપમાન તરીકેની સંભાવના વ્યક્ત કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. આ સંભાવના વાસ્તવિક નહિ પરંતુ સૂચિત હોવી જોઈએ. સંભાવનાનો સંકેત કરવા ‘ખરેખર’, ‘હું ધારું છું,’ ‘મને લાગે છે’ ‘મોટાભાગે’ વગેરે શબ્દોના પ્રયોગ કરવામાં આવે છે. ઉપમા અને ઉત્પ્રેક્ષા બન્ને સાધર્મ્યમૂલક અલંકારો છે. ઉપમામાં ઉપમેય અને ઉપમાન વચ્ચેના ભેદ અને અભેદનું સરખું મહત્ત્વ હોય છે, જ્યારે ઉત્પ્રેક્ષા અભેદપ્રધાન છે. ઉપમેય અને ઉપમાન ભિન્ન હોવા છતાં ઉપમેય જાણે ઉપમાનથી અભિન્ન હોય એવી સંભાવના એમાં વ્યક્ત થાય છે. જેમકે ‘‘અંધકાર જાણે અંગોને લેપ કરે છે. આકાશ જાણે અંજનની વર્ષા કરે છે.’’ અહીં અંધકારના વ્યાપનની અંગલેપન તરીકે સંભાવના કરવામાં આવી છે. માટે ઉત્પ્રેક્ષા અલંકાર છે. જ.દ.